કોલેજવાડીમાંથી રૂ.99 હજારના ગાંજા સાથે રિક્ષાચાલક ઝડપાયો

કોલેજવાડીમાંથી રૂ.99 હજારના ગાંજા સાથે રિક્ષાચાલક ઝડપાયો
સુરતથી બીજી વખત લઈને આવતા પકડાયો
રાજકોટ, તા.17 : કોલેજવાડી પાસે આવેલી સરકારી હોસ્પિટલ પાસેથી પોલીસે ગાંજાના જથ્થા સાથે સંધી રિક્ષાચાલકને ઝડપી લઈ રૂ.99 હજારની કિંમતનો ગાંજાનો જથ્થો, રિક્ષા સહિત રૂ.1.ર4 લાખનો મુદામાલ કબજે કરી રાજકોટ-સુરતના શખસોની શોધખોળ શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, કોલેજવાડી નજીકની સરકારી હોસ્પિટલ પાસે એક રિક્ષાચાલક  રિક્ષામા ગાંજાની હેરાફેરી કરતો હોવાની બાતમીના આધારે એસઓજીના  સ્ટાફે દરોડો પાડયો હતો અને ગવલી વાડ મેઈન રોડ પર હવાબેનના મકાનમાં ભાડે રહેતા આશીફ ઈબ્રાહીમ થેબેપોત્રા નામના સંધી રિક્ષાચાલકને ઝડપી લીધો હતો અને રિક્ષામાં રહેલા થેલાની તલાસી લેતા તેમાંથી રૂ.99 હજારની કિંમતનો 9.900 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા રિક્ષા-ગાંજો સહિત રૂ.1.ર4 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં આશીફ સંધી આ ગાંજાનો જથ્થો સુરતથી પરપ્રાંતીય શખસ પાસેથી બીજી વખત લાવ્યો હતો અને ભકિતનગર વિસ્તારમાં રહેતા એક શખસને પહોંચાડવાનો હતો. પોલીસે સુરતના સપ્લાયર અને રાજકોટમાં ગાંજો મગાવનાર શખસની શોધખોળ શરૂ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer