કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે જામશે રોમાંચક જંગ

કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે જામશે રોમાંચક જંગ
બન્ને ટીમોને પ્લે ઓફની દોડમાં યથાવત રહેવા એક જીત જરૂરી: અન્ય એક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે ટક્કર
 
નવી દિલ્હી, તા. 17 : આઈપીએલની 13મી સિઝનના 35મા મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમનો સામનો કોલકાતા નાઈટરાઈડર્સ સામે થવાનો છે. બન્ને ટીમો માટે પ્લેઓફની દોડમાં બન્યા રહેવા માટે જીત ખૂબ જ જરૂરી છે. કેકેઆરની ટીમને પોતાના અંતિમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 8 વિકેટે હારનો સામનો કરવો પડયો હતો. જ્યારે હૈદરાબાદને ગયા મેચમાં ચૈન્નઈ સુપરકિંગ્સ સામે હાર મળી હતી. તેવામા આ મેચમાં બન્ને જ ટીમો દમદાર પ્રદર્શન કરીને જીતના ટ્રેક ઉપર પરત ફરવા માગશે. આ સીઝનની પહેલી ટક્કરમાં કેકેઆરની ટીમે હૈદરાબાદ સામે 7 વિકેટે સરળ જીત મેળવી હતી. બીજી તરફ અન્ય એક મેચમાં રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ ટકરાવાના છે. આ મેચ સાંજે રમાશે.
કોલકાતા નાઈટરાઈડર્સના નવા કેપ્ટન ઈયોન મોર્ગન માટે હૈદરાબાદ સામે મેચ પહેલા ઘણી મહત્ત્વની બાબતો ઉપર નજર કરવી પડશે. મુંબઈ સામેની મેચમાં ટીમની બેટિંગ અને બોલિંગ નિષ્ફળ રહી હતી. કેકેઆર માટે ટોપ ઓર્ડર સૌથી મોટી સમસ્યા રહ્યો છે. ટીમના ઓપનર સારી શરૂઆત અપાવવામાં નાકામ રહ્યા છે. જ્યારે ત્રીજા નંબર ઉપર નીતિશ રાણાનું પ્રદર્શન હજી સુધી કોઈ ખાસ રહ્યું નથી. રસેલના બેટથી હજી સુધી એક પણ વિસ્ફોટક ઈનિંગ જોવા મળી નથી અને આ જ કારણથી કેકેઆર પોઈન્ટ ટેબલમાં સંઘર્ષ કરી રહી છે. બોલિંગમાં ગયા મેચમાં ટીમે ક્રિસ ગ્રીનને સામેલ કર્યો હતો પણ કોઈ ખાસ કમાલ જોવા મળ્યો નહોતો. જો કે ટીમ તેને વધુ એક તક આપવા માગશે.
હૈદરાબાદની ટીમે ચૈન્નઈ સામે રમાયેલા મેચમાં અભિશેક વર્માને બહાર બેસાડીને શાહબાઝ નદીમને એક ટીમમાં જગ્યા આપી હતી. પરંતુ રન ચેઝ દરમિયાન ટીમને અંતિમ ઓવરમાં એક બેટ્સમેનની કમી રહી હતી. જેનો ખુદ કેપ્ટન વોર્નરે પણ સ્વિકાર કર્યો હતો. તેવામાં અભિષેક વર્માની
ફરીથી ટીમમા વાપસી થઈ શકે છે. હૈદરાબાદને પ્લે ઓફમાં રાખવા માટે વોર્નરના બેટમાંથી રન પણ ખૂબ જ જરુરી છે. સાથે મનીષ પાંડે અને બેયરસ્ટોએ પણ પોતાની જવાબદારી સમજવી પડશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer