જેતપુરની અપહૃત યુવતીને શોધી આપવા માવતરની કાકલૂદી

 લવજેહાદ જેવા આ કિસ્સામાં લગ્ન નહીં થઇ શકતા યુવતી સાથે મૈત્રીકરાર  કર્યો : યુવતી ઘરમાંથી બે લાખની મતા લઇ ગઇ : વેચી નાખવાની દહેશત
જેતપુર, તા. 22: જેતપુરમાં લવ જેહાદ જેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. 22 વર્ષની યુવતીને ઇરફાન યુનુસખાન પઠાણ નામનો શખસ ભગાડી ગયો છે. આ યુવતીને શોધી આપવા માટે તેના માતા-પિતાએ પોલીસ પાસે હાથ જોડીને કાકલુદી કરી છે.
રાજેશ્વરી સોસાયટીમાં રહેતી 22 વર્ષની ચાંદની નામની યુવતીને  જાગૃતિનગરમાં રહેતો ઇરફાન યુનુસખાન પઠાણ નામનો શખસ અપહરણ કરી ગયો હતો. આંતરધર્મ લગ્ન માટે  સ્પેશ્યલ મેરેજ એકટ બનાવવામાં આવ્યો છે. તેમાં લગ્ન માટે કલેકટરની પૂર્વ મંજુરી લેવી પડે છે. ચાંદની નામની યુવતીને ભગાડી જનાર ઇરફાને લગ્ન માટે કલેકટરમાં અરજી કરી હતી. પરંતુ તેની જાણ થતાં યુવતીના પિતાએ  વાંધો લીધો હતો. આથી લગ્ન શકય બન્યા ન હતાં.
એ પછી ઇરફાન તા. 15મીએ યુવતીને ભગાડી ગયો હતો અને મૈત્રી કરાર કરી લીધા હતાં. આ અંગે યુવતીના માતા-પિતાએ જિલ્લા પોલીસ વડાને લેખીત અને મૌખિક કાકલુદી સાથે એવી રજૂઆત કરી હતી કે, અમારી દીકરીને શોધી આપો. અમારી પુત્રી ઘરેથી કપડાં, મોબાઇલ ફોન, સોનાનો ચેઇન, બુટી, વીંટી અને રૂ. 21 હજારની રોકડ રકમ મળી કુલ રૂ. બે લાખ જેવી મતા લઇ ગઇ છે. આ દાગીના અને પૈસા વપરાય જશે એ પછી તેની પુત્રીને  પણ વેચી નાખશે તેવી દહેશત હોવાથી પુત્રીને બચાવી લેવા કાકલુદી કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer