કોટડા સાંગાણીના સતાપર ગામમાં એક ઇંચ વર્ષા, ભાટીયામાં અડધો ઈંચ

કોટડા સાંગાણીના સતાપર ગામમાં એક ઇંચ વર્ષા, ભાટીયામાં અડધો ઈંચ
મોરબીના વાંકાનેર-ટંકારા પંથકમાં છૂટોછવાયો, ઉના અને વઢવાણ પંથકમાં પવન સાથે ઝાપટા
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા.17 : ગુજરાતમા આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું જે ઉત્તર મહારાષ્ટ્રના સમુદ્રમાં સક્રિય છે. વરસાદની આગાહીના પગલે ગુજરાતના તમામ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરમિયાન ગઈકાલે રાત્રે સૌરાષ્ટ્રના અનેક ભાગમાં વરસાદ પડયો હતો. જેમાં રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી ગામે એક ઈંચ વરસાદ ખાબક્યો હતો તો ભાટીયામાં આજે સાંજે અડધો ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વઢવાણ અને ઉના પંથકમાં ભારે પવન સાથે ઝાપટા વરસ્યા હતા. જ્યારે મોરબી જિલ્લામાં ભારે પવન ફૂંકાયો હતો તો
વાંકાનેર-ટંકારા પંથકમાં છૂટોછવાયો વરસાદ પડયો હતો.
કોટડા સાંગાણીના સતાપર સહિતના આસપાસના ગામોમાં પડેલા 1 ઈંચ વરસાદના કારણે અનેક ખેડૂતોની મગફળી પલળી ગઈ હતી તો પવનના કારણે કપાસના પાકનો સોથ વળી ગયો હતો. જ્યારે ઉના શહેર સહિત પંથકમાં મોડી સાંજે ભારે પવન સાથે ઝાપટુ વરસ્યુ હતુ. સૈયદ રાજપરા, નવાબંદરના માછીમારો દરિયામા કરંટ આવતા પાણી બંદર કાંઠાના રહેણાંક મકાનમાં ઘુસ્યા હતા. મોરબી શહેર સહિત જિલ્લામાં રાત્રીના ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ હતી અને લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, ચુડા, સાયલા, થાનગઢમાં પવન સાથે હળવા ઝાપટા વરસ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer