સૌરાષ્ટ્રમાં નવા 432 કેસ : રાજકોટમાં કોરોના કેસની સંખ્યા 8000ને પાર

સૌરાષ્ટ્રમાં નવા 432 કેસ : રાજકોટમાં કોરોના કેસની સંખ્યા 8000ને પાર
-રાજકોટમાં 17, જામનગરમાં 9, ભાવનગરમાં 2 દરદીને મહામારી ભરખી ગઈ : 9 જિલ્લામાંથી કુલ 293 દરદી કોરોનામુક્ત
રાજકોટ,તા.23 : સૌરાષ્ટ્રમાં કાળમુખા કોરોનાનો પ્રકોપ યથાવત્ત રહેતા વધુ 432 કેસ નોંધાયા હતા. બીજી તરફ રાજકોટમાં 17, જામનગરમાં 9 અને ભાવનગરમાં 2 દરદીને મહામારી ભરખી ગઈ હતી. જો કે, રાજકોટમાં સ્થિતિ સુધરી રહી હોવાનો તંત્રનો દાવો મહદઅંશે સાચો ઠરતો જતો હોય તેમ મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં આજે 9 જિલ્લામાંથી 293 દરદી કોરોનાને મહાત આપવામાં સફળ થયા હતા. આજે રાજકોટ જિલ્લામાં નવા 141 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 8000ને પાર થયો હતો.
રાજકોટ શહેરમાં ગઈકાલ સાંજથી આજ સવાર સુધીમાં 43 અને સાંજ સુધીમાં બીજા 65 મળીને ચોવિસ કલાકમાં નવા 108 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 5443 પર પહોચ્યો હતો. જેમાંથી આજે 109 દરદી સાજા થતા ડિસ્ચાર્જ કરાતા અત્યારે એક્ટિવ કેસ 989 છે. જિલ્લાના તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજે 33 નવા કેસ નોંધાયા હોવાનું આરોગ્ય તંત્રએ જાહેર કર્યુ છે. પરંતુ આજે ગોંડલમાં 49 અને ધોરાજીમાં 20થી વધુ કેસ નોંધાયા હતા. ધોરાજીમાં બે દિવસમાં 49 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 1000 પાર થયો હતો, ઉપરાંત ધોરાજી કોર્ટના એક કર્મચારી સહિત રાજકોટ શહેર-જિલ્લાના 17 કોરોનાગ્રસ્ત દરદીનો કોરોનાએ ભોગ લીધો હતો. જિલ્લામાં આજે 141 સાથે અત્યાર સુધીમાં કુલ 8065 કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ગયા છે.
જામનગર સિવિલમાં 8 અને ખાનગીમાં 1 મળીને કુલ 9 દરદીને કોરોના ભરખી ગયો હતો. બીજી તરફ જામનગર શહેરના મેયર હસમુખભાઇ જેઠવા સહિત જિલ્લામાં નવા 94 વ્યક્તિ કોરોનાગ્રસ્ત થયા હતા. મેયર હસમુખભાઇ હાલ જીજી હોસ્પિટલમાં સારવારમાં છે અને તેમના પરિવારના અન્ય સભ્યોએ પણ રેપિડ ટેસ્ટ કરાવતા નેગેટિવ આવ્યા હતા. જ્યારે જિલ્લાના 114 દરદી કોરોનાને મહાત આપવામાં સફળ થયા હતા. જિલ્લાના 238 દરદી હાલ સારવારમાં છે. જે પૈકીના 9 વેન્ટિલેટર પર છે.
ભાવનગર શહેરમાં 19 અને તાલુકાઓમાંથી 18 મળીને જિલ્લામાં નવા 37 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 3908 થયો હતો. જેમાંથી આજે ભાવનગર શહેરના એક અને સિહોરના એક એમ બે દરદીના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે જિલ્લાના 49 દરદી કોરોનામુક્ત થતા હાલ 380 એક્ટિવ કેસ છે.
જૂનાગઢ શહેરમાં 19 સહિત જિલ્લામાં નવા 38 કેસ નોંધાયા હતા અને 25 દરદી કોરોનામુક્ત થયા હતા. અમરેલી જિલ્લામાં નવા 26 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 1881 થયો હતો. જેમાંથી આજે વધુ 50 દરદી ડિસ્ચાર્જ થતા હાલ 230 એક્ટિવ કેસ છે.
મોરબી શહેર-તાલુકામાં 24 તેમજ હળવદ અને માળિયામાં 1-1 મળીને જિલ્લામાં નવા 26 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 1561 થયો હતો. જેમાંથી આજે 19 દરદી ડિસ્ચાર્જ થતા હાલ 261 એક્ટિવ કેસ છે. ગીર સોમનાથ જિલ્લામાં વધુ 13 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 1346 થયો હતો. જેમાંથી વધુ 9 દરદી કોરોનામુક્ત થયા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં 7, ભાણવડમાં 3, દ્વારકામાં 2 મળીને 12 કેસ નોંધાયા હતા અને 23 દરદી કોરોનામુક્ત થયા હતા. પોરબંદર જિલ્લામાં નવા 14 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 625 થયો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં નવા 22 કેસ અને 50 ડિસ્ચાર્જ, બોટાદમાં નવા 9 કેસ નોંધાયા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer