શિક્ષિત બેરોજગાર સમિતિ છેલ્લી ઘડીએ પેટાચૂંટણીમાંથી ફસકી ગઈ

 ફોર્મ તો ઉપાડયાં પણ એક પણ સભ્યએ ઉમેદવારી પત્ર ન ભર્યુ
અમદાવાદ,તા.17 : રાજ્યમાં 8 વિધાનસભાની બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ગઈકાલે શુક્રવારે ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ હતો અને આજે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી રહી છે. જો કે, ગત 27 જુલાઈનાં રોજ બેરોજગાર સમિતિના દિનેશ બાંભણીયા અને યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, શિક્ષિત બેરોજગાર સમિતિના 124 યુવાનો અને યુવતીઓ પેટા ચૂંટણીમાં ઉમેદવારી કરશે. પરંતુ અંતિમ સમય સુધી બેરોજગાર સમિતિ દ્વારા એક પણ ફોર્મ ભરવામાં આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના વાઈરસના કારણે તમામ પ્રકારની સરકારી ભરતી ઉપર પાબંધી લગાવવામાં આવી છે. તેની સાથે પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને નિમણૂંક પત્રો પણ આપવામાં આવ્યા નથી. ત્યારે સરકાર સામે શિક્ષિત બેરોજગાર સમિતિના દિનેશ બાંભણીયા અને યુવરાજસિંહ જાડેજા દ્વારા યુવાનોને સાથે રાખીને આંદોલન કરવામાં આવ્યા હતાં. સરકારનું બેસણું યોજવામાં આવ્યું હતું. તેમજ ગાંધી જયંતિના રોજ ગાંધીજીના માર્ગે આંદોલન પણ કરવામાં આવ્યું હતું. ત્રણ મહિના કરતાં વધુ સમયથી વિવિધ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો હતો.
આગામી સમયમાં આવનારી પેટા ચૂંટણીમાં 124 જેટલા ઉમેદવારો સરકાર સામે ઉમેદવારી નોંધાવીને રોષ પ્રગટ કરશે. તેવું તેમણે જણાવ્યું હતું. ત્યારે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસે સાંજ સુધી બેરોજગાર સમિતિના કોઈ નેતાઓ જોવા સુધ્ધાં ફરકયા ન હતાં. એક પણ જગ્યાએથી શિક્ષિત બેરોજગાર સમિતિના સભ્યો દ્વારા ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યું નથી. માત્ર મીડિયામાં ચમકવા માટે ફોર્મ લઈ જવામાં આવ્યા હોય તેવું જણાયું હતું. દિનેશ બાંભણીયા અને યુવરાજસિંહ જાડેજા સહિતના બેરોજગાર સમિતિના સભ્યો વેચાઈ ગયા હોય સરકાર સાથે બંધબારણે બેઠકો કરી લીધી હોય તેવી ચર્ચાઓ હવે થઈ રહી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer