સીંગદાણાના બોગસ બિલીંગ કેસમાં જૂનાગઢના પ્રવીણ તન્નાની ધરપકડ

સીંગદાણાના બોગસ બિલીંગ કેસમાં જૂનાગઢના પ્રવીણ તન્નાની ધરપકડ
સરકારને કરોડોની જીએસટી ચોરીનો ચૂનો ચોપડયો
 
અમદાવાદ, તા. 23: તાજેતરમાં જૂનાગઢ, માણાવદર, કેશોદ, ધોરાજી, માંગરોળ વગેરે સ્થળોએ સીંગદાણાના રૂ. 304 કરોડના બોગસ બિલીંગમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અને ઘણા સમયથી નાસતા ફરતા શખ્સ પ્રવિણ તન્નાને રાજ્યના જીએસટી વિભાગે ઝડપી લીધો છે. આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા તેને એક દિવસના રિમાન્ડ આપ્યા છે.
 ઉલ્લેખનીય છે કે જૂનાગઢના સંજય બાલુભાઇ મશરૂની તા. 19.8.2020ના રોજ આ કેસમા ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે જ્યુડીશિયલ ક્સ્ટડીમાં છે. અગાઉ પ્રવિણ તન્નાને વિભાગ દ્વારા સમન્સ પણ ફટકારવામાં આવ્યું હતું.
જીએસટી દ્વારા સંકળાયેલી પેઢીઓના ઉપરોક્ત સ્થળો સહિત કુલ 35 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. તપાસની કાર્યવાહી દરમિયાન જાણવા મળ્યું હતું કે સંજય બાલુભાઇ મશરૂ અને પ્રવિણ ભગવાનજી તન્ના દ્વારા મજૂરી કામ તથા સામાન્ય નોકરીઓ કરતા આર્થિક રીતે જરૂરિયાતમંદ વ્યક્તિઓના દસ્તાવેજી પૂરાવાઓ મેળવી ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યોમાં જીએસટી નંબર મેળવવામાં આવ્યો હતો. તેમણે ગુજરાત ખાતે કુલ આઠ જીએસટી નંબર મેળવ્યા હતા. આ જીએસટી રજિસ્ટ્રેશનના આધારે અન્ય વેપારીઓ/પેઢીઓના માલ રવાના કરવા માટે ઇ-વે બીલ જનરેટ કરી આપીને માલ અન્ય રાજ્યોમાં મોકલ્યો હતો. આ રીતે કુલ રૂ. 304 કરોડના બોગસ વ્યવહારો કરીને રૂ. 15.21 કરોડની સરકારી વેરાકીય આવકને નુકસાન પહોંચાડયુ હતું.
વિભાગ દ્વારા બોગસ બિલીંગ તથા ટેક્સની ચોરી કરતા ઇસમો સામે પહેલેથી કડકાઇ ભરેલું વલણ અપનાવવામાં આવ્યુ છે. આ અંતર્ગત કુલ 50 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને લાભાર્થીઓ પાસેથી કુલ રૂ. 284 કરોડની વસૂલાત કરી છે.
પ્રવીણ તન્ના બે દાયકા પૂર્વે વેચાણવેરા કૌભાંડમાં પકડાયો હતો
જૂનાગઢ: મગફળી કોમોડીટી બોગસ બિલીંગ કૌભાંડમાં ઝડપાયેલ પ્રવિણ તન્ના બે દસકા પૂર્વે વેચાણવેરા કૌભાંડમાં ઝડપાયો હતો ત્યાર બાદ જીએસટી અમલી બનતા તેમના જમાઇ સંજય બાલુ મશરૂને સામેલ કરી બોગસ આઠ પેઢીઓ ઉભી કરી કરોડોની કરચોરી ઓળવી ગયેલ છે. જીએસટી તંત્ર દ્વારા ઝડપેલ પ્રવિણ તન્ના જૂનાગઢના તળાવ દરવાજો ઉષા કિરણ એપાર્ટમેન્ટમાં રહે છે અને આ કેસમાં અગાઉ ઝડપાયેલ તેનો જમાઇ સંજય મશરૂ આ ધંધામાં માલામાલ થઇ જતા સાસણમાં કિંમતી જમીન ખરીદી છે. ઉપરાંત જૂનાગઢ, માંગરોળ, કચ્છ, વેરાવળમાં બાયો ડીઝલના પંપો ધરાવે છે. સસરા અને જમાઇએ સરકારને છેતરવાનો ધંધો અપનાવ્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer