ભણતર છોડી ચૂકેલી રાજકોટની 15 કિશોરીનો શાળામાં પૂન:પ્રવેશ


ICDSના પ્રયાસો, કિશોરીઓને શિક્ષિત કરવાની નેમ
રાજકોટ  : પારિવારિક સમસ્યાઓ, આર્થીક સમસ્યા કે અન્ય કોઇ કારણોસર કિશોરીઓ શાળાએ જવાનું બંધ કરી દેતી હોય છે અને પોતાનું ભણતર અધુરું મૂકી દેતી હોય છે ત્યારે રાજકોટના સંકલિત મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા શ્રેષ્ઠ સમાજના નિર્માણમાં ભણી ગણીને નિશ્ચિત સ્થાન પ્રાપ્ત કરતી કિશોરીઓનું મહત્ત્વ કેટલું છે તે સમજાવીને તેમની સમસ્યાઓનું નિવારણ કરીને તેમને ફરી શાળામાં પુન:પ્રવેશ મેળવે તે માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જેના કારણે રાજકોટ જિલ્લાની 15 કિશોરીઓએ શાળામાં પુન: પ્રવેશ મેળવ્યો છે જે દર્શાવે છે કે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દરેક ક્ષેત્રમાં સમતોલ વિકાસ માટે મક્કમ ગતિએ કામ કરી રહ્યું છે.
આઈડીસીએસ વિભાગના પ્રયાસો થકી 15 કિશોરીઓએ શાળામાં પુન: પ્રવેશ મેળવ્યો છે. જેમાંની એક કિશોરી વિંછિયાના હાથસણી ગામમાં રહેતી નિકિતા વિજયભાઈ નિમાવતે શાળામાં પુન: પ્રવેશ મેળવીને ભણતર માટે નવી ઉર્જા સાથે આનંદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, મેં ધોરણ 12 પછી અભ્યાસ છોડી દીધો હતો . પરંતુ અમારા આંગણવાડીના બહેન શોભાબેન સદાદિયાએ મને સમજાવી. શિક્ષા થકી મારું સામાજિક અને પારિવારિક જીવન કેટલું સુખમય હશે તેની અનુભૂતિ કરાવી છે. તેથી મેં અમરાપુરમાં બીએ કરવાનો નિર્ણય કર્યો છે. હવે મારે શિક્ષક બનીને લોકોને શિક્ષાનું મહત્ત્વ સમજાવવું છે. જેથી મારી જેમ અન્ય કોઇ કિશોરીઓ પોતાનું ભણતર અધુરું ન મૂકે.
રાજકોટ આઈસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવેએ જણાવ્યું હતું કે, અમારા દ્વારા કોઇપણ કારણોસર અધુરો અભ્યાસ છોડી ચૂકેલી કિશોરીને શાળામાં પુન:પ્રવેશ માટે સમજાવામાં આવે છે.
કિશોરીઓને સરકારની શિક્ષણલક્ષી આર્થિક સહાયની સમજ આપવામાં આવે છે. સામાન્ય રીતે 8-10 ધોરણ પછી ડ્રોપઆઉટ રેશિયો વધુ જોવા મળે છે. તેથી જો અપડાઉનની સમસ્યા હોય તો સરકાર વિદ્યાર્થીઓને પરિવહન માટે ફ્રી પાસની સુવિધા આપે છે. આદર્શ નિવાસી શાળાઓની પણ સુવિધા છે જેવી બાબતોથી અવગત કરાવવામાં તેમ પૂર્ણા કન્સલ્ટન્ટ શ્રધ્ધાબેન રાઠોડે કહ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer