જૂનાગઢ પંથકમાં તસ્કરી કરતી ટોળકીના 2 સાગરીત ઝડપાયા

12 ચોરીના ભેદ ઉકેલાયા : કઈઇ પોલીસે રૂા.1.44 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
 
જૂનાગઢ, તા.18: જૂનાગઢ એલસીબીના સ્ટાફે માણાવદરમાંથી બે રીઢા તસ્કરને પકડી લઈ પૂછપરછ કરતાં બન્નેએ અન્ય સાથીદારો સાથે મળી જૂનાગઢ જિલ્લામાં ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. જેમાં જિલ્લામાં થયેલી 12 જેટલી ચોરીના ગુનાનો ભેદ પણ ઉકેલાયો હતો. એલસીબીએ આ બંને પાસેથી 1.44 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
જૂનાગઢ એલસીબીનો સ્ટાફ માણાવદર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે હડમતાળી મંદિર તરફ જવાના રસ્તા પર આવેલા ઝૂંપડામાં રહેતા મૂળ શાપુરના અને હાલ તે ઝૂંપડામાં રહેતા રવિ તુલસી ઉર્ફે તળેસી સોલંકી તથા જૂનાગઢના ઝાંઝરડા રોડ પર અંકિત એપાર્ટમેન્ટમાં બીજા માળે રહેતો ચંદ્રેશ મહેશ હીરપરા ચોરીના સામાન સાથે હાજર હોવાની અને તે વેંચવા જવાની પેરવી કરતા હોવાની બાતમી મળી હતી.
એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર.કે.ગોહિલ, પીએસઆઈ ડી.જી.બડવા સહિતના સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો. આ બંને શખસે પોલીસને જોઈ નાસી જવા પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે પાછળ દોડી પકડી લીધા હતા.
એલસીબીએ બંને શખસની પૂછપરછ કરતા તેણે માણાવદર, જાંબુડા, જૂનાગઢના ઝાંઝરડા રોડ પર ગરનાળા નજીક બાંટવા બાયપાસ, ઝાંઝારડા ચોકડી, ગિરીરાજ રોડ, મેંદરડા સાતવડલા, જૂનાગઢ બાયપાસ રોડ, વાડલા ફાટક ધંધુસર તથા નાંદરખીની સીમ તેમજ જૂનાગઢ તાલુકાના પ્લાસવામાં ઘરફોડ ચોરી, બાઈક ચોરી, વાયર ચોરી કર્યાની કબૂલાત આપી હતી.
એલસીબીએ સોનાનો ચેન, વીંટી, ચાંદીના સાંકળા, જુદા જુદા દેશના ચલણી સિક્કા, મોબાઇલ, ટેબ્લેટ, પાણીની મોટર સહિત 1.44 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ અંગે એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ રાજદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રવિ સોલંકીએ બાબુ જેરામ તથા વિનોદ રાણા તથા કમો ઉર્ફે વિરમ સાગર દેવીપૂજક સાથે મળી ચોરી કર્યાની કબૂલાત આપી છે. આ ચોરી કરતી ટોળકીના બે સાગરીત પકડાતા જૂનાગઢ જિલ્લામાં થયેલી એક ડઝન જેટલી ચોરી તથા બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer