ત્રણ માગણી સાથે સંસદનો બહિષ્કાર કરતો વિપક્ષ

ત્રણ માગણી સાથે સંસદનો બહિષ્કાર કરતો વિપક્ષ
-આખી રાત સંસદનાં પટાંગણમાં સૂતેલા સાંસદોએ સવારે રાજ્યસભાના ઉપસભાપતિના હાથે ચા પણ ન સ્વીકારી: હરિવંશે પણ એક દિવસનો ઉપવાસ કર્યો: શરદ પવારે પણ સસ્પેન્ડેડ સાંસદોનાં ટેકામાં ઉપવાસની જાહેરાત કરી: સરકારે સસ્પેન્શન પાછું ખેંચવા માફી માગવાની શરત રાખી
 
 
નવી દિલ્હી, તા.22: સંસદનું ચોમાસુ સત્ર બુધવારે સમાપ્ત થવાનું છે પણ તે સરકાર અને વિપક્ષ વચ્ચે ભારે કડવાશ વચ્ચે પૂર્ણ થાય તેવું લાગે છે. કારણ કે શાસક અને વિપક્ષ બન્ને પોતપોતાનાં અભિગમમાં અડગ છે. સંગઠિત વિપક્ષે રાજ્યસભા બાદ લોકસભાનો પણ બહિષ્કાર કરી નાખ્યો હતો અને ત્રણ માગણીઓ પૂરી કરવામાં ન આવે ત્યાં સુધી સંસદની કાર્યવાહીમાં ભાગ નહીં લેવાની ચિમકી ઉચ્ચારી હતી. આ સાથે રાજ્યસભામાં હોબાળો મચાવનાર આઠ સાંસદોનું સસ્પેન્શન પણ પાછું ખેંચવાની માગણી ઉઠાવવામાં આવી હતી. સામે પક્ષે સરકારે પણ આઠેય સાંસદો માફી માગે તો સસ્પેન્શન પાછું ખેંચવા વિચારણાની શરત રાખી હતી. સસ્પેન્ડ થયેલા સાંસદો ગઈકાલની સંસદના પ્રાંગણમાં જ વિતાવ્યા બાદ આજે 11.30 કલાક સુધી સંસદનાં પટાંગણમાં જ ધરણા ઉપર બેસી રહ્યા હતાં. તો એનસીપીનાં વડા શરદ પવાર પણ સસ્પેન્ડેડ સાંસદોનાં સમર્થનમાં ઉપવાસ ઉપર ઉતરી ગયા હતાં. સામે પક્ષે રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશે પણ આવતીકાલ સુધી એક દિવસના ઉપવાસની જાહેરાત કરીને વિપક્ષી આક્રમણ સામે સંતાપ વ્યક્ત કર્યો હતો.
આઠ સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવાની વિપક્ષની માગણીને ફગાવતા રાજ્યસભાનાં સભાપતિ એમ.વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે, જે કાર્યવાહી કરવામાં આવી તે સદસ્યોનાં દુર્વ્યવહાર સામે કરવામાં આવી છે અને તેમાં વ્યક્તિગત દ્વેષ નથી.
હરિવંશ આજે સંસદભવનનાં પ્રાંગણમાં ધરણા ઉપર બેઠેલા આઠ રાજ્યસભા સદસ્યોને સવારે ચા પીવડાવવા માટે પહોંચ્યા હતાં પણ પ્રદર્શનકારી સાંસદોએ તેમને કિસાન વિરોધી ગણાવીને ચાનો અસ્વીકાર કરી નાખ્યો હતો. ત્યારબાદ હરિવંશે પણ એક દિવસનાં ઉપવાસની જાહેરાત કરી દીધી હતી. તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને એક પત્ર લખ્યો હતો અને ગૃહમાં વિપક્ષનાં હુમલાની પીડા વ્યક્ત કરીને એક દિવસના ઉપવાસ કરશે તેવું જણાવ્યું હતું. તેમનાં આ પત્રની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રશંસા કરી હતી. આ સાથે જ સાંસદોએ ચા સ્વીકારવાનો ઈન્કાર કરીને હરિવંશનું અપમાન કર્યુ હોવાનું કહીને તેમને સમર્થન આપ્યું હતું.
આજે સતત ત્રીજા દિવસે રાજ્યસભામાં ભારે હંગામો અને નાટકીય ઘટનાક્રમો બન્યા હતાં. જેમાં કોંગ્રેસનાં નેતા ગુલામ નબી આઝાદે જાહેર કર્યુ હતું કે જ્યાં સુધી ત્રણ મુખ્ય માગણીઓ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી વિપક્ષો દ્વારા રાજ્યસભાની કાર્યવાહીનો બહિષ્કાર કરવામાં આવશે. ત્યારબાદ કોંગ્રેસની આગેવાનીમાં અનેક વિપક્ષી સદસ્યો રાજ્યસભામાંથી ગૃહત્યાગ કરી ગયા હતાં. સૌપ્રથમ કોંગ્રેસ અને ત્યારબાદ આમઆદમી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ અને ડાબેરી દળોનાં સદસ્યોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યો હતો. રાજ્યસભા બાદ લોકસભામાંથી પણ વિપક્ષે વોકઆઉટ કર્યુ હતું. જો કે બસપા, ટીઆરએસ અને બીજેડી તેમાં જોડાયા નહોતાં. વિપક્ષી સદસ્યોએ સ્પીકરને મળીને સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવાની માગણી પણ કરી હતી.
વિપક્ષ તરફથી જે ત્રણ માગણીઓ મૂકવામાં આવી છે તેમાં ખાનગી પેઢીઓ સરકારે નક્કી કરેલા ટેકાનાં ભાવથી ઓછા મૂલ્યે ખરીદી નહીં કરી શકે તેવા ખરડો લાવવાની માગણીનો સમાવેશ થાય છે. બીજી માગણી ટેકાનો ભાવ સ્વામીનાથન સમિતિની ભલામણના આધારે કરવાની અને ત્રીજી માગ ફૂડ કોર્પોરેશન ટેકાના ભાવે ખરીદી કરે તેવી છે.
----------
કૃષિ સંબંધિત ત્રીજો ખરડો પણ રાજ્યસભામાં પસાર
નવી દિલ્હી, તા.22: દેશનાં કિસાનો સંબંધિત આવશ્યક વસ્તુ વિધેયક 2020ને પણ આજે રાજ્યસભામાં પસાર કરી દેવામાં આવ્યું હતું. આ ખરડો લોકસભામાં પસાર થઈ ગયેલો હતો અને હવે તેને રાષ્ટ્રપતિની મંજૂરી અર્થે મોકલી દેવામાં આવશે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે જ અનાજ, દાળ, તલ, ખાદ્યતેલ, ડુંગળી અને બટેટા જેવા ઉત્પાદનો આવશ્યક ચીજોની સૂચિમાંથી બાકાત થઈ જશે.
લોકસભામાં આ ખરડો 1પ સપ્ટેમ્બરના રોજ પસાર કરવામાં આવ્યો હતો. આ વિધેયક કાયદો બન્યા બાદ તેનાં સંબંધિત વટહુકમનાં સ્થાને તબદિલ થઈ જશે. આ વિધેયકનો હેતુ ખાનગી રોકાણકારોની આશંકાઓ દૂર કરવાનો છે. કારણ કે વેપારીઓને પોતાની કારોબારી કામગીરીમાં વધુ પડતી નિયામક દખલગીરીની ચિંતા સતાવતી હોય છે.
સરકારનાં કહેવા અનુસાર ઉત્પાદન સંગ્રહ, પરિવહન, વિતરણની સ્વતંત્રતાથી વ્યાપક સ્તરે અર્થતંત્રને પ્રોત્સાહન મળશે અને કૃષિ ક્ષેત્રમાં ખાનગી અને વિદેશી રોકાણ પણ આકર્ષિત થશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer