આસોમાં અષાઢ! ખેડૂતોની આંખમાં ‘શ્રાવણ-ભાદરવો’

આસોમાં અષાઢ! ખેડૂતોની આંખમાં ‘શ્રાવણ-ભાદરવો’
ખેતરોમાં મગફળીના પાથરા પલળ્યા, કપાસના ફૂલ ખરી પડયાં
જૂનાગઢમાં વીજળીના ભયંકર ધડાકાથી ધરતી ધણધણી, ભૂકંપ જેવો અનુભવ: ચાર ઈંચ સુધી વરસાદ
ધ્રોલમાં ચાર, ભાવનગર પંથકમાં  અઢી ઇંચ: તળાજામાં નેવાધાર, માળિયામિંયાણામાં એકથી અઢી ઈંચ વરસાદ
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા. 18 : કાઠિયાવાડમાં મહેમાન બનીને આવેલા મેઘરાજાને અહીંથી વિદાય લેવાનું મન ન થતું હોય, તેમ ફરી ફરીને વરસી રહ્યા છે. જોકે આ વરસાદ નુકસાનીનો છે અને કુદરતની આ ગત અંતર્ગત કોઈ પાસે તેનો ઉપાય પણ નથી. સૌરાષ્ટ્રમાં આસો મહિનાના નોરતા ચાલી રહ્યા છે ત્યારે અષાઢ મહિના જેવા વાતાવરણ વચ્ચે ગાજવીજ, તોફાની પવન સાથે ઝાપટાંથી માંડી અઢી ઈંચ સુધી વરસાદ વરસી જતા પાકની ઉપજનો મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિથી ખેડૂતોની આંખમાં ‘શ્રાવણ-ભાદરવો’ વરસવા લાગ્યા હતા. રાજકોટમાં સાંજે સાત વાગ્યાથી ગાજવીજ સાથે અનરાધાર વરસાદ શરૂ થઈ ગયો હતો. કોરોનાના કહેર વચ્ચે મેઘરાજાના અણધાર્યા આગમનથી રોગચાળો વકરે તેવી ચિંતા વ્યાપી છે.
જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં  બપોર બાદ જોરદાર ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. વીજળીના જોરદાર કડાકાથી ધરતી ધ્રૂજી ઉઠી હતી અને જાણે ભૂકંપ આવ્યો હોય તેવો અનુભવ થયો હતો. આ દરમિયાન વરસાદ પણ શરૂ થયો હતો. એક દોઢ કલાક દરમિયાન જોરદાર ગાજવીજ સાથે ગિરનાર ક્ષેત્રમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો તેમજ સોનરખ નદીમાં પાણી આવ્યું હતું. દામોદરકુંડમાં ફરી નવા પાણીની આવક થઈ હતી.
જ્યારે વંથલીમાં પણ બે કલાક દરમિયાન ગાજવીજ સાથે ધોધમાર બે ઇંચ વરસાદ થયો હતો. તો શાપુર, પીપલાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અઢી-ત્રણ ઇંચ વરસાદ થતાં ખેતરોમાં તૈયાર થઈ પડેલી મગફળીના પાથરા પલળ્યા હતા. તો અમુક સ્થળે તણાયા હતા. આ ઉપરાંત ભેસાણ તથા જૂનાગઢમાં પણ ગાજવીજ સાથે દોઢ ઇંચ વરસાદ થયો હતો. વીજળીના કડાકા અને વરસાદના લીધે લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
માણાવદર પંથકમાં પણ એક ઇંચ વરસાદ થતા ખેતરમાં રહેલી મગફળીને નુકસાન થતા ખેડૂતોની કફોડી હાલત થઇ હતી.
કોટડાપીઠા: બાબરા તાલુકાના કોટડાપીઠા પંથકમાં આજે બપોરે તેમજ સાંજના પાંચ કલાકે કાળા ડિબાંગ વાદળ ચડી આવતા એક ઇંચ વરસાદ પડેલ છે. ગામની નદી તેમજ વોકળામાં પૂર આવેલ આ વરસાદથી ખેડૂતોને ખાસ કરીને કપાસના પાકને ભારે નુકસાન થયેલ છે. કપાસના ફૂલ માળખા ખરી પડેલ છે તેમજ અમુક  જગ્યાએ કપાસ આડા પડી ગયેલ છે તેમજ ખેડૂતોએ મગફળી ઉપાડેલ હોય તેના મગફળીના પાથરા પલળી ગયેલ છે તેમજ મગફળી જમીનમાં મોટા પ્રમાણમાં તૂટેલ હોવાથી ખેડૂતો ખેતરો માંથી મગફળી વીણી શક્યા નથી.
બગસરા: બગસરા શહેર તેમજ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી હળવા ભારે ઝાપટાથી ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે જ્યારે આજે બપોર બાદ બગસરા તાલુકાના શાપર-સુડાવડ, રફાળા, લુંધિયા વિસ્તારમાં બે કલાક સુધી અનરાધાર વરસાદ પડી જતાં કપાસ - મગફળીના પાકને ભારે નુકસાન થયેલ છે.
ભાવનગર: ભાવનગર શહેરમાં સવારે ધોધમાર વરસાદ તૂટી પડતાં અઢી ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. શહેરમાં બે સ્થળે વીજળી પડી છે જેમાં એક મહિલા દાઝી ગઈ છે જ્યારે અનેક ઘરોમાં વીજ ઉપકરણોને ભારે નુકસાન થવા પામ્યું છે. માર્કેટિંગ યાર્ડમાં પડેલ મગફળી અને ડુંગળીનો 10 હજાર ગુણીઓ પલળી જવા પામી છે. શહેર ઉપરાંત સિહોરમાં સવા બે ઇંચ અને ઘોઘામાં દોઢ ઇંચ વરસાદ પડયો છે.
ભાવનગર શહેરમાં આજે વાદળોની ગડગડાટી અને વીજળીનાં કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને બે કલાકમાં અઢી ઇંચથી વધુ વરસાદ ખાબકી જતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. વીજળીના કડાકા એટલા જોરદાર હતા કે બાળકો જ નહીં મોટેરાઓ પણ ડરી ગયા હતા. શહેર ઉપરાંત સિહોરમાં સવા બે ઇંચ અને ઘોઘામાં દોઢ ઇંચ વરસાદ પડયો છે. આજે ભાવનગરમાં 67 મી.મી. સિહોરમાં 56 મી.મી. અને ઘોઘામાં 42 મી.મી. વરસાદ નોંધાયો છે.
વીજળી પડતાં મહિલા દાઝી ગઈ : ભાવનગરમાં વીજળી પડતા ચંપાબેન પરષોત્તમભાઈ મકવાણા અને હરીઓમનગર શિવજીનાં મંદિર પાસે વીજળી પડતા રીટાબેન તથા કેતનભાઈ પરમાર દાઝી ગયા હતા અને આજુબાજુનાં ચાર-પાંચ મકાનોમાં ટીવી, ફ્રીજ, એલઇડી, પંખા વગેરે વીજ ઉપકરણોને ભારે નુકસાન થવા પામ્યું હતું.
ધ્રોલ: ધ્રોલમાં આજ સાંજે જોરદાર પવન અને ગાજવીજ સાથે મુશળધાર વરસાદ શરૂ થયેલ વરસાદ શરૂ થતાંની સાથે જ વીજળી ગુલ થઈ ગઈ હતી. 5-30થી 7-00 વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયેલ છે. ધ્રોલ સહિત તાલુકાના, વાંકિયા, સોયલ, તપુવડલા, ધ્રાંગડા, ખારવા સાઇડનાં ગામડાઓમાં પણ જોરદાર વરસાદ પડતા 3થી પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયેલ છે. તેમજ જોડિયા તાલુકામાં પણ પવન સાથે જોરદાર વરસાદનું આગમન થયેલ આ તાલુકાના પીઠડ, રસનાળ, બોડકા સહિતનાં ગામોમાં પણ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ પડેલ છે. આ કમોસમી વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયેલ છે. ખેતરોમાં ઉભેલા કપાસ તથા મગફળીના પાકને નુકસાની થયેલ છે તેમજ ખેડૂતોએ ખેતરોમાંથી મગફળીના ગઢલાઓ ખેતરોમાં રાખેલા તે પલળી જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવેલ છે.
ગોંડલ: ગોંડલમાં આજે રાત્રે સાત વાગે અચાનક વાતાવરણ પલટાયું હતું અને ધોધમાર વરસાદ વરસતાં દોઢ ઇંચ નોંધાયો છે. વરસાદને કારણે રાજમાર્ગે પર પાણી ફરી વળ્યા હતા અને ટાઢોડું ફેલાયું હતું.
મોરબી: મોરબી નાની વાવડી ગામના બજરંગ સોસાયટીના એક મકાનમાં આજે વીજળી પડી હતી. સાંજના સુમારે શરૂ થયેલ વરસાદ અને ગાજવીજ બાદ મકાન પર વીજળી પડી હતી. જેના પગલે ઘરની છતમાં નુકશાન થવા પામ્યું હતું તો આસપાસના મકાનમાં વીજ ઉપકરણોને નુકશાન થયું હતું. બનાવમાં સદ્નસીબે કોઇ જાનહાની થઇ નથી.
મતિરાળા: લાઠી તાબાના મતિરાળા ગામે આજ રોજ સાંજના 7.30ના અરસે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વિજળીના કડાકા સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. અને એક સાથે ધોધમાર વીસ મિનિટ પાણી વરસી જતાં રસ્તા પાણી પાણી થઇ ગયા હતા. હાલ મગફળીના થ્રેસર ચાલી રહ્યા છે. મગફળી પલળી જવા પામી હતી.
ટંકારા: ટંકારામાં આજે સાંજે ગાજવીજ સાથે જોરદાર પોણો ઇંચ વરસાદ વરસી ગયો હતો. નાના મોટા ખિજડીયા, રામપર, નશિતપર, ધુનડા, વાધગઢ, ગજડી, ઉમિયાનગર, કલ્યાણપર, જોધપર ઝાલા, જબલપુર, લખધીરગઢ, વિરપર, લજાઇ, હરબટીયાળી, મિતાના, નેકનામ હમિરપર, જીવાપર, સજજનપર, હડમતીયા સહિતના ગામડામાં અડધાથી બે ઇંચ વરસાદ પડેલ હતો.
ઉપલેટા: ઉપલેટામાં બપોર પછી વીજળીનાં કડાકા ભડાકા સાથે 5 મિમિ વરસાદ પડયો હતો. આસપાસના ગામડામાં પણ વરસાદ થયો હતો. આ વરસાદથી ખેડૂતના તૈયાર પાકને ભારે નુકશાન થયું છે.
માળીયામિંયાણા: માળીયા મિંયાણાના ગ્રામ્ય પંથકમાં વેજલપર, વેણાસર, સુલતાનપુર, મોટીબરાર, ખાખરેચી સહિતના ગામોમાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડયો હતો અને બપોર પછી ફરી વિજળીના ડરામણા કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો જે સવાર અને બપોર પછી ધોધમાર અઢી ઇંચ જેવો વરસાદ ખાબકી જતા ખેતરો પાણી પાણી થઇ ગયા હતા. ખેડૂતો કમોસમી વરસાદથી બેહાલ બન્યા છે. મંદરકી ગામે મહિલા ઉપર વીજળી પડતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
સરા: મૂળી તાલુકામાં સરલા ગઢડા દુધઇ સરા, કુંતલપુર, ખેપાળીયા સહિત ગામોમાં તા.18 સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે ફરી ગાજવીજ સાથે વરસાદી વાતાવરણ સર્જાતા વરસાદ પડતા ખેડૂતોના જીવ અધ્ધર તાલે થઇ ગયા છે. ખેતરોમાં પડેલ મગફળી કપાસના પાકને નુકસાની વેઠવી પડશે.
ગારીયાધાર: ગારીયાધાર શહેર ઉપરાંત, પરાડી, નાની વાવડી, રૂપાવટી, વિરડી, નવા ગામ સહિતના વિસ્તારોમાં આજે સાંજે 6 કલાકે ભારે વરસાદ વરસી પડયો હતો. જ્યારે સતત વરસતો વરસાદમાં ખેડૂતોનો બચેલા શિંગ અને કપાસના તૈયાર થયેલા પાકોને આજના વરસાદથી પડયા પર પાટુ માર્યા બરોબર થયુ હતું.
માણાવદર: માણાવદર તાલુકામાં બુરી, જીલાણા, જીંજરી, સરદારગઢ, માણાવદર શહેર સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે 1 ઇંચ સુધી વરસાદ પડયો છે. વરસાદના પગલે મગફળી તૈયાર પાક કે જે પાથરામાં છે તે પાક સને ચારો બગડયો તો કપાસમાં રૂત  કાલા તૈયાર છે તે નુકસાની થઇ હોવાનું ખેડૂતો જણાવે છે. બાંટવા તરફ માત્ર ઝાપટા પડયા હતાં.
મોરબી: મોરબીમાં આજે વહેલી સવારે અને સાંજે વિજળીના કડાકા ને ભડાકા સાથે વરસાદ વરસી પડતા લોકો ભયભીત થઇ ગયા હતા. મોરબીમાં  એક કલાકમાં જ સાંજે એક ઇંચથી વધુ વરસાદ પડયો હતો વરસાદને પગલે પાણી ભરાયા હતા. મોરબી સાથે માળીયા(મીં.)માં એક ઇંચ જેવો વરસાદ પડી ગયો હતો મોરબી-માળીયા સાથે ટંકારામાં 8 મી.મી. વરસાદ પડયો હતો. આ કમોસમી એકા એક પડેલા વરસાદને પગલે મોરબી જિલ્લામાં મોરબી-માળીયા, ટંકારા સહિતના તાલુકામાં ખેડૂતોના પાકોને નુકસાન  પહોંચ્યાનું જાણવા મળી રહ્યું છે.
ધોરાજી: ધોરાજીમાં તેમજ આજુબાજુના પંથકમાં બપોરે ધીમી ધારે વરસાદનો પ્રારંભ થયો હતો જે બે ઇંચ વરસાદ પડયો હતો. હાલમાં ખેડૂતોની મગફળી બહાર કાઢેલી હોય અને અચાનક જ વરસાદ આવતા ખેડૂતો પણ ચિંતામાં મુકાઇ ગયા છે કાં તો મગફળી કાળી પડી જશે અથવા તો તાત્કાલિક યોગ્ય જગ્યાએ લઇ જવા માટે પણ સમય ન રહેતા ખેડૂતો ચિંતામાં મુકાઇ ગયા છે.
તળાજા: તળાજામાં આજે સવારે કમોસમી ઝરમર વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય પંથકમાં નેવાધાર વરસાદને પગલે ખેડૂતોમાં નુકસાનીને લઇ ચિંતાનો માહોલ ઉભો થયો છે. તળાજા પંથકમાં ખેડૂતોને વધુ પડતા વરસેલા વરસાદને લઇ વ્યાપક નુકસાની વેઠવી પડી છે ચોમાસુ સિઝનની મૌલાતને વધુ પડતા વરસાદને લઇ દરેક પાકને નુકસાન થયું છે. તેમ છતાંય હજુ કમોસમી વરસાદ રૂપી આફત ખેડૂત માટે વરસી રહી છે. આજે સવારે સાતેક વાગે ગોરંભયેલ વાદળો વચ્ચે ઝરમર વરસાદ વરસેલા ગ્રામ્ય પંથકમાં નેવધાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદથી મગફળીનું પશુ માટેનું ચારોલું બગડી જાય, કપાસ ઝીંડવા ફાડીને બહાર આવતો હોય તેને મોટી  નુકસાની થાય તેમ ખેડૂત મનુભાઇ હડીયાએ જણાવ્યું હતું.
રામોદ: રામોદમાં ધોધમાર વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે 1 ઇંચ વરસાદથી ખેડૂતોને થયું છે. કપાસ અને મગફળીના પાકને ભારે નુકસાન થયું છે. મગફળીમાં પશુ માટેનો ચારો નિષ્ફળ ગયો છે ખેડૂતોની હાલત દયનિય બની છે.
દ્વારકા: દ્વારકા જિલ્લામાં આ ચોમાસુ સિઝનમાં 300 ટકાથી વધુ વરસાદ અને સતત 60 જેટલા દિવસ એક સાથે વરસેલા વરસાદને કારણે દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ નિર્માણ થઇ હતી. ત્યારે આ ચોમાસુ સિઝન મોટા ભાગે નિષ્ફળ જવાથી ધરતીપુત્રો ચિંતિત જોવા મળી રહ્યા છે. ત્યારે હાલ અત્યારે મગફળી, અડદ સહિતના પાકોનું સમય પૂર્ણ થવા આવ્યું હોય  ખેડૂતો હાલ મગફળીના પાકોને ઉપાડીને ખેતરમાં પાથરા કરવાની કામગીરી હાથ ધરી છે. ત્યારે ખંભાળીયા તાલુકાના બેહ, વડત્રા વાડી વિસ્તાર, ઝાકસીયા, દાત્રાણા, સોનારડી વાડી વિસ્તાર તેમજ કલ્યાણપુરના ભોગાત, હર્ષદ  અને રાવલ, કલ્યાણપુર અને ભાણવડ અને દ્વારકા તાલુકાના અમુક ગામડાઓમાં છુટા છવાયા વરસાદના ઝાપટા પડવાથી ઉપાડેલા મગફળીના પાકના ખેતરોમાં પડેલા પાથરાને ખુબજ નુકસાન થતા ખેડૂતો ચિંતિત થયા છે. થોડા ઘણા અંશ ઢોર- ઢાખર માટે ખવડાવા માટે ડૂચા અને ખેતરોમાં પડેલ મગફળીના પાથરા બગડી જવાથી ધરતીપુત્રો માટે અત્યારે પડયા ઉપર પાટુ જેવી સ્થિતિ નિર્માણ થઇ છે.
મોડાસા: શનિવારે રાત્રે અરવલ્લી જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા ખેતરોમાં પણ લેવાયેલા પાક તેમજ ઘાસચારો પલળી જતાં વેપારીઓ અને ખેડૂતોને  વ્યાપક નુકસાન થયું હોવાના અહેવાલો છે. રવિવારે પણ જિલ્લાના મોટાભાગના સ્થળે વાતાવરણમાં આવેલા પલ્ટા બાદ આકાશ વાદળછાયુ રહ્યું હતું. ભારે વરસાદ વચ્ચે મોડાસા સહિત કેટલાક વિસ્તારોમાં વીજળી ડૂલ થઇ જતાં અસહ્ય બાફ અને ઉકળાટથી પ્રજાજનો ત્રસ્ત બન્યા હતા.
ચોટીલા:  ચોટીલા પંથકમાં આજે બપોર બાદ કમોસમી માવઠાથી ખેડૂતોને મોટું નુકશાન થયેલ છે ચોટીલાનાં અનેક ગામડાઓમાં બપોર બાદ કમોસમી માવઠાનો ધોધમાર વરસાદ વરસતા અનેક ખેડૂતોને મોંઢે આવેલો કોળિયો છીનવાયો છે.
વિજળીના કડાકા ભડાકા સાથે મોલડી, જીજુડા, પીપળીયા, હરણીયા, મેવાસા, સુખસર, ચિરોડા (ભા) આણંદપુરની આજુબાજુના ગામમાં કમોસમી વરસાદ અને જોરદાર પવન સાથે વરસાદ પડવાથી ખેડુતોને કપાસ, મગફળી ને અન્ય પાકને મોટાપાયે નુકસાન થયેલ છે તેમજ અનેક ખેતરોમાં લણેલ પાકના ખળા પડેલ હતા જેમા ખેત જણસ પલળી જતા ખેડૂતની નજર સામે પાયમાલ થતા હોવાના દ્રશ્યો સર્જાયા છે.
અમરેલી: આજે અમરેલી જિલ્લામાં અસર જોવા મળેલ હતી. છેલ્લા પંદર દિવસથી વરસાદે વિરામ લેતા ખેડૂતો મગફળીનાં પાકમાં જોતરાયેલ હતા. ઘણા ખેડૂતોએ મગફળીનો પાક લઇ લીધેલ હતો. જ્યારે હાલ મોટાભાગનાં ખેડૂતો પાક લેવાની કામગીરી કરી રહેલ છે. વિદાય લેતાં ચોમાસે આજે ખેતરોમાં પડેલ મગફળીનાં પાથરાનો વિનાશ વેરેલ હતો. આ વરસાદથી પશુના ખોખાનો પાલો પણ છિનવાઇ જતાં જગતનો તાત ઘેરી ચિંતામાં ડૂબેલ હતો. આજના વરસાદે ફાલ પણ ખેરી નાખેલ હતો. હવે  જિલ્લામાં 200 ટકા વરસાદથી તમામ પાકોને ભારે નુકસાન થવા પામેલુ હતું. પરંતુ અમુક વિસ્તારોમાં પાકોની સ્થિતિ સારી હતી. જેનો આજના વરસાદે વિનાશ વેરેલ હતો.
માળીયાના મંદરકી ગામે વીજળી પડતા મહિલાનું મૃત્યુ
મોરબી  : માળીયા તાલુકાના મંદરકી ગામે વીજળી પડી હતી સવિતાબેન હરિભાઇ અગેચાણીયા અને તેમના પુત્રવધુ વાડીમાં અંદર કામ કરી રહ્યા હતા ત્યારે વરસાદ શરૂ થતા સાસુ અને વહુ વાડીએથી ઘર તરફ પરત ફરી રહ્યા હતા. દરમિયાન સાસુ સવિતાબેન ઉપર વીજળી પડતા તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.  વીજળી પડી હતી તે સવિતાબેન મંદરકી ગામના સરપંચ ભીમાભાઇના ભાભી થતા હતા આ ઘટનાથી ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
ગોંડલના નવાગામમાં બે કલાકમાં પાંચ ઈંચ
નવાગામ : ગોંડલ તાલુકાના નવાગામમાં રાત્રિના સમયે બે કલાકમાં પાંચ ઈંચ જેટલો વરસાદ આવ્યો હતો. અસંખ્ય ગરમી અને ઉકળાટ બાદ જોરદાર પવન સાથે અને માંડવીના પાકને નુકશાન થયું છે. કપાસમાં પવનના લીધે જીંડવા પડયા છે. ખેડૂતોમાં ચિંતાનો મોજુ ફરી વળ્યું છે અને ત્રણ કલાક સુધી લાઈટ પણ ગુલ થઈ ગઈ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer