શશિ થરુરનુ પાક. મંચ ઉપરથી ભારતને ‘બદનામ’ કરતું નિવેદન

શશિ થરુરનુ પાક. મંચ ઉપરથી ભારતને ‘બદનામ’ કરતું નિવેદન
કોરોના કાળમાં તબલિઘી જમાતના બહારને મુસ્લિમ સમાજ સાથે ભેદભાવના પ્રયાસનો દાવો કર્યો
ભાજપે પલટવારમાં કહ્યું,
શું પાકિસ્તાનમાં ચૂંટણી લડવા માગે છે કોંગ્રેસ?: રાહુલ ગાંધીને ગણાવ્યા રાહુલ લાહૌરી
નવી દિલ્હી ,તા. 18 : કોંગ્રેસ સાંસદ શશિ થરુરે દેશના દુશ્મન સામે દેશને બદનામ કરે તેવું નિવેદન આપ્યું છે. જેને લઈને વિવાદ શરૂ થયો છે. શશિ થરૂરે પાકિસ્તાની મંચ ઉપર કહ્યું હતું કે, ભારતમાં મુસલમાનો અને ઉત્તર પૂર્વના લોકો સાથે ભેદભાવ થાય છે. લાહોર થિંક ફેસ્ટ નામના કાર્યક્રમમાં શશિ થરુરે કહ્યું હતું કે, કોરોના મહામારી વચ્ચે ભેદભાવ વધ્યો હતો. દિલ્હીમાં તબલિઘી જમાત બેઠકનો ઉપયોગ મુસલમાનો સામે ભેદભાવને યોગ્ય ઠેરવવા માટે કરવામાં આવ્યો હતો. થરુરે કહ્યું હતું કે, એક બીજા વચ્ચે ડરનો માહોલ બનાવવામાં આવે છે. જેવી રીતે પશ્ચિમી દેશોમાં ચાઈનીઝ કે તેના જેવા દેખાતા લોકો સાથે ભેદભાવ થાય છે. તેવી જ પરિસ્થિતિ ભારતમાં ઉત્તર પૂર્વના લોકો સાથે થાય છે. શશિ થરુરના નિવેદનને લઈને વિવાદ શરૂ થયો હતો અને ભાજપે પલટવાર કરતા કહ્યું હતું કે, શું કોંગ્રેસ પાકિસ્તાનમાં ચૂંટણી લડશે. વધુમાં રાહુલ ગાંધીને રાહુલ લાહૌરી પણ ગણાવી દીધા હતા. શશિ થરુરના નિવેદન ઉપર ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે, થરૂર પાકિસ્તાનમાં ભારતને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. શું કોંગ્રેસ પાકિસ્તાનમાં ચૂંટણી લડવા માગે છે ? તેમણે કહ્યું હતું કે, શશિ થરુરે ભારતની મજાક કરી છે અને ભારતને એક ખરાબ પરિદ્રશ્યથી બતાવવાનો પ્રયાસ કર્યો છે. સંબિત પાત્રાએ ઉમેર્યું હતું કે, કોઈ અન્ય દેશ ભારત જેવો લોકતાંત્રિક નથી. ભારતમાં તમામની ચિંતા કરવામાં આવે છે. પાત્રાએ કહ્યું હતું કે, શશિ થરુરે ક્યારેય પાકિસ્તાનને પૂછવાની હિંમત કરી છે કે પાકિસ્તાન કેવી રીતે અલ્પસંખ્યકો ઉપર અત્યાચાર કરે છે અને કટ્ટરતા બતાવે છે. રોજ સામે આવે છે કે ત્યાં હિન્દૂ, ખ્રિસ્તી અને શિખ ઉપર અત્યાચાર થાય છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer