ઘોર અંધારી રે રાતલડીમાં.. અચાનક આવી મેઘસવારી

ઘોર અંધારી રે રાતલડીમાં.. અચાનક આવી મેઘસવારી
શહેરમાં બે ઈંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા: શિયાળાના આગમન વચ્ચે ચોમાસાં જેવા વાતાવરણથી રોગચાળો ફાટી નીકળવા ભય
રાજકોટ, તા. 18: (ફૂલછાબ ન્યુઝ) બંગાળની ખાડીમાં ફરી સર્જાયેલું ડિપ્રેશન રાજકોટ શહેરમાં વણજોઈતા વરસાદને ખેંચી લાવ્યું હતું. આજે બીજા નોરતે ઘોર અંધારી રાતલડીમાં અચાનક મેઘસવારી આવી ચડી હતી અને સાંજે સાતથી આઠ વાગ્યા સુધીના એક જ કલાકમાં અનરાધાર બે ઈંચ વરસાદ
વરસાવ્યો હતો.
શહેરમાં સેન્ટ્રલ ઝોનમાં પ0 મિમિ અને બેડીપરા વિસ્તારમાં પપ મિમિ વરસાદ ખાબકી ગયો હતો. વીજળીના ચમકારા અને કડાકા ભડાકા વચ્ચે વરસેલા વરસાદથી એક તબક્કે લોકો ભયભીત થઈ ગયા હતા. કોરોના મહામારીએ નવરાત્રિના જાહેર આયોજન પર પાણી ફેરવી દીધું છે. તેમાં કસર રહી ગઈ હોય તેમ સોસાયટીઓમાં થતા ગરબાના આયોજન પર પણ આ વરસાદે પાણી ફેરવી દીધું હતું.  વરસાદને કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ હતી. આજી બે ડેમના બે, ન્યારી બે ડેમના એક, ડોંડી ડેમના બે, આજી ત્રણ ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા.  હવામાન વિભાગે આ દિવસોમાં વરસાદની આગાહી કરી હતી. તે પ્રમાણે શહેરમાં બે દિવસથી ભારે બફારો અને ગરમી વર્તાતી હતી. દરમિયાન આજે સાંજે વરસાદ તુટી પડયો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રાબેતામુજબ પાણી ભરાયા હતા. અને પાલિકા તંત્ર ફરી એક વખત ઉંઘતું ઝડપાયું હતું. જોકે ફાયર બ્રિગેડના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આ વરસાદથી શહેરમાં જાનમાલની નુકસાનીના અહેવાલો નથી. પરંતુ પાણી ભરાવાને કારણે ટુ વ્હીલર વાહનો બંધ પડી જવાની સમસ્યા થઈ હતી. રવિવારની રજામાં પરિવાર સાથે હળવાશની પળો માણવા બહાર નીકળેલા લોકોને દોડીને છત નીચે આશરો લેવો પડયો હતો. શહેરમાં કોરોનાનો કહેર આંશિક હળવો પડી રહ્યો છે. તેમાં આજના વરસાદે ફરી ઈંધણ પુર્યું હોય એમ એકાએક આવેલા વાતાવરણના પલટા, પાણી ભરાવા, ચોમાસા જેવી સ્થિતિ વગેરેને કારણે શરદી-તાવ, પેટની બીમારીની સમસ્યા વધુ વકરશે. મચ્છર જેવા જંતુઓના ઉપદ્રવ પણ વધશે જેને કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો પણ ફેલાય તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે.  તહેવારોના આ દિવસોમાં આરોગ્ય તંત્ર દ્વારા ચોપડા પર જ નહીં, વાસ્તવિક કામગીરી કરી લોકોને રોગચાળાની ચપેટમાં આવતા બચાવે તેવી માગ થઈ રહી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer