ભારતમાં અલગતાવાદી વિદ્રોહ શરૂ કરાવવા માગે છે ચીન

ભારતમાં અલગતાવાદી વિદ્રોહ શરૂ કરાવવા માગે છે ચીન
તાઈવાનને ભારત તરફથી મળતા સમર્થનના કારણે પેટમાં તેલ રેડાયું
નવી દિલ્હી, તા. 18 : ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલા અખબારના એક લેખમાં ચેતવણી આપવામાં આવી છે કે ચીન ભારત સામે આંતરિક વિદ્રોહ શરૂ કરાવી શકે છે. ગ્લોબલ ટાઈમ્સમાં પ્રકાશિત લેખમાં કહેવામાં આવ્યું છે કે, જો ભારત તાઈવાન કાર્ડ રમવાનું જાળવી રાખશે તો પછી ચીન પણ ભારત સામે આવા પગલા ભરી શકે છે.
ગ્લોબલ ટાઈમ્સના લેખમાં ચેંગડૂ ઈન્સ્ટિટયૂટ ઓફ વર્લ્ડ અફેર્સના પ્રમુખ લોન્ગ જિંગચુને કહ્યું હતું કે, એવું લાગે છે કે ચીન અને ભારત વચ્ચે સરહદે તનાવ દરમિયાન ભારતને તાઈવાન કાર્ડ રમવાની લત લાગી છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે ભારત અત્યારસુધી વન ચાઈના પોલીસીને માનતું આવ્યું હોવાથી ચીન ભારતમાં અલગતાવાદીઓને સમર્થન આપતું નથી પણ ભારત જો તાઈવાનને સમર્થન યથાવત રાખશે તો ચીન પણ ભારતમાં વિદ્રોહ શરૂ કરાવી શકે છે.
-----------
કોઈ એક ઈંચ જમીન પણ ન લઈ શકે : શાહ
નવી દિલ્હી, તા. 18 : લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા ગતિરોધ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે કહ્યું હતું કે, મોદી સરકાર દેશની એક એક ઈંચ જમીન બચાવવા માટે પુરી રીતે સજાગ છે અને કોઈપણ તેના ઉપર કબજો કરી શકે તેમ નથી. શાહે એમ પણ કહ્યું હતું કે, સરકાર ચીન સાથેનો ગતિરોધ ઉકેલવા માટે દરેક સંભવ સૈન્ય અને કુટનીતિક પ્રયાસ કરી રહી છે.  ચીન ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે ?. તેવા સવાલના જવાબમાં અમિત શાહે કહ્યું હતું કે, સરકાર એક ઈંચ જમીનને લઈને પણ સજાગ છે. કોઈપણ તેના ઉપર કબજો કરી શકે નથી.
------------
જમ્મુ-કાશ્મીરને ચાઈનાનો ભાગ ગણાવવાની ટવીટ્રની ગુસ્તાખી
નવી દિલ્હી તા.18: સોશિયલ મીડિયા વેબસાઈટ ટવીટ્રએ લાઈવ બ્રોડકાસ્ટિંગ દરમિયાન એવો છબરડો કર્યો છે જેથી ભારે હોબાળો મચી ગયો છે. લાઈવ બ્રોડકાસ્ટ દરમિયાન તેણે જમ્મુ-કાશ્મીરને ચીનનો હિસ્સો ગણાવ્યો હતો. એક પત્રકારે આ મામલે ટવીટ કર્યુ અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને ફરિયાદ કરી હતી. લોકોની ફરિયાદ છે કે ટવીટરના હૉલ ઓફ ફેમ ફિચરમાં લેહ સિલેકટ કરવા પર લોકેશનમાં જમ્મુ-કાશ્મીર, પિપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના દર્શાવી રહયું છે. પત્રકારે જાણ કરી કે ટવીટરના આ ફિચરને જયારે ફરી ટેસ્ટ કર્યુ તો લોકેશન જમ્મુ-કાશ્મીર, પિપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના બતાવી રહયું છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer