મોરબીમાં પાંચ વર્ષની માસુમ બાળા પર પાડોશી શખસે ગુજાર્યુ દુષ્કર્મ

મોરબીમાં પાંચ વર્ષની માસુમ બાળા પર પાડોશી શખસે ગુજાર્યુ દુષ્કર્મ
મંદિરે આરતીમાં અને પ્રસાદ લેવા ગયેલી બાળાને ઉઠાવી જઇને વાસનાનો શિકાર બનાવનાર પરપ્રાંતિય શખસની અટકાયત
 
(ફૂલછાબ ન્યુઝ)
મોરબી, તા. 22: મોરબીમાં પાંચ વર્ષની માસુમ બાળા પર દુષ્કર્મની ઘટના બની હતી. બાળા મંદિરે આરતીમાં અને પ્રસાદ લેવા ગઇ હતી. ત્યારે તેને ઉઠાવી જઇને હવસનો શિકાર બનાવનાર પાડોશી શખસ રવિ પરમસુખભાઇ બંધેલની પોલીસે અટકાયત કરી હતી.
અહીંના સામાકાંઠા વિસ્તારમાં રહેતાં પરિવારની પાંચ વર્ષની માસુમ બાળા રમતી રમતી ઘર પાસે આવેલ મંદિરે આરતીમાં ગઇ હતી. પ્રસાદ લઇને તે ઘેર પરત આવી ન હતી. આથી તેની માતા તેને શોધવા નિકળી હતી. બાળા ઘર નજીકથી લોહીલોહાણ હાલતમાં મળી આવી હતી. બાળાની માતાને જોઇને પાડોશમાં રહેતો મૂળ મધ્યપ્રદેશનો રવિ પરમસુખભાઇ બંધેલ નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત બાળાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં તેની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પાંચ વર્ષની માસુમ બાળા પર દુષ્કર્મ આચરવામાં આવ્યાનું બહાર આવ્યું હતું. આ બનાવની જાણ થતાં ડીવાયએસપી રાધિકા ભારાઇ, બી ડિવીઝન પોલીસ મથકના પીઆઇ આઇ.એમ. કોઢિયા સહિતનો સ્ટાફ બનાવ સ્થળે પહોંચી ગયો હતો. ભોગ બનનાર બાળાના પિતાની ફરિયાદ પરથી ગુનો નોંધવામાં આવ્યો હતો. બાળા પર દુષ્કર્મ આચરીને નાસી ગયેલા પાડોશી રવિ પરમસુખભાઇ બંધેલને પોલીસે ઝડપી લીધો હતો. તેનો કોવીડ ટેસ્ટ કરાવાયો હતો. તેનો રિપોર્ટ આવ્યા બાદ ધરપકડની કાર્યવાહી કરાશે તેમ જણાવાય છે. હાલમાં બાળાની હાલત સ્થિર હોવાનું પીઆઇ કોઢિયાએ જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer