ભૂમાફિયા ભુપતની બેડીગામની જમીન પચાવી પાડયાની કબૂલાત

ભૂમાફિયા ભુપતની બેડીગામની જમીન પચાવી પાડયાની કબૂલાત
1.17 ગુંઠા જમીનમાં ફાર્મ હાઉસ બનાવી નાખ્યું’તું
તા.ર0મી સુધી રિમાન્ડ : ફાયનાન્સર સહિતના શોધ્યા જડતા નથી
રાજકોટ, તા.18 : બેડી ગામે રહેતા યુવાનની કરોડોની કિંમતની જમીન પચાવી પાડવાના ગુનામાં ભૂમાફીયા ગેંગના કુખ્યાત ભુપત ભરવાડની પોલીસે ધરપકડ કરી રિમાન્ડ અર્થે રજુ કરવામાં આવતા કોર્ટે તા.ર0મી સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા અને કુખ્યાત ભુપત ભરવાડે પોલીસ-કોર્ટ સમક્ષ 1.17 ગુંઠા જમીન પચાવી પાડી ફાર્મ હાઉસ બનાવી નાખ્યાની કબુલાત આપી હતી. પોલીસે નાસી છુટેલા અન્ય સાગરીતોની રાબેતા મુજબ શોધખોળ શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી  છે કે, બેડી ગામે રહેતા રમેશભાઈ મોહનભાઈ અજાણી નામના યુવાને સામાકાંઠા વિસ્તારમાં રહેતા ફાયનાન્સર રાજુ ગૌસ્વામી, તેના ભાઈ હિતેષ, કુખ્યાત ભુપત ભરવાડ, મુકેશ ઝાપડા, રાકેશ પોપટ સહિતના વિરુધ્ધ બેડી ગામે આવેલી જમીન પચાવી પાડી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કરતા ડીસીબી પોલીસે ભૂમાફીયા ગેંગ વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો.
આ પ્રકરણમાં ક્રાઈમ બ્રાંચે હાલમાં જેલમાં રહેલા ભુપત વિરમ બાબુતર ઉર્ફે ભુપત ભરવાડનો ટ્રાન્સફર વોરન્ટથી કબજો મેળવી ધરપકડ કરી હતી અને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરતા કોર્ટે તા.ર0મી સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. ભુપત ભરવાડએ પોલીસ તથા કોર્ટ સમક્ષ 1.17 ગુંઠા જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડી ફાર્મ હાઉસ બનાવી નાખ્યાની કબુલાત આપી હતી અને આ જમીન મુળ માલીકને સોંપી દેવાની આજીજી વ્યકત કરી હતી. પોલીસે ફાર્મ હાઉસ મામલે પણ ધીમી ધારે તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસે પણ સમગ્ર મામલે તપાસ ચાલુ હોવાનું રટણ શરૂ કર્યું હતું.
ક્રાઈમ બ્રાંચે આ મામલે કુખ્યાત ભુપત ભરવાડના અન્ય સાગરીતો અને ફરાર થઈ ગયેલા રાજુ ગૌસ્વામી, તેનો ભાઈ હિતેષ, રાકેશ પોપટ સહિતનાને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે. શહેરમા રાજકીય આકાઓની ઓથ અને પોલીસ સાથેના ઘનીષ્ઠ સંબંધોથી ફરી ભૂમાફીયા ગેંગ સક્રિય બનતા પોલીસની કામગીરી સંદર્ભે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે. જામનગર પોલીસ દ્વારા ભૂમાફીયા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવતો હોય તો રાજકોટ પોલીસ દ્વારા આવી ભૂમાફીયા ગેંગ વિરુધ્ધ ગુનો નોંધવામાં પીછેહઠ કરવામાં આવતા પોલીસની કામગીરી સંદર્ભે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. ભૂમાફીયાઓ સાથેની ચોકકસ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની મીલીભગત નીતિના કારણે લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. ભૂમાફીયાઓના મોબાઈલની કોલ ડીટેઈલ કઢાવવામાં આવે તો અનેકને રેલો આવે તેવા નિર્દેશો સાંપડી રહ્યા છે. જોકે ભૂમાફીયા ગેંગમાં પકડાતા શખસો માત્ર નાની માછલીઓ જ હોય છે. જયારે મગરમચ્છો બીંન્દાસ બહાર ફરતા હોય છે તેબાબત જગજાહેર છે. આ પ્રકરણમાં પોલીસ મુખ્ય સૂત્રધાર સુધી પહોંચી શકશે કે કેમ કે પછી સમગ્ર મામલે ભીનું સંકેલી લેવામાં આવશે તેવો સો મણનો સવાલ પોલીસબેડા અને પ્રજાજનોમાં જળુંબી રહ્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer