સૌરાષ્ટ્રમાં વધુ 313 જણાને કોરોના, 330 સાજા થયા

સૌરાષ્ટ્રમાં વધુ 313 જણાને કોરોના, 330 સાજા થયા
રાજકોટમાં 7-જામનગરમાં 9 દરદીનો ભોગ લેવાયો : રાજકોટમાં 107, જામનગરમાં 84, જૂનાગઢમાં 32, સુરેન્દ્રનગરમાં 21 ને
7 જિલ્લામાં 20થી ઓછા નવા કેસ
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા.18 : કોરોના સંક્રમણ ઓછુ થયું છે કે પછી સરકારે આંકડાકીય રમત માંડી છે તે સમજવું વધુ હિતાવહ છે. કારણ કે, પાછલા કેટલાય દિવસોથી સરકાર જે પ્રમાણે આંકડા જાહેર કરે છે તેમાં એકપણ જિલ્લામાં કેસથી ક્યાંય ગણા વધુ ડિસ્ચાર્જ થયા હોય તેવું નોંધાયું નથી. જેટલા નવા કેસ આવે છે તેની આસપાસ જ સારવારમાંથી દરદીઓ ડિસ્ચાર્જ થાય છે. જ્યારે અગાઉ વધુ કેસ આવતા ત્યારે વધુ ડિસ્ચાર્જ થતા હતા તેની સાપેક્ષમાં હવે કેમ ડિસ્ચાર્જ દરદીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે પણ સૌરાષ્ટ્રમાં નવા 313 કેસ નોંધાયા હતા અને 330 દરદી જ ડિસ્ચાર્જ થયા હોવાનું જાહેર કરાયું છે. જો કે, આજે રાજકોટમાં 7 અને જામનગરમાં 9 દરદીના મૃત્યુ નિપજ્યા હતા, પરંતુ સરકારી આંકડામાં એકેય મૃત્યુ દર્શાવાયું નહોતું.
રાજકોટ શહેર-જિલ્લામાં નવા 107 કેસ નોંધાયા હતા અને 111 દરદી ડિસ્ચાર્જ થયા હતા. જ્યારે જિલ્લામાં 7 દરદીનો ભોગ લેવાયો હતો. તેવી જ રીતે જામનગરમાં 9 દરદી મૃત્યુ પામ્યા હતા અને નવા 84 કેસ નોંધાયા હતા તો 77 દરદી કોરોનામુક્ત થયા હતા.
જૂનાગઢ શહેરમાં 14 તેમજ તાલુકા-ગ્રામ્યમાં 18 મળીને જિલ્લામાં નવા 32 કેસ નોંધાયા હતા અને 38 દરદી કોરોનાને મહાત આપવામાં સફળ થયા હતા. ભાવનગર જિલ્લામાં નવા 18 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 4599 થયો હતો. જેમાંથી વધુ 19 દરદી સાજા થતા હાલ 119 એક્ટિવ કેસ છે.
અમરેલી જિલ્લામાં નવા 19 કેસ નોંધાયા હતા અને 19 દરદી કોરોનાને મહાત આપવામાં સફળ થયા હતા, જો કે, આજે 203 એક્ટિવ કેસ રહ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં નવા 21 કેસ નોંધાયા હતા અને 18 દરદી ડિસ્ચાર્જ થયા હતા.
મોરબી જિલ્લામાં નવા 11 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 2036 થયો હતો. જેમાંથી વધુ 15 દરદી સાજા થતા હાલ 180 એક્ટિવ કેસ છે. તેવી જ રીતે ગીર સોમનાથ જિલ્લામાં નવા 11 કેસ નોંધાયા હતા અને 29 દરદી ડિસ્ચાર્જ થયા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 7 અને બોટાદમાં 2 નવા કેસ નોંધાયા હતા, જ્યારે એકેય દરદી ડિસ્ચાર્જ થયો નહોતો. તેમજ પોરબંદરમાં આજે એકજ નવો કેસ નોંધાયો હતો અને 4 દરદી કોરોનાને મહાત આપવામાં સફળ થયા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer