બિહારમાં નીતિશ જ NDAના મુખ્યમંત્રી: શાહ

બિહારમાં નીતિશ જ NDAના મુખ્યમંત્રી: શાહ
ભાજપ વધુ બેઠકો જીતે તો...અફવા-અટકળોને લગાવ્યો ફૂલસ્ટોપ
નવી  દિલ્હી, તા. 17 : બિહાર વિધાનસભા ચૂંટણી ર0ર0 અંગે દેશના ગૃહમંત્રી અમિત શાહે કહયું કે એનડીએ નીતિશકુમારના નેતૃત્વમાં ચૂંટણી લડી રહયું છે અને બે તૃતિયાંશ બહુમતથી વિજેતા બન્યા બાદ નીતિશકુમાર જ મુખ્યમંત્રી બનશે.
એક ખાનગી ટીવી ચેનલ સાથે વાતચીતમાં અમિત શાહે કહયું કે જયારે હું પાર્ટી અધ્યક્ષ હતો ત્યારે મેં કહયું હતુ અને હવે જે.પી.નડ્ડા છે તો તેઓએ પણ કહયું છે કે નીતિશકુમારના નેતૃત્વમાં જ ચૂંટણી લડવામાં આવી રહી છે. ચૂંટણી જીત્યા બાદ નીતિશકુમાર જ એનડીએના મુખ્યમંત્રી બનશે. તેમાં કોઈ બેમત નથી. જે કોઈ પણ ભ્રમ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેના પર આજે હું ફૂલસ્ટોપ લગાવી રહ્યો છું.
બિહાર વિધાનસભા ચૂંટણીમાં જો ભાજપ વધુ બેઠકો જીતે તો પણ શું નીતિશકુમાર જ મુખ્યમંત્રી બનશે ? તેવા સવાલના જવાબમાં અમિત શાહે કહયું કે અગર-મગરની કોઈ વાત જ નથી. કેટલાક કમિટમેન્ટ એવા હોય છે જે જાહેરમાં કરવામાં આવે છે અને તેનું પાલન કરવામાં આવે છે. બિહારમાં એકલા હાથે કેમ ચૂંટણી લડતા નથી ? તેવા સવાલના જવાબમાં કહયું કે પાર્ટી સંગઠનનો વિસ્તાર કેટલો થયો છે, વગેરે બાબતો જોવી પડે છે.ગઠબંધનનો પણ એક ધર્મ હોય છે.
નીતિશકુમાર સાથે અમારૂ કોઈ નવું ગઠબંધન નથી. સમતા પાર્ટીના સમયથી નીતિશકુમાર એનડીએના સાથી રહ્યા છે.વચ્ચે થોડી ગરબડ થઈ હતી પરંતુ હવે ફરી તેઓ અમારી સાથે છે. ઉપર મોદીજી અને નીચે નીતિશજી, બિહારમાં ડબલ એન્જીનવાળી સરકાર, બિહારને વિકસીત રાજય તરીકે વધુ ઝડપથી આગળ લઈ જશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer