ભારતમાં ફેબ્રુ. 2021 સુધીમાં કોરોનાનો ધ એન્ડ!

ભારતમાં ફેબ્રુ. 2021 સુધીમાં કોરોનાનો ધ એન્ડ!
મહામારી સર્વોચ્ચ સ્તરથી પસાર : શિયાળામાં ઉથલો મારે તેવી સંભાવના ઈં લોકડાઉન ન કર્યુ હોત તો 25 લાખ મૃત્યુ થયા હોત
નવી દિલ્હી, તા.18: ભારતમાં કોરોના વાયરસની મહામારી તેના ચરમ (સર્વોચ્ચ સ્તર)થી પસાર થઈ ચૂકી છે અને હવે તે શમી જવા પર છે. સરકાર તરફથી રચવામાં આવેલી વૈજ્ઞાનિકોની એક સમિતિનું માનવું છે કે ભારતમાં કોરોના મહામારી ફેબ્રુ. ર0ર1 સુધીમાં ખત્મ થઈ જવાની સંભાવના છે. સમિતિ અનુસાર ભારતમાં કોરોનાના 10.6 મિલિયન એટલે કે 1 કરોડ 6 લાખથી વધુ કેસ નહીં થાય. હાલ ભારતમાં કોરોનાના 7પ લાખ કેસ નોંધાઈ ચૂકયા છે. સમિતિએ કહ્યું કે વાયરસથી બચવા માટે કરાઈ રહેલા ઉપાયો ચાલુ રાખવા જોઈએ. સમિતિએ વાયરસના વલણનું મેપ દ્વારા આંકલન કરવા કોમ્પ્યુટર મોડલ્સનો ઉપયોગ કર્યો છે.
સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે.વિજય રાઘવને આ સમિતિ ઘડી હતી. આઈઆઈટી હૈદરાબાદના પ્રોફેસર એમ.વિદ્યાસાગર તેના પ્રમુખ છે. સમિતિ અનુસાર જો ભારતમાં માર્ચ સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું ન હોત તો દેશભરમાં રપ લાખથી વધુ લોકોના મૃત્યુ થયા હોત.
આયોજન પંચના સદસ્ય અને કોવિડ એકસપર્ટ પેનલના ચીફ ડૉ.વીકે પૉલે કહ્યું કે છેલ્લા 3 માસથી નવા કેસ અને મૃત્યુના પ્રમાણમાં ઘટાડો થયો છે. પરંતુ અમે શિયાળામાં ભારતમાં કોરોના સંક્રમણની નવી લહેરથી ઈન્કાર કરી ન શકીએ. એકવાર કોવિડ-19ની રસી આવી જાય પછી નાગરીકોને તે ઉપલબ્ધ કરાવવા પુરતા સંશાધનો છે. ભારત હાલ ઘણી સારી સ્થિતીમાં છે છતાં હજુ લાંબી સફર બાકી છે. 90 ટકા લોકો હજુય કોરોના વાયરસથી સરળતાથી સંક્રમિત થઈ શકે છે.
દેશમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 88.3 ટકા થયો છે જ્યારે મૃત્યુ દર 1.પ3 ટકા છે. રોજિંદા કેસનું પ્રમાણ અમેરિકાથી ઘટી ગયું છે. એકટીવ કેસના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે.
-------------
દેશના અમુક હિસ્સામાં કોરોનાનું કોમ્યૂનિટિ ટ્રાન્સમિશન : સ્વાસ્થ્ય મંત્રી
નવી દિલ્હી, તા. 18 : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને સ્વિકાર કર્યો છે કે દેશના અમુક જિલ્લામાં સીમિત સંખ્યામાં કોરોના વાયરસનું કોમ્યૂનિટી ટ્રાન્સમિશન થયું છે. તેમણે કહ્યું હતું કે, પુરા દેશમાં કોમ્યૂનિટી ટ્રાન્સમિશન થયું નથી. સ્વાસ્થ્ય મંત્રીએ પોતાના સાપ્તાહિક સોશિયલ મીડિયા કાર્યક્રમમાં આ વાત કરી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજ્યમાં અમુક ક્ષેત્રોમાં કોમ્યૂનિટિ ટ્રાન્સમિશન શરૂ થવાની વાતનો પણ સ્વાસ્થ્ય મંત્રીએ સ્વિકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ સ્થિતિ અમુક ગીચ વસતી ધરાવતા ક્ષેત્રોમાં થવાની સંભાવના છે. જો કે કેન્દ્ર સરકારે ભારતમાં કોમ્યૂનિટિ ટ્રાન્સમિશનનો અત્યારસુધી ઈનકાર જ કર્યો છે. આ અગાઉ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને જુલાઈમાં પોતાના રાજ્યમાં સામૂદાયિક પ્રસારની પુષ્ટી કરી હતી. કેરળમાં છેલ્લા અમુક દિવસથી કોરોના વાયરસના કેસમાં વધારા ઉપર સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું  હતું કે, આ પરિસ્થિતિ ઓણમ ઉત્સવ દરમિયાન વર્તવામાં આવેલી બેદરકારીના કારણે ઉભી થઈ છે. હર્ષવર્ધને કહ્યું હતું કે, આ તમામ રાજ્યો માટે પાઠ સમાન છે. જેઓ તહેવારોની યોજનાને લઈને બેદકારી વર્તી રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer