માતાજીની નવધા ભક્તિનો પ્રારંભ

પ્રથમ નોરતે માતાજીના ઘટસ્થાપન સાથે બેઠા ગરબા, અનુષ્ઠાનનો પ્રારંભ થયો
સોશિયલ ડીસ્ટન્સ સહિતના નિયમોનું પાલન સાથે શ્રધ્ધાળુઓએ માના દર્શન કર્યા
પદયાત્રિકો, સંઘો નહિવત, ભાવિકોની હાજરી ઓછી
રાજકોટ,તા. 17 : માંના નવલા નોરતાનો પ્રારંભ થયો છે. સમગ્ર દેશમાં કોરોના મહામારી વચ્ચે માતાજીની નવધા ભક્તિનો સાદાઇથી પ્રારંભ થયો છે. માતાજીનું ઘટસ્થાપન કરતા માત્ર પૂજા અર્ચના બેઠા ગરબા, વ્યક્તિગત સહિત નવરાત્રી અનુષ્ઠાનનો પ્રારંભ સોશિયલ ડીસ્ટન્સ કોવિડ-19ની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન સાથે દેવસ્થાનો સહિતનામાં થયું છે.
કનકાઈ માતાજી: વિસાવદરથી 35 કિલોમીટર દૂર મધ્ય ગિરમાં બિરાજમાન કનકાઇ માતાજી જે 70થી વધુ જ્ઞાતિના કુળદેવી છે. કનકાઈ માતાજીના ભક્તો ભારતભરમાં છે અને માંના દરબારમાં હાજરી આપવા માટે આવે છે. જેમાં ચૈત્રી નવરાત્રિ, આષો નવરાત્રિએ માતાજીના દર્શન માટે હજારો લોકો કનકાઈ માતાજીના મંદિરે પહોંચે છે. જ્યારે આસો નવરાત્રિના પ્રથમ નોરતે સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પાલન સાથે માતાજીનો ગરબો પધરાવવામાં આવ્યો હતો. મંદિરના પ્રમુખ નરેન્દ્રભાઈ જાની, મેનેજર દેવાંગભાઈ ઓઝા, રાજુભાઈ મહેતા, ઉદયભાઈ મહેતા સહિતના લોકો ઉપસ્થિત હતા.
ઉમિયાધામ સીદસર મંદિર: જામજોધપુર તાલુકાના સીદસર મુકામે વેણુ નદીના કાંઠે આવેલ પ્રસિધ્ધ, ભવ્ય માં ઉમિયાનું ધામ લોકડાઉન બાદ છ માસ પછી મંદિરના દ્વાર ખુલતા ભક્તજનોમાં ખુશીનો માહોલ છવાયો છે. નવરાત્રિના માંના પ્રથમ નોરતે લગભગ બે હજાર જેટલા શ્રધ્ધાળુઓએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. શ્રધ્ધાળુઓ માટે ંમંદિર સવારથી સાંજ સુધી ખુલ્લુ રહેશે. જો કે, હજુ પણ કોરોના સંક્રમણને લીધે મંદિર પ્રસાસન દ્વારા પૂરતી તકેદારીના ભાગરૂપે ભોજન પ્રસાદ બંધ છે. સાથે જ દરેક યાત્રિકોનું થર્મલગનથી ચેકઅપ, સેનેટાઈઝ, માસ્ક પહેર્યા બાદ જ પ્રવેશ અપાય છે. મંદિર તો ખુલી ગયું છે, પરંતુ પાનેલીથી મંદિર તરફ જતા આવેલ એક કિલોમીટરનો ડાઈવર્ઝન કમરના મણકા ખેડવી દયે એટલો ખરાબ છે. એક કિલોમીટર કાપતા પંદર મિનિટ જેટલો સમય લાગે છે. આખો રસ્તો કાચો અને ઠેકઠેકામે ઉબડ ખાબડવાળો હોય શ્રધ્ધાળુઓમાં ભારે નારાજગી જોવા
મળે છે.
ભાવનગર : ગોહિલવાડમાં પણ શક્તિ સ્થાનકોમાં ભાવિકોની ઓછી હાજરી સાથે નવરાત્રિનો પ્રારંભ થયો છે. માતાજીના મંદિરો પર ઓછા પદયાત્રીઓ, સંઘો પણ દેખાયા નથી.
કોરોના મહામારી સંદર્ભે સરકારના નિયંત્રણોના લીધે તમામ દેવસ્થાન પર ભક્તોની ભીડ ઓછી કે કેટલાક પર સાવ બંધ છે. નવરાત્રિના પ્રારંભે આજે ગોહિલવાડ ભાવનગર વિસ્તારનાં શક્તિ સ્થાનકોમાં ભાવિકોની ઓછી હાજરી છે.
ગોહિલવાડ રાજ પરિવારના આરાધ્ય દેવી ખોડિયાર માતાજીના બેસણા સિહોર પાસે રાજપરા ગામે છે. જ્યાં પણ સેંકડો યાત્રિકો આવતા હોય છે. જ્યાં એકદમ ઓછા યાત્રિકો રહ્યા છે. મહુવાના દરિયા કિનારે ભવાની માતાનું મંદિર રહેલું છે. જ્યાં પણ આ વર્ષે દર્શનાર્થીઓ ખૂબ ઓછા રહ્યા છે. સિહોરમાં ડુંગર ઉપર શિહોરી માતાના બેસણા છે. ભાવનગરમાં રૂવાપરી માતાના ભક્તો ખૂબ રહેલા છે તેમજ ધોળા નજીક દડવા ગામે વાવમાં બેસેલા રાંદલ માતાજીના દર્શનત માટે પણ આ નવરાત્રિના પહેલા દિવસે ખૂબ ઓછા ભાવિકો આવ્યા હતા.
ધોરાજી: ધોરાજીના પ્રાચીન શ્રી ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા ખાતે છેલ્લા 36 વર્ષથી નવરાત્રિ મહોત્સવ માત્ર ધાર્મિક વિધિ દ્વારા યોજાઈ રહ્યો છે. ચિત્રકૂટ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અખંડ 24 કલાક નવ દિવસ સુધી રામાયણના પાઠ, નવચંડી મહાયજ્ઞનું આયોજન છેલ્લા 36 વર્ષથી થઇ રહ્યું છે. આશ્રમના મહંત શ્રી દિગંબર લાલુગિરિજી મહારાજના સાંનિધ્યમાં આ વર્ષે પણ નવરાત્રિ અનુષ્ઠાનનું આયોજન કરાયું છે. આ સમયે શ્રી મહંત શ્રી દિગંબર લાલુગિરિજી મહારાજએ જણાવેલ કે હાલમાં કોરોના મહામારીના સમયમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ પાલન કરવા માટે ધોરાજીથી 13 કિલોમીટર દૂર આવેલ શ્રી નવદુર્ગા આશ્રમ માખીયાળા ખાતે આ વર્ષ માટે નવરાત્રિ અનુષ્ઠાનનું આયોજન કરાયું છે. પ્રથમ નોરતાનો પ્રારંભ ચિત્રકૂટના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અખંડ 24 કલાક નવ દિવસ સુધી રામાયણના પાઠ પ્રારંભ થયો હતો.
વિસાવદર: વિસાવદરમાં આવેલ પ્રાચીન મંદિર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે 100 વર્ષથી પણ વધુ સમયથી ચાલતી પ્રાચીન ગરબી હાલના સમયમાં કોરોનાને કારણે આ વર્ષે નહિ યોજવાનો નિર્ણય થયો છે. સરકારની ગાઈડલાઈન મુજબ કુંભ સ્થાપન અને યજ્ઞ કરવામાં આવશે. માતાજીની આરતી કરી નિયમનું પાલન કરાશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer