મોદીની અંગત વેબસાઈટનો ડેટા ડાર્ક વેબ પર લીક

મોદીની અંગત વેબસાઈટનો ડેટા ડાર્ક વેબ પર લીક
નવી  દિલ્હી, તા. 17 : ગયા મહિને સપ્ટેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અંગત વેબસાઈટનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયા બાદ તેમાંથી અનેક ટ્વિટ કરીને ફોલોઅર્સને ક્રિપ્ટો કરન્સી દ્વારા પીએમનાં નેશનલ રિલીફ ફન્ડમાં દાન કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ એકાઉન્ટ થોડા સમયમાં રિસ્ટોર થઈ ગયું હતું પરંતુ હવે એક અમેરિકન સાયબર સુરક્ષા કંપની ‘સાઈબલ’એ દાવો કર્યો છે કે પીએમ મોદીની વેબસાઈટનો ડેટા ડાર્ક વેબ પર લીક થઈ ગયો છે.
સાઈબલ અનુસાર પીએમનાં એકાઉન્ટનું હેકિંગ વેબસાઈટની કોન્ફિગરેશન દ્વારા થયું હતું. કંપનીએ ડાર્ક વેબ પર વેબસાઈટના ડેટાબેસીઝની પુષ્ટિ કરી હતી. કંપનીએ પોતાના અહેવાલમાં ડાર્ક વેબ પર મોજૂદ ડેટાની ઘણી માહિતી આપી છે.
સાઈબલે કહ્યું કે, વેબસાઈટ યુઝર્સની અનેક વિગતો લીક થઈ ગઈ છે અને ડાર્ક વેબ પર ઉપલબ્ધ છે.
કંપનીએ કહ્યું કે, 5.70 લાખથી વધુ યુઝર્સની અંગત જાણકારીઓ લીક થઈ છે, જેમાં તેમનાં નામ, ઈ-મેલ આઈડી અને સંપર્ક વિગતોનો સમાવેશ થાય છે. કંપનીએ એવી પણ શંકા વ્યક્ત કરી હતી કે આ ડેટાનો આપરાધિક ઉપયોગ થઈ શકે છે. કંપનીએ જણાવ્યું કે લીક થયેલા ડેટાને ફિશિંગ ઈ-મેલ, સ્પેમ ટેક્સ્ટ મેસેજ મૂકવા માટે ઉપયોગમાં લઈ શકાય છે.
ડાર્ક વેબ પર એ ડેટા પણ લીક થયો છે જેમાં દાન આપનારાઓની વિગત છે. વેબસાઈટના કુલ 5.70 લાખ યુઝર્સમાંથી 2.92 લાખથી વધુએ દાન આપ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer