સેમસન, સ્મિથ અને આર્ચરની આતશી બેટિંગથી રાજસ્થાને 216 રન ખડક્યાં

સેમસન, સ્મિથ અને આર્ચરની આતશી બેટિંગથી રાજસ્થાને 216 રન ખડક્યાં
ચેન્નાઇના  બોલરોની ધોલાઇ: આર્ચરે આખરી ઓવરમાં 4 છક્કાથી 30 રન ઝૂડયા
શારજાહ તા.22: સંજૂ સેમસનના 9 છકકાથી આતશી 74 રન, સ્મિથની 4 છકકાથી આક્રમક 69 રનની કેપ્ટન ઇનિંગ અને છેલ્લે જોફ્રા આર્ચરના 4 છકકાથી માત્ર 8 દડામાં 27 રનથી રાજસ્થાન રોયલ્સે ચેન્નાઇના બોલરોની ધોલાઇ કરીને 20 ઓવરમાં 7 વિકેટે 216 રનનો જંગી સ્કોર ખડકયો હતો. આર્ચરે આખરી ઓવરમાં સીએસકેના બોલર એન્ડીગીની ધોલાઇ કરીને 4 છકકાથી 30 રન ઝૂડી નાંખ્યા હતા. આથી ધોનીની ટીમને જીત માટે 217 રનનું મુશ્કેલ વિજય લક્ષ્યાંક મળ્યું હતું.
રાજસ્થાનના વિકેટકીપર-બેટસમેન સંજૂ સેમસને શારજાહની બેટિંગ વિકેટ અને ટૂંકા મેદાનનો ભરપૂર લાભ લઇને ચેન્નાઇ સુપર કિંગ્સના બોલરોની ધોલાઇ કરીને માત્ર 32 દડામાં 74 રનની આતશી ઇનિંગ રમી હતી. સેમસને આ દરમિયાન 9 ગગનચુંબી છક્કા ફટકાર્યાં હતા. ખાસ કરીને સીએસકેના સ્પિનર્સ પીયૂષ ચાવલા અને રવીન્દ્ર જાડેજાને નિશાન બનાવીને સેમસને રનનું રમખાણ સજર્યું હતું. તેણે ચાવલાની એક ઓવરમાં 3 છકકાથી 28 રન ઝૂડીને સીએસકેના સુકાની ધોનીને મૂંઝાવી દીધો હતો. સેમસને તેની અર્ધસદી માત્ર 19 દડામાં જ પૂરી કરી હતી. આ પછી તે અંગત 74 રને એન્ડીગીના દડામાં દીપક ચહરના હાથે કેચ આઉટ થયો હતો. સેમસન અને રાજસ્થાન રોયલ્સના સુકાની સ્ટીવન સ્મિથ વચ્ચે બીજી વિકેટમાં પ7 દડામાં 121 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. જયારે સુકાની સ્મિથે પણ આક્રમક બેટિંગ કરીને 47 દડામાં 4 ચોકકા-4 છકકાથી 69 રન કર્યાં હતા. જો કે રાજસ્થાનના અન્ય ટોચના બેટધરો નિષ્ફળ રહયા હતા. ચેન્નાઇ તરફથી સેમ કરને 33 રનમાં 3 વિકેટ લીધી હતી. એન્ડીગીએ પ6 રનમાં 1, ચાવલાએ પપ રનમાં 1 અને જાડેજાએ 40 રનમાં 1 વિકેટ લીધી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer