હવે 90 ચો.મી. બિલ્ટઅપનો એફોર્ડેબલ હાઉસમાં સમાવેશ

હવે 90 ચો.મી. બિલ્ટઅપનો એફોર્ડેબલ હાઉસમાં સમાવેશ
વધુ મોકળાશભર્યા 3BHKના મકાન બનાવી શકાય તે માટે મુખ્યમંત્રીની મહત્વપૂર્ણ જાહેરાત
(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ,તા.17 :  બાંધકામ ઉદ્યોગ દેશની ઈકોનોમી અર્થતંત્રનો આધાર ઉપરાંત અનેક લોકોને રોજગારી આપવા સાથે આ ઉદ્યોગ આવાસ મકાન નિર્માણ દ્વારા માનલીના ઘરના ઘરનું સપનું, જીવનનો હાશકારો પણ સાકાર કરે છે એમ રાજ્યના મુખ્યપ્રધાન વિઝય રૂપાણીએ ગાઈડ ક્રેડાઈ આયોજીત 15મા પ્રોપર્ટી શોનું વચ્યુર્અલ ઉદઘાટન ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા કરતાં જણાવ્યું હતું.
કોરોના સંક્રમણના આ કપરાકાળમાં દેશભરમાં આવો પ્રથમ વર્ચ્યુએલ પ્રોપર્ટી શો ક્રેડાઈ દ્વારા તા.17 થી 25 ઓકટોબર દરમ્યાન યોજાઈ રહ્યો છે. ‘ઘરે બેઠા ઘર મેળવો’ના ઉદ્દેશ્ય સાથેના આ પ્રોપર્ટી શોમાં લોકો પોતાના અનુકુળ સમયે ઓનલાઈનથી સહભાગી થઈ શકે તેવા આ અભિનવ પ્રયોગને મુખ્યપ્રધાને બિરદાવ્યો હતો.
રૂપાણીએ કહ્યું કે, ગુજરાત રહેવાલાયક, માણવાલાયક બને તેમજ પ્રદૂષણમુકત રહે અને પ્રાથમિક આવશ્યકતાઓ પણ મળતી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. પારદર્શીતા અને ઈમાનદારીથી ઝડપી નિર્ણયો કરવા સાથે જીડીસીઆરના નિયમો સહિતની આંટીઘુંટીઓ દૂર કરી સરળીકરણ અને મોકળાશ આ સરકારે કરી આપી છે. તેમજ તેમણે એફોર્ડેબલ હાઉસીંગ સેકટરને વધુ પ્રોત્સાહન અને મદદ મળે તે માટે આ અવસરે કેટલીક જાહેરાત પણ કરી હતી.
મુખ્યપ્રધાને એફોર્ડેબલ હાઉસીંગમાં વધુ મોકળાશભર્યા અને ત્રણ રૂમ રસોડાના મકાનો બાંધી શકાય તે હેતુસર પ્રવર્તમાન 80 ચો.મીટરનાં બિલ્ટઅપ એરિયાના સ્થાને હવે 90 ચો.મીટર બિલ્ટઅપ એરિયાના યુનિટનો એફોર્ડેબલ હાઉસીંગમાં સમાવેશ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. આના પરિણામે હવે, લાભાર્થી પરિવારોને સુવિધાયુકત અને વધુ જગ્યાવાળા આવાસો મળતાં થશે.
મુખ્યપ્રધાને એવી પણ જાહેરાત કરી કે, એફોર્ડેબલ હાઉસીંગ નિર્માણ માટે સરળતાએ વધુ જમીન ઉપલબ્ધ થાય અને મોટાપાયે આવા આવાસો બનવાની ઘરના ઘરનું સામાન્ય માનવીનું સપનું પાર પડે તે માટે ખેતીની જમીન કાયદા 63 એએએ હેઠળ એફોર્ડેબલ હાઉસીંગ માટે જમીનનોની પરવાનગી સરકાર આપશે. રૂપાણીએ બાંધકામ ક્ષેત્રને વેગ આપવા અન્ય એક જાહેરાત કરતાં કહ્યું કે, હાલ ચાર્જેબલ એફએસઆઈ બાંધકામ મંજુરી વખતે લેવામાં આવે છે. પરંતુ આવી ચાર્જેબલ એફએસઆઈવાળો બાંધકામ ભાગ પાછળથી કરવાનો થતો હોઈ બાંધકામ ઉદ્યોગની રજૂઆતોને આધારે આ એફએસઆઈ સમગ્ર રાજ્યમાં એક સમાન પધ્ધતિએ લેવામાં આવશે તેમજ આ સંદર્ભમાં વ્યાજમાં રાહત આપવાની બાબતે પણ રાજ્ય સરકાર વિચારાધિન છે તેમ જણાવ્યું હતું.
મુખ્યપ્રધાને નોન ટી.પી.એરિયામાં કપાત પછી બાકી રહેતી જમીન પર જ પ્રિમીયમની માંગણી અંગે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી વધુ પ્રિમીયમ ભરવું ના પડે તે માટે રાજ્ય સરકાર યોગ્ય વ્યવસ્થા કરશે એમ જણાવ્યું હતું. ગાઈહેડ, ક્રેડાઈનાં પ્રેસિડેન્ટ અજય પટેલે સ્વાગત પ્રચવનમાં આ પ્રોપર્ટી શોની વિશેષતાઓ આપી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer