વિશ્વના 100 પ્રભાવશાળી વ્યક્તિઓમાં મોદી સાથે શાહીનબાગના ‘દાદી’ સામેલ

વિશ્વના 100 પ્રભાવશાળી વ્યક્તિઓમાં  મોદી સાથે શાહીનબાગના ‘દાદી’ સામેલ
-ટાઈમ મેગેઝિને ભારતના વડાપ્રધાનની આકરા શબ્દોમાં ટીકા કરી
 
નવી દિલ્હી, તા.ર3: ચર્ચિત અને પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝીને વધુ એકવાર દુનિયાના 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદી જાહેર કરી છે જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જો બાઈડેન, એંજલા મર્કેલ, નેન્સી પૉલેસી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગ વગેરે સામેલ છે.
નાગરીકતા કાયદો(સીએએ) વિરૂદ્ધ દિલ્હીના શાહિનબાગમાં 101 દિવસ સુધી ચાલેલા આંદોલનનો ચહેરો બનેલા 8ર વર્ષના બિલ્કિસ બાનો તથા અભિનેતા આયુષ્યમાન ખુરાના, ભારતીય મૂળના અમેરિકી નેતા કમલા હેરિસ વગેરેને સ્થાન અપાયું છે. બિલ્કિસ બાનો શાહીનબાગના દાદી તરીકે પણ જાણીતા બન્યા છે. આંદોલન દરમિયાન તેઓ અડગ રહ્યા હતા. ટાઈમ મેગેઝીને તેઓને આઈકન ગણાવ્યા છે. આ યાદીમાં ગૂગલના સીઈઓ ભારતીય સુંદર પીચાઈ તથા એચઆઈવી પર સંશોધન કરનારા રવિન્દર ગુપ્તાને સ્થાન આપવામાં આવ્યું છે.
દુનિયાના 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં બે ડઝન જેટલા આગેવાનો રાજકીય ક્ષેત્રથી છે. જેમાં સામેલ મોદી એકમાત્ર ભારતીય નેતા છે. તેમ છતાં ટાઈમ મેગેઝીને મોદી વિરૂદ્ધ આકરી ટિપ્પણીઓ પણ કરી છે. મેગેઝીનના સંપાદક કાર્લ વિકે પીએમ મોદીની ભારોભાર ટીકા કરી છે. તેમણે મોદીને મુસ્લિમો વિરૂદ્ધ ગણાવવા સાથે કહ્યું કે ભારતના લગભગ તમામ વડાપ્રધાન 80 ટકા વસતીવાળા હિન્દુ સમુદાયથી જ હોય છે. તેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ભાજપ સરકારે ભારતમાં બહુલતાવાદને ખત્મ કરી નાખ્યો છે.
ટાઈમ મેગેઝીને લખ્યુ છે કે ખરેખર લોકતંત્ર માટે નિષ્પક્ષ ચૂંટણી મહત્ત્વની નથી. તેનાથી માત્ર એવું જાણવા મળે છે કે કોને સૌથી વધુ મત મળ્યા છે. વધુ મહત્ત્વનું તેમના અધિકાર છે જેમણે તેમને મત આપ્યા નથી. 7 દાયકાથી વધુ સમયથી દુનિયાના સૌથી વિશાળ લોકતંત્ર એવા ભારતની 130 કરોડની વસતીમાં ખ્રિસ્તી, મુસ્લિમ, જૈન, સિખ અને અન્ય ધર્મના લોકો સામેલ છે. ભારતમાં સૌ હળીમળીને રહે છે જેના વખાણ દલાઈ લામાએ સૌહાર્દ અને સ્થિરતાનું ઉદાહરણ આપી કર્યુ હતું.
લેખમાં વધુમાં કહ્યું છે કે નરેન્દ્ર મોદીએ આ તમામને સંદેહમાં મૂકી દીધા છે. મોદી સરકારે એ રીતે શાસન કર્યુ કે અન્યોની ચિંતા નથી. પહેલા સશક્તિકરણનું લોકપ્રિય વચન આપી ચૂંટાયા. તેમની હિંદુ અને રાષ્ટ્રવાદી ભારતીય જનતા પાર્ટીએ માત્ર ઉત્કૃષ્ટતા જ નહીં બહુલતાવાદને પણ ફગાવી દીધો. ખાસ કરીને ભારતના મુસલમાનોને ટાર્ગેટ કરવામાં આવ્યા. મહામારીનું સંકટ અસહમતિનું ગળું ઘોંટવાનું કારણ બની ગયું અને દુનિયાનું સૌથી જીવંત લોકતંત્ર અંધકારમાં ધકેલાઈ ગયું.
ઉલ્લેખનીય છે કે અગાઉ ર019માં ટાઈમ મેગેઝીને પીએમ મોદીને કવર પેજ પર સ્થાન આપી ભારતના ડિવાઈડર ઈન ચીફ ગણાવ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer