ધસમસતો કોરોના-થરથરતું સૌરાષ્ટ્ર: વધુ 458 કેસ

ધસમસતો કોરોના-થરથરતું સૌરાષ્ટ્ર: વધુ 458 કેસ
 સૌરાષ્ટ્રના પાટનગર અને જામનગર વચ્ચે કોરોનાની ભૂંડી હરિફાઈ: રાજકોટમાં વધુ 150-જામનગરમાં 1ર0 કેસ
 
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા. 22 : કોરોના સંદર્ભે સારવાર અને દવાઓ ઉપલબ્ધ થઈ રહી છે. બીજી તરફ કોરોના રોગચાળો પોતાનો વ્યાપ સતત વધારી રહ્યો છે. જેથી પહેલા કરતા સારવાર સુવિધા સારી રીતે ઉપલબ્ધ થઈ હોવા છતાં કોરોનાના કહેરમાંથી લેશમાત્ર રાહત મળી નથી તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે. સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ હવે સૌરાષ્ટ્રમાં કોરોનાનું પણ પાટનગર બની ગયું હોય એમ છેલ્લા કેટલાક દિવસથી રોજ એકસો કરતા વધુ કેસ આવી રહ્યા છે. આજે એક જ દિવસમાં 1પ0 કેસ નોંધાતા ખળભળાટ મચ્યો છે. આ સાથે સૌરાષ્ટ્રમાં વધુ 458 કેસ નોંધાયા છે.
રાજકોટ: રાજકોટ મહાનગર પાલિકા વિસ્તારમાં આજે એક દિવસમાં 10પ અને ગ્રામ્યમાં 4પ મળી 1પ0 કેસ નોંધાયા હતા. જ્યારે 19થી વધુના મૃત્યુ નિપજ્યા હતા. શહેરી તંત્ર માસ્ક નહીં પહેરનાર પર, ટોળે વળતા લોકો પર કાયદાનો દંડ ઉગામે છે પરંતુ હકિકત એ છે કે આ તમામ પ્રયાસો કોરોનાને જાકારો આપવામાં નિષ્ફળ નિવડયા છે. નોડલ ઓફિસર ડો. રાહુલ ગુપ્તાના કહેવા મુજબ રાજકોટમાં કોરોના ટોચ પર આવી ગયા બાદ હવે કેસો અને અસર બન્ને ઘટવા લાગ્યા છે. પરંતુ વાસ્તવમાં તેવું જોવા મળતું નથી.
જામનગર: સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ સાથે કોરોનાના કેસ વધવા મામલે જામનગર નાદુરસ્ત હરિફાઈમાં ઉતર્યું હોય તેમ છેલ્લા ર4 કલાક દરમિયાન વધુ 123 કેસ અને 20 મૃત્યુ નોંધાયા છે. હાલ 258 દર્દી સારવારમાં છે જેમાંથી 10ની હાલત ગંભીર છે. 87 વર્ષના વૃધ્ધા ભગવતીબેન ત્રિવેદીએ 21 દિવસ આઈસોલેશનમાં રહ્યા બાદ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે 130 દર્દી સાજા થતા રજા
અપાઈ છે.
વેરાવળ: ગીર સોમનાથ જિલ્લાના પાંચ તાલુકામાંથી કોરોનાના 14 કેસ આવતા કુલ કેસનો આંક 1333 પર પહોંચેલ છે.
જેમાં વેરાવળના-3, સુત્રાપાડાના-2, કોડીનારના-4, ઉનાના-3, તાલાલાના-2 મળી કુલ 14 પોઝિટિવ દર્દીઓ આવેલ છે. જ્યારે 10 દર્દીને રજા અપાઇ છે.
જામખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આંકડો-703 પહોંચ્યો હતો. ખંભાળિયામાં-3, કલ્યાણપુરમાં-4, દ્વારકામાં-1, ભાણવડમાં -4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ જિલ્લામાં વધુ 24 દર્દીઓની તબિયત સારી થતા તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.
ભાવનગર : ભાવનગર જિલ્લામાં આજરોજ 47 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 3,871 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 26 પુરૂષ અને 8 ત્રી મળી કુલ 34 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ગારીયાધાર ખાતે 1, ઘોઘા ખાતે 1, મહુવા ખાતે 1, મહુવા તાલુકાના ઓથા ગામ ખાતે 1, પાલીતાણા ખાતે 3, સિહોર તાલુકાના મોટા સુરકા ગામ ખાતે 1, તળાજા ખાતે 2 તેમજ તળાજા તાલુકાના પીપરાળા ગામ ખાતે 1 કેસ મળી કુલ 13 લોકોના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે. જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારનાં 31 અને તાલુકાઓના 16 એમ કુલ 47 કોરોના પોઝીટીવ દર્દી કોરોના મુકત થતાં તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.
પોરબંદર: પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ બે દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે જ્યારે 3 પોઝિટિવ જાહેર થયા છે. પોરબંદર શહેરમાંથી અન્ય જિલ્લામાં કોરોનાની સારવાર માટે ગયેલ એક દર્દીનું મૃત્યુ નિપજ્યું હતુ. જ્યારે પોરબંદર શહેરમાં જ કોરોનાની સારવાર લઈ રહેલ એક દર્દીનું પણ મૃત્યુ નિપજતા કુલ મૃત્યુઆંક બે થયો હતો. છેલ્લા 24 કલાકમાં પોરબંદર જિલ્લામાં કોરોનાના 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં છાંયાની 39 વર્ષીય મહિલા, વૃજભુવન સોસાયટીનો 30 વર્ષીય યુવાન અને કડછનો 26 વર્ષીય યુવાન કોરોના પોઝિટિવ આવતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના 35 કેસ નોંધાયા છે. તેમાં જૂનાગઢ 18, જૂનાગઢ ગ્રામ્ય અને માળિયા 3-3, વિસાવદરમાં 2, ભેંસાણ, માણાવદર, મેંદરડા, માંગરોળ અને વંથલી 1-1 કેસ નોંધાયા છે. જ્યારે આજે 49 લોકો કોરોના મુક્ત થયા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer