માવઠા રાસ, વાદલડા વરસ્યા રે...

માવઠા રાસ, વાદલડા વરસ્યા રે...
પાક પલાળતો અને રોગચાળો વકરાવતો નુકસાનીનો વરસાદ
વીજળી પડતા માળિયામિંયાણા તાલુકામાં મહિલાનું મૃત્યુ, ભાવનગરમાં મહિલા દાઝી
(ફૂલછાબ ન્યુઝ) રાજકોટ, તા. 18 : હવામાન ખાતાની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે સૌરાષ્ટ્રમાં ઝાપટાંથી માંડી છૂટોછવાયો ત્રણ ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો. આ વર્ષે ચોમાસું સારું રહ્યું છે અને ખેતરોમાં ઉપજ પણ સારી એવી થઈ છે ત્યારે આજે ખેતરોમાં તૈયાર થઈ રહેલા કપાસના પાક અને મગફળીના પાથરા પલાળતો, પશુનો ચારો બગાડતો તેમજ કોરોનાની મહામારી વચ્ચે રોગચાળો વકરાવતો વરસાદ વરસતા લોકોમાં કચવાટ ફેલાયો હતો. રાજકોટમાં સાંજે સાત વાગ્યાથી એક કલાક દરમિયાન બે ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસી ગયો હતો. આકાશમાં વીજળીના ગડગડાટ અને ચમકારાને કારણે મેઘરાજાનું સ્વરૂપ અતિ રૌદ્ર જણાતું હતું. કોટડા સાંગાણીના રામોદમાં એક ઈંચ અને ગોંડલ, ધોરાજી તાલુકા પંથકમાં અડધો ઈંચ વરસાદે પાકમાં વ્યાપક નુકસાની કરી છે.
જૂનાગઢ જિલ્લા પંથકમાં વીજળીના ભયંકર ધડાકા અને ગડગડાટ થતા જાણે ભૂકંપ આવ્યો હોય તેવો ડરાવણો અનુભવ લોકોને થયો હતો. જૂનાગઢ શહેર ઉપરાંત ભેસાણ સહિતના પંથકમાં ઝાપટાંથી માંડી અઢી ઈંચ સુધી તોફાની વરસાદ વરસ્યો હતો. માણાવદરમાં એક ઈંચ વરસાદના વાવડ છે.
મોરબી અને માળિયામિંયાણામાં એક-એક ઈંચ વરસાદ થયો હતો. માળિયામિંયાણા તાલુકામાં વીજળી પડતા એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. ભાવનગર જિલ્લામાં અઢી ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. ઘોઘામાં વીજળી પડતા મહિલા દાઝી હતી. તળાજામાં નેવાધાર વરસાદ તૂટી પડયો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઝાપટાં પડયાં હતાં. સુરેન્દ્રનગરના મૂળી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેતરોમાં પાકના પાથરા પલળી ગયા હતા. અમરેલીના બગસરામાં ઝાપટાં પડયાં હતાં.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer