રાજકોટમાં 16 વર્ષથી ત્યકતા બહેન સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ ભાઈની ધરપકડ

પ્રેમજાળમાં ફસાવી પરિણીત શખસે તરુણી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
રાજકોટ, તા.18 : દોઢસો ફુટ રીંગ રોડ પરના વિસ્તારમાં આવેલા ક્વાટરમાં રહેતી વિધવા મહિલા સાથે તેના સગાભાઈએ 16 વર્ષ સુધી દુષ્કર્મ આચરી મારકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે નરાધમ ભાઈની ધરપકડ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, રપ વારિયા ક્વાટરમાં રહેતી વિધવા મહિલા સાથે ગોકુલધામ પાસેના ગોકુલનગરમાં રહેતા સગાભાઈ ભુપત નાનજી ધોળકિયાએ 16 વર્ષ સુધી દુષ્કર્મ આચરી મારકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોય વિધવા મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ભુપત ધોળકિયા વિરૂધ્ધ ગુનો નેંધી ધરપકડ કરી હતી.
આ બનાવ અંગે ફોજદાર મોરવાડિયા તથા સ્ટાફે હાથ ધરેલી તપાસમાં ફરિયાદી મહિલાના પતિનું 16 વર્ષ પહેલા અવસાન થઈ ગયું હતું. ત્યાર બાદ તેનો સગોભાઈ ભુપત મારકૂટ કરી અવાર નવાર દુષ્કર્મ આચરતો હતો અને મારી નાખવાની ધમકી આપતો હતો. સગી બહેન સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં પકડાયેલ ભુપત ધોળકિયા વિરૂધ્ધ તેના સગા નાનાભાઈની પત્નીએ પણ દુષ્કર્મ આચર્યાની ઘણા સમય પહેલા ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
તરુણી :  અગાઉ 40 ફુટ રોડ પરના વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની પુત્રી સાથે માયાણીનગર પાસેના ચામુંડાનગરમાં રહેતા મેહુલ ડુંગર સોલંકી નામના શખસે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચરી મારકૂટ કરી વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપતા સગીરાએ ફરિયાદ નોંધાવતા પોલીસે મેહુલ સોલંકી વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.
આ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં હાલમાં ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી યુવતી અગાઉ 40 ફુટ રોડ પર રહેતી હતી. ત્યારે સગીરવયની હતી.
ત્યારે નજીકના વિસ્તારમાં રહેતા યુવતીની બહેનપણીના સંબંધી મેહુલ ડુંગર સોલંકી સાથે પરીચય થયો હતો અને બાદમાં બંને વચ્ચે મોબાઈલ પર વાતચીત થતી હતી. બાદમાં મેહુલ સોલંકીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી અને તેના ઘેર લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતું.
દરમિયાન મેહુલ સોલંકી પરિણીત હોવાનું જાણ થતા યુવતીએ સંબંધ રાખવાની ના પાડતા મેહુલ સોલંકી ઉશ્કેરાયો હતો અને યુવતીને મારકૂટ કરી મોબાઈલમાં અશ્લિલ વીડિયો ઉતાર્યે હોય તે વાયરલ કરી દેવાની ધમકી આપી હતી અને મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે મેહુલ સોલંકી નામના શખસની શોધખોળ શરૂ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer