શાસકોની જાણ બહાર જ વિપક્ષે ‘કોવિડ રથ’ને આપી લીલીઝંડી!

શાસકોની જાણ બહાર જ વિપક્ષે ‘કોવિડ રથ’ને આપી લીલીઝંડી!
‘કોંગ્રેસને પ્રસિદ્ધિની ભૂખ છે, કોર્પોરેશનનો કાર્યક્રમ જ ન હતો’ : મેયરની સ્પષ્ટતા
રાજકોટ, તા.22 : કોરોનાની મહામારી વચ્ચે મ્યુનિ.તંત્ર દ્વારા આજે વધુ એક આરોગ્ય રથને પ્રસ્થાન કરાવવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું પરંતુ સતત 3 કલાક સુધી પદાધિકારીઓ નજરે ન ચડતા અંતે વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ કોવિડ-19 વિજય રથને લીલીઝંડી આપીને રવાના કર્યો હતો.
શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે અને પોઝીટીવ કેસની સાથોસાથ મૃતાંક પણ વધી રહ્યો છે. લોકો આ મહામારીમાં ખોટી અફવાઓમાં ન પડે તેમજ સાવચેતી રાખે તેવા ઉમદ્દા આશય સાથે ભારત સરકારના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા કોરોના ઉપર વિજય મેળવવા માટે પ્રજાએ શું સાવચેતી રાખવી જોઈએ તેની માહિતી ગુજરાતના પ્રખ્યાત રંગલો-રંગલીના નાટક દ્વારા લોકો સુધી પહોંચી લોકોને કોરોનાથી ડરવું નહિ અને કોરોના સામે લડતા રહેવું તેવી માહિતી ગામેગામ પહોંચાડવા માટ આ રથ દ્વારા કાર્યક્રમો યોજાવાના છે.
દરમિયાન આજે ઁ સવારે 9 વાગ્યે કોવીડ-19 વિજય રથ મનપાની સેન્ટ્રલ ઝોન ખાતે આવ્યો હતો.ભાજપના પદાધિકારીઓ લીલીઝંડી આપવા માટે ન ફરકતા તેમજ રંગલા-રંગલી કાર્યક્રમ દીઠ નાણા ચૂકવવાના હોય તે અંગે પણ કોઈ લક્ષ ન લેવાતા અંતે વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાએ બપોરે 12 કલાકે કોવીડ-19 વિજય રથને લીલીઝંડી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. જો કે, આ અંગે મેયર બિનાબેન આચાર્યએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, કોર્પોરેશને રથના પ્રસ્થાન અંગેનો કોઈપણ કાર્યક્રમ આયોજિત કર્યો ન હતો. મનપાના આરોગ્ય રથો નિયમિત સેવામાં દોડી રહ્યાં છે જેમાં પ્રચાર-પ્રસાર કરવાનો કોઈ હેતુ પણ હોતો નથી છતાં વિપક્ષે આવો કાર્યક્રમ યોજીને પ્રસિદ્ધિની ભૂખ દેખાડી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer