ગુંડાગીરી છોડો કાં ગુજરાત છોડો !

ગુંડાગીરી છોડો કાં ગુજરાત છોડો !
હવે ગુંડાઓની ખેર નથી 
વિધાનસભામાં ગુંડા અને અસામાજિક પ્રવૃત્તિ વિધેયક પસાર
અમદાવાદ, તા. 23: ગુજરાતમાં શાંતિ, સલામતિ અને સુલેહ જાળવી નાગરિકોને સુરક્ષા પૂરી પાડવા અને સમાજને છિન્નભિન્ન કરતા તેમજ નિર્દોષ નાગરિકોને રંજાડતા ગુંડાઓ તથા અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓને ડામવા માટે આજે વિધાનસભામાં ‘ધ ગુજરાત ગુંડા’ અને અસામાજિક પ્રવૃત્તિ (અટકાવવા બાબત) વિધેયક-2020 પસાર કરવામાં આવ્યું હતું.
ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપાસિંહ જાડેજાએ સરકારના સંકલ્પ સાથે ગુંડા તત્વોને ચિમકી ઉચ્ચારતા જણાવ્યુ હતું ગુજરાત શાંત, સલામત અને સમૃધ્ધ બની રહે, કોઇ ગુંડા તત્વો ગુજરાત સામે આંખ ઉંચી ન કરે, કે ગુજરાતની વિકાસયાત્રાને રુંધે કે રોકે નહિ તેવા આશય સાથે સરકાર આ વિધેયક લાવી છે. રાજ્યસરકાર ઇચ્છે છે કે આ કાયદા પછી ગુંડાગીરી છોડો અથવા ગુજરાત છોડો આ બે જ પરિસ્થિતિ રહેશે.
            જાડેજાએ ઉમેર્યું હતું કે,  રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સુચારૂ પરિસ્થિતિ જળવાઇ રહે અને ગુંડાઓના કૃત્યો જાહેર વ્યવસ્થાને ખલેલ ન પહોંચાડી શકે તેમજ હિંસા, ધમકી અને બળજબરી આચરીને કાયદાનું પાલન કરનાર નાગરિકોનું શોષણ કરતા ગુંડા તત્વોની અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે વૈધાનિક પગલું લેવાની ખાસ જરૂરી હતું. ગુંડા તત્વોની વ્યાખ્યામાં વ્યક્તિ અથવા જુથ દ્વારા હિંસાની ધમકી આપવી, ધાક ધમકી આપવી અથવા અન્ય રીતે જાહેર વ્યવસ્થાને નુકશાન પહોંચાડવાના ઉદ્દેશથી કામ કરતી અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી વ્યક્તિઓનો અને જુથોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ‘અસામાજિક પ્રવૃત્તિ’ની, વ્યાખ્યામાં ભયની લાગણી ફેલાવવી, સાર્વજનિક જાહેર આરોગ્ય તથા ઇકોલોજી સીસ્ટમની સલામતી માટે જોખમ ઉભું કરવુ વગેરે બાબત સામેલ છે. રાજ્યમાં નશાબંધી ધારો, કેફી ઔષધ ધારાની જોગવાઇનો ભંગ કરી દારૂ, માદક દ્રવ્યો, જોખમી ઔષધોનું સેવન કરવું, ઉત્પાદન કરવું, હેરાફેરી કરવી અથવા આયાત નિકાસ કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.
 જાડેજાએ ઉમેર્યું કે ગુંડા ધારાના કડક અમલ માટે રાજ્ય સરકારે સજા અને દંડની જોગવાઇ પણ કરી છે. જાહેર વ્યવસ્થા જાળવવામાં કોઇપણ રીતે બાધક બને તેવી પ્રવૃત્તિઓ કરતો હોવાનું જણાય, ત્યારે તેને 7 વર્ષથી ઓછી નહિ અને 10 વર્ષ સુધીની  કેદની અને 50 હજાર રૂપિયાથી ઓછો નહિ તેટલા દંડની શિક્ષાની જોગવાઇ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ગુંડા ધારા હેઠળ ગુનામાં જે સાક્ષી બનશે તેને પણ રાજ્ય સરકાર પુરેપુરૂ રક્ષણ આપશે. અને સાક્ષીની ઓળખ, સરનામું ગુપ્ત રાખવામાં આવશે. તદ્દઉપરાંત સાક્ષીઓના નામ અને સરનામાનો ઉલ્લેખ કરવામાં આવશે નહીં. તેના ઉલ્લંઘન બદલ જે તે વ્યક્તિને એક વર્ષ સુધીની કેદ અને 5000 રૂપિયા સુધીના દંડની જોગવાઇ કરાઇ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer