રાજસ્થાન-ચેન્નાઇ વચ્ચે કરો યા મરો સમાન જંગ

રાજસ્થાન-ચેન્નાઇ વચ્ચે કરો યા મરો સમાન જંગ
અબુધાબી, તા.18: એકસમાન સ્થિતિનો સામનો કરી રહેલી બે ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ આઇપીએલના સોમવારે રમાનાર મેચમાં આમને-સામને હશે. ત્યારે બન્ને ટીમને એ ખબર હશે કે વધુ એક હારથી તેમની પ્લેઓફની આશા લગભગ સમાપ્ત થઇ જશે. ધોનીની ટીમ અત્યાર સુધી આ સિઝનમાં આશાને અનુરૂપ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી છે. બીજી તરફ સ્ટીવન સ્મિથની ટીમને પણ આવી જ સ્થિતિ છે. બન્ને ટીમ પોઇન્ટ ટેબલ પર છઠ્ઠા અને સાતમા સ્થાને છે. બન્નેના ખાતામાં 6-6 પોઇન્ટ છે. સારી રનરેટના લીધે સીએસકે છઠ્ઠા નંબર પર છે. બન્ને ટીમ હવે બાકીના પ-પ મેચ રમશે. આથી એક વધુ હારથી તેની પ્લેઓફની આશા ક્ષીણ થઇ જશે.
ધોનીના સુકાનીપદ હેઠળની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સને શનિવારે દિલ્હી કેપિટલ્સ સામે આખરી ઓવરમાં આંચકારૂપ હાર મળી છે. આ હારથી ધોનીના નેતૃત્વ પર પહેલીવાર સવાલ ઉઠી રહ્યા છે. આ જ રીતે રાજસ્થાન રોયલ્સને એબી ડિ’વિલિયર્સની આતશી બેટિંગને લીધે આખરી ઓવરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરૂધ્ધ હાર સહન કરવી પડી છે. સીએસકે માટે ચિંતાનો બીજો એક વિષય તેનો અનુભવી કેરેબિયન ઓલરાઉન્ડર ડવેન બ્રાવોનું ઇજાગ્રસ્ત થવું છે. આથી તે આગામી કેટલાક મેચની બહાર થઇ ગયો છે.
ચેન્નાઇને પાછલા મેચમાં ખરાબ ફિલ્ડીંગ અને આખરી ઓવર રવીન્દ્ર જાડેજા પાસે ફેંકવાના ધોનીના નિર્ણયને લીધે હાર સહન કરવી પડી હતી. આ મેચમાં ચેન્નાઇના ફિલ્ડરોએ આપેલા જીવતદાનનો લાભ લઇને શિખર ધવન અણનમ 101 રનની ઇનિંગ રમી હતી. જ્યારે અક્ષર પટેલ જાડેજાએ ફેંકેલી અંતિમ ઓવરમાં 3 છકકા ફટકારીને દિલ્હીને જીત અપાવી હતી.
બીજી તરફ રાજસ્થાન રોયલ્સે પણ પાછલા મેચમાં આખરી તબક્કે ખરાબ બોલિંગ કરી હતી. જેનો લાભ લઇને ડિ’વિલિયર્સે અદ્ભૂત ફટકાબાજી કરી હતી. જેથી રાજસ્થાનના હાથમાંથી બાજી સરકી ગઇ હતી. જો કે રાજસ્થાનનો સુકાની સ્મિથ ફોમર્મા વાપસી કરી ચૂકયો છે. ઉથપ્પાના બેટમાંથી પણ પહેલીવાર રન નીકળ્યા હતા. તેણે 22 દડામાં 41 રન કર્યાં હતા. સંજૂ સેમસન હજુ પણ ફોર્મમાં પાછો ફરી શક્યો નથી. બટલર અને સ્ટોકસ પણ હજુ સુધી કલીક થયા નથી. જે રાજસ્થાન માટે મોટી ચિંતા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer