બેંક અને ફાયનાન્સ પેઢીમાં ચોરીનો પ્રયાસ કરનાર ચાપડી ઉંધિયાના ધંધાર્થી સહિત ચાર શખસ ઝડપાયાં

બેંક અને ફાયનાન્સ પેઢીમાં ચોરીનો પ્રયાસ કરનાર ચાપડી ઉંધિયાના ધંધાર્થી સહિત ચાર શખસ ઝડપાયાં
બીજા લગ્ન કરવા માટે પૈસાની જરૂર હોવાથી મોટો હાથ મારવા ગેંગ બનાવી’તી
રાજકોટ, તા. 22: સોરઠિયાવાડી સર્કલ પાસે બેંક અને મવડી ચોકડી પાસે ફાયનાન્સ પેઢીમાં ચોરીનો પ્રયાસ કરનાર ગેંગના ચાર  સાગરીતને પોલીસે ઝડપી લીધા હતાં. જયારે ઓરી અને મોઢુકા ગામના બે શખસને પકડી પાડવા તજવીજ ચાલે છે.
આ ચોરીના પ્રયાસ અંગે કોઠારિયા રોડ પર ઘનશ્યામનગરમાં રહેતાં અગાઉ ચાપડી ઉંધિયાનો ધંધો કરતાં અને હાલ કુરિયરમાં નોકરી કરતાં રવિ  કૌશિકભાઇ ચૌહાણ, જસદણના મોઢુકા ગામના અનિલ જયંતીભાઇ તાવિયા, રાહુલ રમેશભાઇ તાવિયા અને વીછિંયાના ઓરી ગામના વિશાલ કાબાભાઇ ધલવાણિયાને ઝડપી લીધા હતાં. જયારે મોઢુકાના સાહીલ રહીમભાઇ ઉર્ફે રમેશભાઇ લોહિયા અને ઓરીના દીપક બુધાભાઇ સરવૈયાને ઝડપી લેવા તજવીજ ચાલે છે. પકડાયેલા શખસો પાસેથી ગ્રાઇન્ડર મશીન, લોખંડની કોશ, છીણી અને બે બાઇક કબજે કરવામાં આવ્યા હતાં.
સોરઠિયાવાડી સર્કલ પાસે આવેલી બેંક ઓફ ઇન્ડિયામાં 14 દિવસ પહેલા તા. 8મીએ ચોરીનો પ્રયાસ થયો હતો. બેંકના બાથરૂમની બારી તોડીને અંદર ઘુસેલા તસ્કરોએ  સીસીટીવીના વાયરો કાપી નાખ્યા હતાં અને લોખંડની બે પેટી અને તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો. દસ દિવસ પહેલા મવડી ચોકડી પાસેના  ઇન્દ્રપ્રસ્થ બિલ્ડીંગમાં આવેલ મણીપુરમ (મન્નપુરમ) ફાયનાન્સ લીમીટેડ નામની પેઢીમાં ચોરીનો પ્રયાસ થયો હતો. કોઇ ગેંગ મોટો હાથ મારવાની ફીરાકમાં હોવાની શંકાના આધારે પોલીસે તપાસ સઘન બનાવી હતી. દરમિયાન કેટલાક શખસ એંસી ફુટના રોડ પર આવેલા ફિલ્ડ માર્શલ નામના કારખાનામાં ચોરી કરવાની તૈયારી કરી રહ્યાની અને આ શખસો એંસી ફુટના રોડ પર ઇંડાની રેંકડી પાસે એકત્ર થયાની ચોકકસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ  ઇન્સ. આર.વાય.રાવલ, સબ ઇન્સ. પી.એમ. ધાખડાના માર્ગદર્શન હેઠળ  કુલદીપસિંહ જાડેજા, નગીનભાઇ ડાંગર, અમીત અગ્રાવત, વિરેન્દ્રસિંહ ઝાલા, સંજય રૂપાપરા અને પ્રદીપસિંહની ટીમે ચોરીનો કારસો કરી રહેલા ચાર શખસને ઝડપી લીધા હતાં. આ શખસોએ તેના નામ રવિ ચૌહાણ, અનિલ તાવિયા, રાહુલ તાવિયા અને વિશાલ ધલવાણિયા હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી ગ્રાઇન્ડર મશીન, કોશ, છીણી વગેરે મળી આવ્યા હતાં.  ચોરીનો પ્રયાસ કરવા અંગે પકડાયેલા શખસો અંગે ક્રાઇમ બ્રાંચના એસીપી ડી.વી.બસિયાએ એવું જણાવ્યું હતું કે, રવિ ચૌહાણ અગાઉ એંસી ફૂટના રોડ પર શેઠ હાઇસ્કૂલ પાસે ચાપડી ઉંધિયાનો ધંધો કરતો હતો. તેની સામે ભાગે મોઢુકાનો અનિલ તાવિયા ચાનો ધંધો કરતો હતો. આથી બન્નેની ઓળખાણ થઇ હતી. બાદમાં ઓરી ગામના વિશાલ સાથે પરીચય થયો હતો. એ પછી તેની સાથે સાહીલ લોહિયા, દીપક સરવૈયા અને રાહુલ તાવિયા જોડાયા હતાં. રવિ ચૌહાણના એક લગ્ન તૂટી ગયા હતાં. આથી તેણે મધ્યપ્રદેશ જઇને કન્યા શોધીને લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું. આ માટે પૈસાની જરૂર હતી. આથી તેણે અનિલ અને વિશાલને વાત કરી હતી. આઠકે માસ પહેલા આ છ  શખસે પવનચક્કીના  વ્હીલ ચોરીને વેચવાનું નક્કી કર્યુ હતું. પણ રવિએ  નાની ચોરી કરવાના બદલે મોટી પેઢીમાં ચોરી કરીને  એક જ ચોરી કરવી તેમ જણાવ્યું હતું. આથી સોરઠિયાવાડી સર્કલ પાસે આવેલ બેંક ઓફ ઇન્ડિયાને નિશાન બનાવવાની નક્કી કરીને રેકી કરી હતી. બાદમાં બેંકના બાથરૂમની બારી તોડીને અંદર ઘુસ્યા હતાં. તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો પણ સફળતા મળી ન હતી. બાદમાં મવડી ચોકડીએ મણીપુરમ ફાયનાન્સને નિશાન બનાવીને પ્રયાસ કર્યો હતો પણ તિજોરી તૂટી ન હતી. અંતે ફિલ્ડ માર્શલને નિશાન બનાવવાનું નક્કી કરીને ભેગા થયાં હતાં. એ સમયે જ પોલીસે તેને ઝડપી લીધા હતાં.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer