હૈદરાબાદમાં વરસાદી વિનાશ: 50નાં મૃત્યુ

હૈદરાબાદમાં વરસાદી વિનાશ: 50નાં મૃત્યુ
9000 કરોડનું નુકસાન: બંગાળની ખાડીમાં ડિપ્રેસનથી અનેક રાજયોમાં હવામાન પલટો
હૈદરાબાદ તા.18: હૈદરાબાદમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાતા અત્યાર સુધીમાં પ0 નાગરીકોના મૃત્યુ થયા છે. જાહેર મિલકતોને હજારો કરોડનું નુકસાન થયાનું સામે આવ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં શનિવાર સાંજથી ભારે વરસાદ શરૂ થયો હતો. જોતજોતામાં પાણીનો ભરાવો થતાં ટ્રાફિક જામ થયો હતો.
હૈદરાબાદમાં એકધારો 6 ઈંચ (1પ0 મીમી) વરસાદ નોંધાયો હતો. ગત મંગળવારે 190 મીમી વરસાદ પડયો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ તસવીરોમાં શહેરમાં ર ફૂટ પાણી ભરાયાનું જોવા મળ્યું હતુ. આગામી 6 દિવસ સુધી આસમાની આફત ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આગામી મંગળવારે ભારે વરસાદની આગાહી છે.
ગ્રેટર હૈદરાબાદ મ્યુ.કોર્પોરેશનના ઈમરજન્સી રિસ્પોન્સ સેલ દ્વારા પાણીના નિકાલ માટે તાબડતોબ કામગીરી શરૂ કરવામાં આવી હતી. હૈદરાબાદના હવામાન વિભાગે રવિવારે પણ શહેરમાં હળવાથી મધ્યમ અને અમુક સ્થળે ભારે વરસાદની આગાહી કરી છે. રાજય સરકારે ગુરૂવારે જણાવ્યું હતુ કે ભારે વરસાદને પગલે શરૂઆતના અંદાજ મુજબ પ0 જેટલા નાગરીકોના મૃત્યુ થયા છે અને સંપત્તિને 9000 કરોડનું નુકસાન થયું છે. હજુ પણ કેટલાક વિસ્તારો પાણીમાં ડૂબેલા છે જયાં રાહત બચાવ કામગીરી ચાલુ છે.
પાણી વચ્ચે ફસાયેલા નાગરીકોને બહાર કાઢવા માટે સૈન્ય અને એનડીઆરએફની મદદ લેવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે હાલ અનેક રાજયોના હવામાનમાં પલટો આવ્યો હોવાનું હવામાન વિભાગના સૂત્રો જણાવે છે. તેલંગાણા, આંધ્ર અને કર્ણાટક વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત છે.
તેલંગાણામાં રાજય સરકાર દ્વારા પીડિત પરિવારો માટે રાશન કીટ તથા ધાબડાની વ્યવસ્થા કરવામાં આવી છે. આંધ્રની જગનમોહન રેડ્ડી સરકારે ભારે વરસાદને કારણે મચેલી તબાહી સામે કેન્દ્ર સરકાર પાસે મદદ માગી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer