ગુંદાળા પાસે ગમખ્વાર અકસ્માત મોટી પાનેલીનાં પિતા-પુત્રનું મૃત્યુ

ગુંદાળા પાસે ગમખ્વાર અકસ્માત  મોટી પાનેલીનાં પિતા-પુત્રનું મૃત્યુ
પૂજાવિધિ સંપન્ન કરી દસ દી’ પહેલા લીધેલી કારમાં પરત આવતાં આઇસર સાથે ભયંકર અકસ્માત: પિતા-પુત્રની સાથે અર્થી ઉઠતા પરિવારમાં કલ્પાંત
 
(ફૂલછાબ ન્યુઝ)
મોટીપાનેલી, ગોંડલ, તા.17 : ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામના વિપ્ર પરિવારના પિતા-પુત્રનું ગોંડલનાં ગુંદાળા પાસે કાર અકસ્માતમાં ગંભીર મૃત્યુ થતા ગામમાં અરેરાટી છવાઈ ગયેલ છે. વિપ્ર રાજુભાઈ કાંતિભાઈ ઠાકર (ઉ.58) તેમજ પુત્ર કશ્યપ રાજુભાઈ ઠાકર (ઉ.27) પુરુષોત્તમ માસના છેલ્લા દિવસની પૂજાવિધિ સંપન્ન કરી શનિવાર વહેલી સવારે ગોંડલથી ગુંદાળાના રસ્તે પરત પાનેલી તરફ પોતાની દસ દિવસ પહેલા જ લીધેલી મારુતિ ફન્ટી કારમાં આવતા હતા ત્યાં જ ગુંદાળા રોડ ઉપર સામેથી આવતાં આઇસર વાહન સામે ભયાનક અકસ્માત સર્જાતા મારુતિ ફન્ટી ગાડીનો એક સાઇડથી બુકડો બોલી ગયો હતો અને ગાડીમાં સવાર બન્ને વિપ્ર પિતા-પુત્રનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયેલ બન્નેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ બપોરે બે વાગ્યે વતન પાનેલી પહોંચાડવામાં આવેલ હતા. બનાવની જાણ પાનેલી ગામમાં થતાં જ ગામમાં અરેરાટી છવાઈ ગયેલ હતી. એક વર્ષ પહેલા જ મંગલ ફેરા ફરેલ પુત્ર કશ્યપ પરિવારનો આધારસ્તંભ હતો. પિતા-પુત્રની એક સાથે વસમી વિદાઈથી મૃતકનો પરિવાર ચિચિયારી કરી ઉઠયો હતો. બન્નેની એકસાથે નીકળેલ અર્થીથી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયેલ હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer