ઘંટેશ્વર, માધાપર અને નાગેશ્વરમાં લોકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડો

ખુદ ભાજપના જ કોર્પોરેટરની મ્યુનિ.કમિશનરને રજૂઆત
રાજકોટ તા.21 : શહેરની હદમાં તાજેતરમાં ભેળવવામાં આવેલા નવા ગામો પૈકીના વોર્ડના 1માં ભળેલા ગામોના વસતા લોકોને સત્વરે પ્રાથમિક સુવિધા પૂરી પાડવા ખુદ ભાજપના જ નગરસેવકે મ્યુનિ.કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે.
કોર્પોરેટર બાબુભાઈ આહિરે જણાવ્યું છે કે, તાજેતરમાં વોર્ડ નં.1માં ઘંટેશ્વર, નાગેશ્વર, માધાપર ગામ, પરશુરામ જેવા અનેક વિસ્તારો ભળ્યા છે. આ વિસ્તારના પ્રજાજનો પણ વિકાસના કામથી વંચિત રહેવા ન જોઇએ. આ તમામ ગામને વિસ્તારોમાં તત્કાલ સ્ટ્રીટ લાઇટ, પાણી વિતરણ વ્યવસ્થા, ભૂગર્ભ ગટર સુવિધા, પાકા રોડ, આરોગ્ય, સફાઇ જેવી સુવિધા તાત્કાલીક પહોંચાડવી જોઇએ.
તેમણે જણાવ્યું છે કે, ઉપરોક્ત વિસ્તારોને રાજકોટમાં ભેળવવા સાથે સંલગ્ન બોર્ડરવાળા વોર્ડમાં જોડી દેવામાં આવ્યા છે. આથી આ વિસ્તારોમાં હવે સુવિધા પહોંચાડવામાં કોઇ વિલંબ થવો ન જોઇએ. ડિસેમ્બરમાં મહાપાલિકાની વર્તમાન બોડીની મુદ્દત પુરી થઇ રહી છે.  ચૂંટણી ત્રણ મહિના પાછી ઠેલવામાં આવી છે પરંતુ આ સહિતના ગામો જુદા જુદા વોર્ડમાં ભેળવી દેવામાં આવ્યા છે. હવે આ વિસ્તારના લોકો પણ સ્માર્ટ સીટીનો ભાગ જ છે. આથી રાજકોટના હાલના 18 વોર્ડના નાગરીકો જે સુવિધા માટે હકકદાર છે તે જ સુવિધા નવા ભળેલા ગામના લોકોને પણ તત્કાલ આપવી જોઇએ
તેવો મત હિંમતથી ભાજપના પદાધિકારીએ રજુ કરી દીધો છે. 
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer