રાજકોટમાં એસિડ એટેક પ્રકરણમાં એકની ધરપકડ : બે સાગરીતો સકંજામાં

રાજકોટમાં એસિડ એટેક પ્રકરણમાં એકની ધરપકડ : બે સાગરીતો સકંજામાં

ફેસબૂકમાં કરવામાં આવેલી કોમેન્ટના ડખ્ખામાં રિક્ષાચાલક-મિત્ર પર એસીડ ફેંકાયું’તું
રાજકોટ, તા.ર3 : સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરવાના મામલે અગાઉ પણ મારામારી-અપહરણ સહિતના બનાવો પોલીસમાં નોંધાયા છે ત્યારે ફેસબૂક પર કોમેન્ટ કરવાના મામલે વધુ એક બનાવ એસીડ એટેક સુધી પહોંચ્યાનો કિસ્સો પોલીસમાં નોંધાયો હતો. દોઢેક વર્ષ પહેલા ફેસબૂક પર થયેલી કોમેન્ટના મામલે રિક્ષાચાલક અને તેના મિત્ર પર એસીડ એટેક કરવાના બનાવમાં પોલીસે મોરબીના મુસ્લિમ રિક્ષાચાલકની ધરપકડ કરી હતી અને અન્ય બે સાગરીતોને પણ સકંજામાં લઈ એસીડ એટેકનું સાચુ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ બનાવ અંગેની વિગત એવી છે કે કોઠારિયા સોલવન્ટમાં રસુલપરા મસ્જિદ પાસે રહેતા મહમદ ઉર્ફે અબલી ગુલમહમદ પલેજા નામના સંધી રિક્ષાચાલક અને તેના મિત્ર અફઝલ યુસુફ પઠાણ પર ત્રણ શખસોએ રિક્ષાભાડુ બાંધ્યા બાદ માંડાડુંગર પાસે પહોંચ્યા બાદ એક શખસે મહમદ ઉર્ફે અબલી પલેજા પર એસીડ એટેક કર્યો હતો અને તેને બચાવવા જતા મિત્ર અફઝલ પઠાણ પણ દાઝયો હતો અને બન્ને મિત્રોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ અંગેની જાણ થતા આજીડેમ પીઆઈ. વી.જે. ચાવડા તથા સ્ટાફ દોડી ગયો હતો અને હાથ ધરેલી તપાસમાં એસીડ એટેક કરનાર શખસે તેના મોબાઈલ નંબર આપ્યા હોય તે સંદર્ભે તપાસ હાથ ધરી હતી અને બનાવ સ્થળ નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ તપાસી મેળવ્યા હતા. દરમિયાન એસીડ એટેક કરનાર શખસની ઓળખ મળતા પોલીસ મોરબી પહોંચી હતી અને મોરબીમાં રેલવે સ્ટેશન પાછળ ખડીયા વિસ્તારમાં રહેતા નઈમ નુરમહમદ ચાનીયા નામના રિક્ષાચાલક અને અન્ય બે શખસોને ઝડપી લીધા હતા.
પોલીસે મોરબીના નઈમ ચાનીયાની આકરી પૂછતાછ કરતા ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી હતી. દોઢેક વર્ષ પહેલા ફેસબૂક પર ભિક્ષાવૃત્તિ મામલે મુકવામાં આવેલી પોસ્ટ પર ઈજાગ્રસ્ત મહમદ ઉર્ફે અબલી પઠાણે કોમેન્ટ કરી હોય તેની શોધખોળ શરૂ કરી હતી અને બાદમાં રિક્ષાનુ ભાડુ બાંધવાના બહાને બોલાવ્યો હતો અને એસીડ એટેક કરવામાં આવ્યો હતો. જો કે પોલીસને આ કારણ ગળે ઉતરતું ન હોય વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ નઈમ ચાનીયા સાથે પકડાયેલા અને કલરકામ કરતા બન્ને શખસોની પણ આકરી પૂછતાછ હાથ ધરવામાં આવી છે. જોકે હુમલાખોર અને ઈજાગ્રસ્ત એકબીજાને ઓળખતા પણ ન હોય  એસીડ એટેક પાછળનું કારણ પૈસા અથવા યુવતી હોવાની આશંકા પોલીસ દ્વારા વ્યકત કરવામાં આવી છે. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer