કોરોનાના દર્દીઓ માટે પ્લાઝમા ઉપલબ્ધ કરાવવાની સેવા

કોરોનાના દર્દીઓ માટે પ્લાઝમા ઉપલબ્ધ કરાવવાની સેવા
દીકરાનું ઘર વૃધ્ધાશ્રમના સંચાલકોએ માનવજીંદગી બચાવવા સેવાની ધૂણી ધખાવી
રાજકોટ, તા. 22: (ફૂલછાબ ન્યુઝ) રંગીલું રાજકોટ ફક્ત મોજમજા કરવામાં જ નહીં પરંતુ લોકોની-જીવોની સેવા કરવામાં પણ હંમેશા અગ્રેસર રહ્યંy છે. જુદી જુદી મુશ્કેલ સ્થિતિમાં મદદરૂપ થાય તેવી સેવાઓ કરવાનું સ્વૈચ્છાએ બીડું ઝડપી તેને નિષ્ઠાપૂર્વક નિભાવતા સેવાભાવીઓએ સેવા કાર્યોમાં રાજકોટનું નામ અગ્રેસર રાખ્યું છે. હાલમાં કોરોના મહામારી વ્યાપી છે ત્યારે જીવનમરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીઓ માટે જડીબુટ્ટી સમાન પ્લાઝમા ઉપલબ્ધ કરાવી આપવાનો નિ:સ્વાર્થ સેવાયજ્ઞ માનવતાની સુવાસ ફેલાવી રહ્યો છે.
ઢોલરા ખાતે દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ ચલાવતા અનુપમભાઈ દોશી, મુકેશભાઈ દોશી, ઉપેન મોદી, કિરીટ આદ્રોજા, સુનિલ વોરા અને નલીન તન્નાની ટીમ દ્વારા આ અભિયાન 17 દિવસથી ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે અત્યાર સુધીમાં 21 દર્દીને પ્લાઝમાની વ્યવસ્થા કરી આપી છે. હાલમાં કેસો વધ્યા છે ત્યારે પ્લાઝમાની જરૂરીયાત પણ વધી છે.
મુકેશભાઈ દોશીએ જણાવ્યું હતું કે આજે જ એક જ હોસ્પિટલમાંથી 3થી વધુ વખત એક જ દર્દીને પ્લાઝમાની જરૂરીયાત હોવા અંગેના ફોન આવ્યા હતા. વાસ્તવમાં કોરોનાના દર્દીને એવા લોકો પ્લાઝમા દાન કરી શકે છે, જેઓ કોરોનામાંથી ર8 દિવસ પહેલા સાજા થઈ ગયા હોય. વળી એ પ્લાઝમા ડોનરનું બ્લડ ગ્રુપ દર્દીના બ્લડ ગ્રૃપ સાથે મેચ થતું હોવું જોઈએ. આ પ્રકારના ડોનર શોધવા એ દર્દીના સ્વજનો માટે સરળ હોતું નથી માટે અમે જરૂરીયાતમંદો માટે પ્લાઝમા ડોનરની વ્યવસ્થા કરી આપવાનું બીડું ઝડપ્યું છે.
આ માટે અમે કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓનો સંપર્ક સાધીએ છીએ અને તેમને પ્લાઝમા દાન કરવા સમજાવીએ છીએ. આ અનુરોધમાં મોટાભાગના લોકો સહયોગ આપે છે. હા, કેટલાક લોકોમાં ફરીથી સંક્રમણ થવાનો ડર પણ છે, માટે તેઓ આનાકાની કરે છે. ચોક્કસ બ્લડ ગ્રુપના દર્દીને પ્લાઝમાની જરૂરીયાત છે, તેવું જણાતા અમે સોશિયલ મીડિયામાં મેસેજ મુકીએ છીએ. ક્યારેક તો છેક અમદાવાદ, મહેસાણા, સુરતથી પણ પ્લાઝમા ડોનરના ફોન આવે છે. તેઓ ડોનેશન માટે ઈચ્છા વ્યક્ત કરે છે. ક્યારેક અમને આર્થિક અનુદાન માટે પણ દાતાઓ સામેથી ફોન કરે છે. અમે પ્લાઝમા ડોનરને શોધીને તેમને બ્લડ બેંક સુધી પહોંચાડીએ છીએ. માટે આ કામ માટે અમારે આર્થિક ખર્ચ થતો નથી.
તેમણે ઉમેર્યું હતું કે રાજકોટ શહેરમાં જ કોરોનામાંથી હજારો લોકો સાજા થયા છે. તેમાંથી થોડા દાતાઓ પણ પ્લાઝમા દાન કરવા આગળ આવે તો જુદા જુદા બ્લડગ્રુપના દર્દીઓની જીવનરેખા લંબાઈ જાય તેમ છે. ઝુંબેશના સ્વરૂપમાં પ્લાઝમા ઉપલબ્ધ કરાવનાર આ ટીમના તમામ સભ્યોએ પ્લાઝમા દાન કરવા લોકોને આગળ આવવા અપીલ કરી હતી.
વધુ વિગત માટે મુકેશભાઈ દોશીને ફોન નં. 98250 77725 પર સંપર્ક કરવા જણાવ્યું છે.
ખાનગી હોસ્પિટલોની ઉઘાડી લૂંટ
કોરોના મહામારીમાં જ્યારે સેવાભાવી લોકોએ સેવા કરવાનું યોગ્ય સમજ્યું છે ત્યારે જેમના હાથમા દર્દીઓને સાજા કરીને દર્દી અને તેમના સ્વજનોની દુઆ મેળવવાની અને ઈશ્વરના આશીર્વાદ મેળવવાની તક છે તેવી કેટલીક ખાનગી કોવિડ હોસ્પિટલોએ સારવારના નામે ઉઘાડી લૂંટ ચલાવી હોવાનુ ચર્ચાઈ રહ્યંy છે. તપાસ કરતા માલુમ પડે છે કે પ્લાઝમાના એક યુનિટ આપવા બદલ બ્લડ બેંકો 12 હજારથી 15 હજાર રૂપિયા વસુલે છે. શક્તિશાળી વર્ગ પોતાની રીતે પ્લાઝમા અને અન્ય દવાની વ્યવસ્થા કરી લે છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા ગરીબ દર્દીને પ્લાઝમા સહિતની આવશ્યકતા માટે ભારે હેરાનગતિ ભોગવવી પડે છે. પૈસાદાર હોવું એ ગુનો હોય એમ કેટલીક ખાનગી હોસ્પિટલોમાં તો ધનવાન દર્દીના ખિસ્સા પર કાતર ચલાવાઈ રહી છે. ખાનગી હોસ્પિટલોમાં જુદા જુદા ચાર્જ  અને ખર્ચના નામે દરરોજ સવારે દર્દીના સગાને 50 હજાર-1 લાખ રૂપિયા જમા કરાવવાનું કહેવામાં આવે છે. સરકારે નિયંત્રિત કરેલા ચાર્જનું કોઈ અસ્તિત્વ ન હોય તેવો ઘાટ ઘડાય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer