કેશોદમાં સુલભ શૌચાલય બન્યા અસામાજિકોનો અડ્ડો

કેશોદમાં સુલભ શૌચાલય બન્યા અસામાજિકોનો અડ્ડો
ઉપયોગના અભાવે ખંડેર બની ગયા છે ત્યારે તોડી પાડવા હિતરક્ષક સમિતિની રજૂઆત
કેશોદ: કેશોદ નગરપાલિકા વિસ્તારમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારાં સ્વચ્છતા જાળવવા અને જાહેરમાં શૌચક્રિયા ન કરે એવાં હેતુથી વિવિધ યોજનાઓ અમલમાં લાવી નગરપાલિકા વિસ્તારમાં સુલભ શૌચાલય બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવી હતી. કેશોદ નગરપાલિકા દ્વારા પણ જુદા-જુદા વિસ્તારોમાં સુલભ શૌચાલય બનાવ્યાં હતાં. જેમાંથી અમુક વિસ્તારોમાં આશીર્વાદરૂપ સાબિત થયાં હતાં ત્યારે અમુક વિસ્તારોમાં વપરાશમાં ન આવતાં સમયાંતરે બારી દરવાજા અને સેનેટરીનો માલસામાન ચોરાઈ જતાં ખંડેરો બની ગયાં છે.
આવાં સુલભ શૌચાલય ખંડેરો બની જતાં લુખ્ખાઓ દ્વારા ગેરકાનૂની પ્રવૃતિઓ કરવા ઉપયોગમાં લેતાં ગુનાખોરીનાં અડ્ડા બની ગયાં છે. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા દ્વારા લેખિતમાં રજૂઆત કરી નગરપાલિકા વિસ્તારમાં આવેલા જર્જરિત શૌચાલય દૂર કરવા જરૂરી હુકમ કરવા માંગ કરવામાં આવી  છે. કેશોદ શહેરમાં પસાર થતાં ઉતાવળીયો નદી અને ટીલોળી નદીનાં કાંઠે બાંધવામાં આવેલાં સુલભ શૌચાલય ખંડેરો બની ગયાં છે.
ચોમાસામાં પુર આવતાં માટીનું પુરાણ ધોવાઈ જતાં બાંધકામનાં પાયાને પણ નુકસાન થયું છે. કેશોદમાં નદી કિનારે જાહેર માર્ગો પર બાંધવામાં આવેલાં સુલભ શૌચાલય ખંડેર અને જર્જરિત હાલતમાં હોય ગમે ત્યારે પડવાથી અકસ્માત થવાની સંભાવનાઓ રહેલી હોય નિર્દોષ રાહદારીઓ અકસ્માતનો ભોગ બને એ પહેલાં હકારાત્મક અભિગમ અપનાવીને દૂર કરવા માંગ કરી છે.
સરકાર દ્વારા ઘરે ઘરે શૌચાલય બનાવવા માટે આપેલી સહાયથી લગભગ દરેક ઘરે શૌચાલય બની ગયેલાં છે ,ત્યારે જાહેર સ્થળો સીવાયના અન્ય સ્થળોએ આવેલા સુલભ શૌચાલય ખંડેરો બની ગેરકાયદેસર પ્રવૃતિઓ માટે લુખ્ખાઓનાં અડ્ડા બની ગયાં છે. આસપાસના રહેણાંક વિસ્તારનાં રહીશો  અને રાહદારીઓ માટે લુખ્ખાઓનો ત્રાસ અસહ્ય બની ગયો છે. કેશોદ નાયબ કલેકટર, મામલતદાર અને ચીફ ઓફિસર દ્વારા કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાની રજૂઆત ધ્યાને લઈને સત્વરે કાર્યવાહી કરવામાં આવશે કે લુખ્ખાઓને પ્રોત્સાહન આપવામાં આવશે એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે.
રાજુભાઈએ વધુમાં જણાવ્યું છે કે શહેરમાં સુલભ શૈચાલયની જરૂર છે જેવા કે માંગરોળ રોડ, વેરાવળ રોડ, જૂનાગઢ રોડ ઉપર આવેલા પૂલીયા ઉપર થયેલ પેશકદમી દૂર કરી ત્યાં શૈચાલય બનાવવામાં આવે તો લોકો માટે આશીર્વાદ રૂપ બની રહેશે. આ ઉપરાંત આંબાવાડી કાપડબજારમાં યોગ્ય જગ્યાએ બનાવવામાં આવે તો અત્યંત ઉપયોગી સાબિત થઇ રહેશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer