ગૃહકંકાસથી કંટાળી સફાઈ કામદારનો એસિડ પી આપઘાત

જુગારમાં પકડાયેલા બે શખસ પાસામાં ધકેલાયા
યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
જુગાર રમતા સાત શખસ પકડાયા
મારામારીમાં પાંચ શખસ ઝડપાયા
રાજકોટ, તા.18 : ભગવતીપરા પાસેની સુખસાગર સોસાયટીમાં અમૃત વિલા એપાર્ટમેન્ટમાં રહેતા મયુરભાઈ નિલેષભાઈ રાઠોડ નામના યુવાને તેના ઘેર એસીડ પી લેતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું.
આ બનાવ અંગે જમાદાર વી.કે.સોલંકી તથા રાઈટર કિશનભાઈએ હાથ ધરેલી તપાસમાં મૃતક મયુર રાઠોડ મનપામાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતો હતો. ઘરમાં ગૃહકંકાસ થતો હોઇ કંટાળી જઈ આ પગલું ભરી લીધાનું ખુલ્યું હતું. પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
પાસા : લક્ષ્મીનગર-રમાં આંબેવ ચોકમાં રહેતા અને જુગાર રમાડવાના ગુનામાં પકડાયેલા ભાવેશ બચુ પાડલીયા નામના કોળી શખસની પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જેલમાં ધકેલી દીધો હતો તેમજ જુગારના ગુનામાં પકડાયેલ બાબરીયા કોલોનીમાં રહેતા સમીર મનસુખ સોરઠીયા નામના શખસની પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.
યુવાન : નવા થોરાળા વિસ્તારની સર્વોદય સોસાયટીમાં રહેતા ભાવીન ધીરેનભાઈ પરમાર નામના યુવાને તેના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
જુગાર : માર્કેટીંગ યાર્ડ ટ્રાન્સપોર્ટનગરમાં બંધ ટ્રકોની વચ્ચે જુગાર રમતા ઉકા સામત જાપડા, ભરત મનજી મકવાણા અને બીજલ જીવા પરમારને ઝડપી લઈ રૂ.11,400ની મતા કબજે કરી હતી તેમજ બેડી ગામે ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા પ્રકાશ હરગોવીદ સતવાણી નામના શખસના મકાનમાં પોલીસે દરોડો પાડયો હતો અને જુગાર રમતા પ્રકાશ સવજી માયાણી, રાજુ નેહલ રાયચુરા, પ્રકાશ હરગોવીદ સતવાણી અને મનસુખ ભીખા ડાભીને ઝડપી લઈ રૂ.10,600ની રોકડ, ચાર મોબાઈલ, બે બાઈક સહિત રૂ.6પ,100નો મુદામાલ કબજે કર્યો હતો.
ધરપકડ : ચુનારાવાડ ચોકમાં સરાજાહેર મારામારી કરવાના ગુનામાં સંડોવાયેલા ઈસ્માઈલ ચાંદ, શરીફ અબ્દુલ તાઈ, યુનુસ ઈકબાલ તાઈ, હાસમ આરીફ તાઈ અને મહમદ અબ્દુલ તાઈ નામના શખસોની પોલીસે ધરપકડ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer