ધ્રોળ પાસે આરોગ્ય કેન્દ્રની નર્સનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ

ધ્રોળ પાસે આરોગ્ય કેન્દ્રની નર્સનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ
પરિણીતાના પતિ ઉપર હુમલો કરી અપહરણ કર્યું: બંને આરોપી ઝડપાઇ ગયા, એક નામચીન ગુનેગાર છે
(ફૂલછાબ ન્યુઝ)
જામનગર, તા.17 : જિલ્લામાં વધુ એક સામૂહિક દુષ્કર્મની ઘટના નોંધાઈ છે. દંપતીને રસ્તામાં આંતરી પતિને ભગાડી મૂકી પત્નીનું અપહરણ કરી બે શખસો દ્વારા દુષ્કર્મ આચરાયું હતું. પોલીસે બંનેને ગણતરીની કલાકોમાં ધ્રોળના જાયવાથી ઝડપી લીધા હતા. એક આરોપી નામચીન ગુનેગાર છે.
ધ્રોળમાં રહેતી અને ગ્રામ્ય પંથકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે હંગામી નોકરી કરતી પરિણીતા પોતાની ફરજ પૂરી કરીને નર્સનો ડ્રેસ પહેરીને ઘેર આવી હતી. બપોરે પતિ સાથે સ્કૂટર ઉપર બેસીને ધ્રોળથી બે કિલોમીટર દૂર મેલડી માતાનાં મંદિરે દર્શનાર્થે જઈ રહી હતી.
મેલડી માતાના દર્શન કરીને થોડે દૂર ગોરડિયા હનુમાનજીનાં મંદિરે દર્શનાર્થે આ દંપતી જઈ રહ્યું હતું ત્યારે નિર્જન રસ્તા પર ડબલ સવારી બાઇકમાં આવેલા બે શખસનો ભેટો થયો હતો અને આ નિર્જન સ્થળે તમે શું કરો છો તેવો પ્રશ્ન કરતા બંનેએ જણાવ્યું હતું કે ‘અમે બંને પતિ-પત્ની છીએ અને દર્શન કરવા જઈએ છીએ.’
પરંતુ ઉપરોક્ત બંને શખસે ધ્રોળમાં ગાયત્રી ચોકમાં રહેતા કાદર ઉર્ફે ઓઢીયો ડફેર અને અઝહરૂદ્દીન ઉર્ફે અજુડો જુણેજાએ સૌ પ્રથમ ભોગ બનનારના પતિને મારકૂટ કરી હતી અને છરી કાઢી ભગાડી મૂક્યો હતો. ત્યારપછી તેની પત્નીને બાઇક ઉપર બેસાડી અપહરણ કરી ગયા હતા. ત્યાંથી એકાદ કિલોમીટર દૂર સુધી  લઈ જઈ એક વોંકળાની નીચે નિર્જન સ્થળે છરી બતાવીને બંને શખસે પરિણીતા પર વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હતું.
છરી વડે ધાકધમકી આપી હોવાથી ભોગ બનનાર કશું બોલી શકી નહોતી અને બંનેની હવસનો શિકાર બની ગઈ હતી. ત્યારપછી બંને આરોપી ભોગ બનનાર અને તેના પતિના ઝૂંટવી લીધેલા મોબાઇલ ફોન પરત આપી દીધા હતા અને ત્યાંથી ચાલતી પકડી હતી.
ભોગ બનનારે નર્સનો ડ્રેસ પહેર્યો હતો તે ડ્રેસ બાજુમાં પડેલો હોવાથી તેણે ફરીથી પોતાનો ડ્રેસ પહેરી અને પગપાળા ચાલીને પોતાના સ્કૂટર સુધી પહોંચી હતી.
દરમિયાન તેનો પતિ અન્ય મિત્ર સાથે ત્યાં આવી પહોંચતા સમગ્ર બનાવ અંગેની જાણ કરી હતી. સૌ પ્રથમ દંપતી જોડિયા ગામે પહોંચ્યું હતું. જ્યાં ભોગ બનનાર યુવતીના પિતા રહેતા હોવાથી તેમને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. બાદમાં મામલો મોડી રાત્રે ધ્રોળ પોલીસ મથકે લઈ જવાયો હતો.
ધ્રોળના કાદર ઉર્ફે ઓઢિયો જુમાભાઈ જુણેજા અને અઝહરુદ્દીન ઉર્ફે અજુ જુણેજા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તે બંને આરોપીઓ નાશી ગયા પછી જિલ્લાભરમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જાયવા ગામની સીમમાં કાંટા બાવળિયામાં બંને સંતાયા હોવાથી એલસીબીની ટીમે પીછો કરી બંનેને પકડી પાડયા હતા. પકડાયેલા આરોપીમાંથી કાદર જુણેજા સામે જોડિયા પોલીસ મથકમાં તાજેતરમાં જ હથિયારધારા ભંગનો ગુનો નોંધાયો હતો. તેમાં પણ તે ફરાર છે. ઉપરાંત હત્યા પ્રયાસ, મારામારી સહિતના સાત જેટલા અન્ય ગુનાઓ પણ તેની સામે નોંધાઈ ચૂક્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer