મનપાનું બીજું મેગા ડિમોલિશન, 80 દબાણ દૂર

મનપાનું બીજું મેગા ડિમોલિશન, 80 દબાણ દૂર
ન્યુ રાજકોટમાં વોર્ડ નં.1,9 અને 10માં રૂ.120.75 કરોડના મૂલ્યની 15513 ચો.મી.ક્ષેત્રફળની જમીન ખુલ્લી કરતું તંત્ર
રાજકોટ તા.17 : મનપાની ટાઉન પ્લાનીંગ શાખા આજે સતત બીજા દિવસે મેગા ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી ન્યુ રાજકોટ હેઠળના વોર્ડ નં.1,9 અને 10માં રૈયા અને નાનામવા ટી.પી.સ્કીમમાં ગેરકાયદે 76 મકાન અને ઝૂંપડા સહિતના કુલ 80 દબાણો પર બુલડોઝર ફેરવીને રૂ.120.75 કરોડના મૂલ્યની 15513 ચો.મી. ક્ષેત્રફળની દબાણગ્રસ્ત જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલના આદેશાનુસાર તેમજ ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાના માર્ગદર્શન હેઠળ આજરોજ વેસ્ટ ઝોન ટાઉન પ્લાનીંગ શાખાના કાફલો ન્યુ રાજકોટમાં ત્રાટક્યો હતો. ટીપી સ્કીમ નં.16 રૈયા 86-એના વાણિજ્ય વેચાણ હેતુ તેમજ એસઈડબલ્યુએસ હેતુના કિડની હોસ્પીટલ પાછળ આવેલા પ્લોટ ઉપર થયેલ કાચા પાકા મકાનો અને ઝુંપડાઓ તોડવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. ઉપરોકત સ્થળે 35 કાચા-પાકા મકાન અને 22 ઝુંપડાઓ ઉપર બુલડોઝર ફેરવી રૂ.38.20 કરોડ (પ્રતિ ચો.મી 80,000)ના મૂલ્યની 4776 ચો.મી. દબાણગ્રસ્ત જમીન તેમજ 17.76 કરોડ (પ્રતિ ચો.મી 80,000)ના મૂલ્યની 2221 ચો.મી. દબાણગ્રસત જમીન ખુલ્લી કરવામાં આવી છે.
આ ઉપરાંત કીડની હોસ્પિટલ પાછળ જ ટી.પી.સ્કીમ નં.5- નાનામવામાં ખુલ્લી જમીનમાં ખડકાયેલા 6 કાચા-પાકા મકાન દૂર કરીને 3.64 કરોડ (પ્રતિ ચો.મી.80,000)ના મૂલ્યની 456 ચો.મી. દબાણગ્રસ્ત જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જ્યારે બાદ રૈયા રોડ ઉપર ટીપી સ્કીમ નં. 4, 22ના સતાધાર પાર્ક અને રૈયા રોડ પર વિક્રમ મારબલ અને સવન સિગ્નેટની સામે આવેલા પ્લોટ પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સવન સીગ્નેટના સામેના પ્લોટ ઉપરથી 10 ઝૂંપડા, સતાધાર પાર્ક પાસેના પ્લોટમાંથી એક ઓટો તથા વિક્રમ માર્બલ પાસેના પ્લોટમાંથી 3 ઝુંપડા અને 3 કેબીનના દબાણો દૂર કરીને અનુક્રમે 4736 ચો.મી. (બજાર મૂલ્ય 37.88 કરોડ), 1677 ચો.મી. (બજાર મૂલ્ય 10.06 કરોડ) અને 1647 ચો.મી. (બજાર મૂલ્ય 13.17 કરોડ)ની જમીન ખુલ્લી કરવામાં આવી છે.
ઉપરોકત તમામ વિસ્તાર પ્રાઈમ લોકેશનમાં હોવાથી તેમજ મનપાના વાણીજ્ય હેતુના પ્લોટ ઉપર અન્ય પ્રોજેક્ટ અંતર્ગત કાર્યવાહી કરવાની હોવાથી આજે ડિમોલીશનનું કામ કરવામાં આવ્યું હતું અને કુલ 15513 ચો.મી. ક્ષેત્રફળ જમીન ખુલ્લી થઇ હતી. જેની બજારભાવ રૂ.120.75 કરોડ થવા પામે છે. ડિમોલિશનની કામગીરીમાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર અજય વેગડ, આર.મકવાણા, એ.જે.પરસાણા સહિતનો સ્ટાફ, રોશની, જગ્યા રોકાણ, એસડબ્લૂએસ, બાંધકામ, ફાયરબ્રિગેડ શાખાનો સ્ટાફ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજીલન્સ ડીવાયએસપી આર.બી. ઝાલા સહિતના સ્ટાફ ખડેપગે રહ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer