સહકારી બેન્કો પણ હવે RBIની દેખરેખમાં

સહકારી બેન્કો પણ હવે RBIની દેખરેખમાં
બેન્કિંગ રેગ્યુલેશન બિલ રાજ્યસભામાં પસાર: રાષ્ટ્રપતિનાં હસ્તાક્ષર સાથે કાયદો બનશે
નવીદિલ્હી, તા.22: લોકસભા બાદ રાજ્યસભાએ પણ આજે બેન્કિંગ રેગ્યુલેશન બિલ 2020 માટે પણ મંજૂરી આપી દીધી હતી. આ નવા કાયદા હેઠળ દેશભરની તમામ સહકારી બેંકો પણ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની દેખરેખ હેઠળ કામ કરશે. આ ખરડાને હવે કાયદાનું રૂપ આપવા માટે રાષ્ટ્રપતિને સહી માટે મોકલવામાં આવશે. આ બિલને લોકસભા દ્વારા ગયા અઠવાડિયે જ મંજૂર કરાયું હતું.
રાજ્યસભામાં આ ખરડો પસાર થયા પછી નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું હતું કે થાપણદારોના હિતોની રક્ષા માટે આ બિલમાં આ સુધારો લાવવામાં આવ્યો છે. હવે દેશની તમામ સહકારી બેંકો આરબીઆઈનાં નિયમન હેઠળ રહેશે, જેથી પીએમસી બેંક જેવા કૌભાંડો ન થાય. વાસ્તવમાં, દેશમાં સહકારી બેંકોની સતત કથળતી આર્થિક સ્થિતિ અને કૌભાંડો સામે આવ્યા પછી કેન્દ્ર સરકારે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 માં સુધારો કરવાનો નિર્ણય લીધો હતો. સહકારી બેંકોને રિઝર્વ બેંક હેઠળ લાવવા કેન્દ્ર સરકારે જૂનમાં વટહુકમ બહાર પાડયો હતો.
બેન્કિંગ રેગ્યુલેશન બિલ હેઠળ હવે દેશની તમામ સહકારી બેંકોના નિયમો અને કાયદાઓ વ્યવસાયિક બેન્કો જેવા જ રહેશે. અગાઉ સહકારી બેંક સહકારી મંડળના નિયમો હેઠળ ચાલતી હતી પરંતુ હવે આ બેંકો સંપૂર્ણપણે આરબીઆઈના દાયરામાં આવશે. હવે 1,482 શહેરી અને 58 બહુરાજ્ય સહકારી મંડળ આરબીઆઈના નિયંત્રણમાં આવશે. આ કાયદો લાગુ થયા પછી, આરબીઆઈ પાસે કોઈપણ સહકારી બેંકના પુનર્ગઠન અથવા મર્જરનો નિર્ણય લેવાની સત્તા રહેશે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer