ધોરણ 1થી 8માં માસ પ્રમોશન નહીં

ધોરણ 1થી 8માં માસ પ્રમોશન નહીં
રાજ્યમાં શાળાઓ બંધ છે ત્યારે વહેતા થયેલા સમાચાર વિશે શિક્ષણ વિભાગની સ્પષ્ટતા
(ફૂલછાબ ન્યૂઝ) અમદાવાદ, તા.18 : કોરોનાને કારણે સાત મહિનાથી શાળા-કોલેજમાં વર્ગખંડમાં શિક્ષણ બંધ છે. હાલમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ગત વર્ષે માર્ચ મહિનાથી કોરોનાનું સંક્રમણ વધવા લાગતા પરીક્ષા લેવી શક્ય જણાઈ ન હતી અને પ્રાથમિકના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. આ વર્ષે અડધું સત્ર પૂરું થઈ ગયું છે પરંતુ વર્ગખંડમાં શિક્ષણ શરૂ થઈ શક્યું નથી. નજીકનાં ભવિષ્યમાં તેની શક્યતા પણ જણાતી નથી. આ તમામ સ્થિતિ જોતા આ વર્ષે પણ પ્રાથમિકમાં અભ્યાસ કરતા ધો. 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે એવા સમાચાર, વિગતો વહેતી થવા લાગી હતી. જેને પગલે શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે કે ધોરણ 1થી 8માં માસ પ્રમોશન આપવાની હજુ સુધી કોઈ વિચારણા હાથ ધરાઈ નથી. આવા સમાચાર સંદર્ભે લોકોને ગેરમાર્ગે ન દોરાવા વિનંતિ કરાઈ છે.
ગુજરાતમાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાય તેવી ચર્ચા ઉઠી હતી. 7 મહિનાથી સ્કૂલો બંધ છે ત્યારે પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓની માસ પ્રમોશન આપવું કે નહીં તે અંગે સરકારની વિચારણા ચાલી રહી છે તેવી વાતો વહેતી થઈ હતી. પરીક્ષા વગર ઉપલા ધોરણમાં વિદ્યાર્થીઓને લઈ જવા કે નહીં તે અંગે હાલ સરકાર વિચાર કરી રહી છે તેવું વાતો ફરતી થઈ હતી. તો બીજી તરફ, બાળકોના વાલીઓને આશા હતી કે, સરકાર આ વખતે બાળકોને માસ પ્રમોશન આપશે, જેથી શાળા ફી ભરવામાં રાહત મળી શકે પણ શિક્ષણ વિભાગે  વાલીઓની આ આશા ઉપર પાણી ફેરવી દીધું હતું.
            વાલી મંડળે ધોરણ 1 - 9 સુધી માસ પ્રમોશન આપવા માટેની માગ કરી હતી. વાલી એસોસિયેશનના પ્રમખુ કમલ રાવલના જણાવ્યા પ્રમાણે, સરકાર માસ પ્રમોશન આપશે તો સૌથી મોટી રાહત વાલીઓને થશે. બધાને જ રાહત મળશે. માસ પ્રમોશન આવે તો ફીની સમસ્યા પણ ઉકેલાઈ શકે છે. માસ પ્રમોશનમાં ફીમાં પણ રાહત મળી શકે છે. કોરોના હજી ગયો નથી, આવી પરિસ્થિતિમાં સ્કૂલો ખૂલવાની નથી. તેથી આ નિર્ણય તાત્કાલિક લેવો જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ શિક્ષણમંત્રી અને શાળા સંચાલકો વચ્ચેના વેબિનારમાં એ વાતનાં સંકેત મળ્યા હતા કે રાજ્યમાં દિવાળી બાદ ધોરણ 9-12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ કરવામાં આવશે. પણ ધોરણ 1-5ની શાળાઓ દિવાળી બાદમાં પણ ખોલવામાં નહીં આવે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer