સાવકી માતાએ કેનાલમાં ફેંકી દીધેલા બાળકની 12 દિવસે લાશ મળી

ધ્રાંગધ્રા બ્રાંચની નર્મદા કેનાલમાં સાવકી માતાએ ધક્કો મારી દીધાનું ખૂલ્યું: ધરપકડ
હળવદ, તા.18 (ફૂલછાબ ન્યુઝ): હળવદ: હળવદ શહેરના મોરબી ચોકડી પર આવેલ વિશાલ પેકેજીંગ નામના કારખાનામાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા જયેશભાઈ પ્રજાપતિનો દસ વર્ષનો પુત્ર ધ્રુવ ઉર્ફે કાનો તારીખ 6ના રોજ ગુમ થયો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે પ્રથમ તો નોંધ કર્યા બાદ બાળકનું અપહરણ થયું હોવાની ફરિયાદ પણ નોંધી હતી.
 પરંતુ આ બનાવમાં પોલીસને તેની સાવકી માતાની ભૂમિકા શંકાસ્પદ લાગતા પોલીસે જે તે સમયે સાવકી માતાને રાઉન્ડઅપ કરી આગવીઢબે પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આ બાળકને તેની સાવકી માતાએ જ ધ્રાંગધ્રા બ્રાંચની નર્મદા કેનાલમાં ફેંકી દીધો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપતા પોલીસ દ્વારા સ્થાનિક તરવૈયાઓની મદદથી પ્રથમ તો ધાંગધ્રાની નર્મદા કેનાલ બંધ કરાવી તેમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને આજે આખરે 12 દિવસના અંતે બાળકની લાશ કેનાલમાંથી મળી આવી છે.
મોરબી ચોકડી પર વિશાલ પેકેજીંગમાં રહેતા અને ડ્રાઈવિંગ કામ કરતા જયેશભાઈ પ્રજાપતિને સંતાનમાં બે પુત્ર હોય જેમાં એક મોટો ધ્રુવ ઉર્ફે કાનો તારીખ 6ના રોજ ગુમ થયો હતો જેથી તેની શોધખોળ કરવામાં આવી રહી હતી પોલીસ દ્વારા પણ આ બનાવમાં ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી રહી હતી.
 તેવામાં આ બનાવમાં બાળકની સાવકી માતાની ભૂમિકા શંકાસ્પદ જણાતા પોલીસ દ્વારા તેને રાઉન્ડઅપ કરી આગવી ઢબે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને આખરે બાળકની સાવકી  માતાએ પોતાનું પાપ કબૂલ્યું હતું અને આ બાળકને કંસારી હનુમાનજી પાછળથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાંચની નર્મદા કેનાલમાં ધક્કો મારી નાખી દીધો હોવાનું સામે આવ્યું હતું.
 પોલીસે પ્રથમ તો નર્મદા કેનાલ બંધ કરાવી કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી અને આજે આખરે બારમા દિવસે બાળકની લાશ કેનાલમાંથી કોહવાયેલી હાલતમાં મળી આવી છે પોલીસ દ્વારા હાલ તો બાળકની લાશને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer