કેશોદમાં લાખો રૂપિયાના વિદેશી દારૂ પર બુલડોઝર ફર્યુ

કેશોદમાં લાખો રૂપિયાના વિદેશી દારૂ પર બુલડોઝર ફર્યુ
કેશોદ: જૂનાગઢ જિલ્લાના કેશોદ અને શીલ પો.સ્ટે. વિસ્તારમાંથી ઝડપાયેલ  લાખો રૂપિયાના વિદેશી દારૂ પર કેશોદના ભરડીયા વિસ્તારની ખુલ્લી જગ્યામાં બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ કાર્યવાહી દરમિયાન પોલીસ અધિકારીઓ, પ્રાંત અધિકારી, નશાબંધી અધિકારી સહિતના હાજર રહ્યાં હતાં.
કેશોદ અને શીલ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં જુદા જુદા વિસ્તારોમાં પોલીસે દરોડા પાડી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો અલગ અલગ સમયે ઝડપી પાડી સીઝ કર્યો હતો. જેમાં કેશોદ અને શીલ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ વિદેશી દારૂની કિંમત રૂ. 74 લાખ 6 હજાર 300 જેટલી થવા જાય છે. વિદેશી દારૂની જુદી જુદી કંપનીની કુલ દારૂ બિયર બોટલ 19,245 અને કિંમત રૂ. 7,46,300નો મુદ્દામાલ એકઠો કરી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના તળે વિભાગીય પોલીસ અધિકારી, પ્રાંત અધિકારી તેમજ કેશોદ  શીલ પોલીસ સ્ટાફ ડીવાયએસપી, મામલતદાર, નશાબંધી વિભાગના અધિકારીઓની હાજરીમાં  બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેશોદ શીલ સહિતના વિસ્તારોમાં વિદેશી દારૂનો ધમધમતો વેપલો ચાલી રહ્યાનું લોકચર્ચામાં આવ્યું છે. છાશવારે મસમોટો દારૂનો જથ્થો પોલીસ ઝડપી રહી છે ત્યારે આજે છેલ્લા થોડા સમય દરમિયાન ઝડપાયેલ લાખોના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી તે વેળાએ લોકો ઉમટી પડયાં હતાં.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer