સૌ પહેલાં 30 કરોડને લાગશે રસી

સૌ પહેલાં 30 કરોડને લાગશે રસી
નવી દિલ્હી, તા. 17 : ભારતમાં કોરોના વાયરસના રસીકરણ અભિયાનની તૈયારી શરૂ થઈ છે. પ્રાથમિકતાના આધારે રસી માટે 30 કરોડ લોકો કોણ હશે તેની સૂચિ તૈયાર કરવામાં આવી રહી છે, તેમાં વધુ ખતરો ધરાવતી વસ્તી ઉપરાંત આરોગ્યની સારસંભાળ ક્ષેત્રના વ્યાવસાયિકો, પોલીસ, સેનિટેશન કર્મચારી જેવા ફ્રન્ટલાઈન વર્કર્સનો સમાવેશ કરવામાં આવશે. આશરે 30 કરોડ લોકો માટે 60 કરોડ રસી લાગશે. બીજીતરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશમાં કોવિડ-19 મહામારીની સ્થિતિ, રસી વિતરણ અને તંત્રની તૈયારીઓની સમીક્ષા કરી હતી. પીએમે નિર્દેશ આપ્યો હતો કે દેશની ભૌગોલિક વિવિધતાને ધ્યાને લેતાં રસી પહોંચાડવામાં ઝડપ સુનિશ્ચિત કરવી જોઈએ.
પીએમ સાથેની આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી, પીએમના મુખ્ય સચિવ, નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) અને કેન્દ્ર સરકારના અન્ય પ્રતિનિધિ સામેલ થયા હતા.
એક વખત રસીને મંજૂરી મળી જાય તે પછી રસી લગાવવાનું કાર્ય શરૂ થઈ જશે. પ્રાથમિકતા સૂચિમાં ચાર કેટેગરી રાખવામાં આવી છે. આશરે 50થી 70 લાખ આરોગ્યની સારસંભાળ ક્ષેત્રના વ્યાવસાયિકો, બે કરોડથી વધુ ફ્રન્ટલાઈન વર્કર્સ, પ0 વર્ષથી વધુની વય ધરાવતા આશરે 26 કરોડ લોકો અને એવા લોકો કે જેઓ 50થી ઓછી વયના છે પરંતુ અન્ય બીમારીઓથી ગ્રસ્ત છે.
રસી અંગે બનાવવામાં આવેલા તજજ્ઞોનાં જૂથે યોજનાનો મુસદ્દો તૈયાર કર્યો છે. કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય સરકારો પાસેથી પણ માહિતી લેવામાં આવી હતી. નીતિ આયોગના સભ્ય ડો. વી.કે. પોલની આગેવાનીવાળા આ જૂથે જે યોજના બનાવી છે તે અનુસાર પહેલાં ચરણમાં દેશની 23 ટકા વસ્તીને આવરી લેવામાં આવશે.
તજજ્ઞ સમિતિનું અનુમાન છે કે દેશમાં સરકારી અને ખાનગીક્ષેત્ર સહિત કુલ 70 લાખ હેલ્થકેર વર્કર છે, જેમાં 11 લાખ એમબીબીએસ તબીબ, 8 લાખ આયુષ પ્રેક્ટિસનર્સ,15 લાખ નર્સ, 7 લાખ એએનએસ અને 10 લાખ આશા વર્કર્સનો સમાવેશ થાય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer