રસીની રેસમાં હવે અમેરિકાની રસી મોખરે

રસીની રેસમાં હવે અમેરિકાની રસી મોખરે
નવેમ્બર-ડિસેમ્બરમાં અમેરિકાની બજારમાં રસી આવવાની આશા
નવી દિલ્હી, તા.22: દુનિયાભરમાં હાહાકાર મચાવતા કોરોના સંક્રમણ વચ્ચે વિરાટ ફાર્મા કંપનીઓ દ્વારા રસી બનાવવાની કવાયત પણ તેજ બનાવી દેવામાં આવી છે. અનેક કંપનીઓ આ વર્ષનાં અંત અથવા તો આગામી વર્ષનાં આરંભે રસીને બજારમાં ઉતારવાના દાવા કરી રહી છે. અત્યાર સુધી રસીની રેસમાં સૌથી આગળ ગણાતી ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાની રસી પણ હવે પાછળ રહી ગઈ છે.
અમેરિકાની કંપની ફાઈઝર-બાયોએનટેકની રસી હવે આ દોડમાં સૌથી આગળ નીકળી ગઈ છે. એવું કહેવાય છે કે આ બન્ને કંપનીઓ ઓક્ટોબર સુધીમાં રસીની અસરકારકતા ચકાસી લેશે. ત્યારબાદ જો તેને વપરાશની મંજૂરી મળી જાય તો નવેમ્બર કે ડિસેમ્બરમાં જ તેને અમેરિકાની બજારમાં ઉતારી દેવામાં આવશે. કોરોનાની રસીની આ દોડમાં બીજા ક્રમે પણ અમેરિકાની જ કંપની છે. મોડર્ના પોતાની રસીનાં ત્રીજા ચરણનાં પરીક્ષણો કરી રહી છે. જેનાં તારણો પણ ડિસેમ્બર સુધીમાં મળી જવાની આશા છે. આ રસીને પણ જો આપાત મંજૂરી આપવામાં આવે તો આગામી જાન્યુઆરીમાં બજારમાં આવી શકે છે. આ પહેલા રશિયાએ સ્પૂતનિક-વી રસીનું એલાન કરી દીધેલું છે. આવી જ રીતે ચીન પણ પોતાની ત્રણ રસી તેના દેશમાં આપવા લાગ્યું છે. જો કે આ રસીએ ત્રીજા તબક્કાનાં પરીક્ષણો પૂરા ન કર્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તેથી તેની વિશ્વસનીયતા સામે ગંભીર સવાલ ઉભા થયા છે. ભારતમાં અત્યારે સીરમ ઈન્સ્ટીટયુટ ઓક્સફોર્ડની અને અમેરિકાની કંપની નોવાવેક્સની રસીનાં ત્રીજા તબક્કાનાં પરીક્ષણો કરી રહી છે.
 
2021માં ભારતમાં કોરોના વેક્સિન આવી જશે: વ્યવસ્થા મોટો પડકાર
1.3 અબજ લોકોને વેક્સિનેશનનું માળખું જ નથી : ચિંતા વ્યક્ત કરતાં વૈજ્ઞાનિક
નવી દિલ્હી, તા.રર: ભારતના એક અગ્રણી મહિલા વૈજ્ઞાનિકે આશા વ્યક્ત કરી છે કે ભારતને વર્ષ ર0ર1માં કોરોનાની વેક્સિન મળી જશે પરંતુ દરેક ઉંમરના લોકોને વેક્સિન આપવા માટે વ્યવસ્થા ઉભી કરવી પડકારજનક બની રહેશે.
તમિલનાડુના વેલ્લોરની ક્રિશ્ચન મેડિકલ કોલેજમાં માઈક્રોબાયોલોજીના પ્રોફેસર અને ડબલ્યુએચઓની વેક્સિન સેફટી પર ગ્લોબલ એડવાઈઝરી કમિટિના સદસ્ય ગગનદીપ કાંગે વેક્સિનની ઉપલબ્ધતા સાથે ચિંતા પણ વ્યક્ત કરી કે 1.3 અબજ લોકોને સલામત રીતે વેક્સિન આપવી એ એક દેશ માટે સૌથી મોટો પડકાર હશે. પ્રોફેસર ગગનદીપના મતે બાળકો, ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો તથા હાઈરિસ્ક કેટેગરીના લોકોને વેક્સિનેશન માટે ભારત પાસે સ્થાનિક સ્તરે ઈન્ફ્રાસ્ટ્રકચર નથી. વર્ષના અંત સુધીમાં આપણી પાસે ડેટા હશે કે કઈ વેક્સિન અસરકારક છે અને કઈ સૌથી સારી છે. જો સારા પરિણામ મળ્યા તો ર0ર1ના શરૂઆતના 6 માસમાં આપણી પાસે અમુક માત્રામાં વેક્સિનનો જથ્થો હશે અને બાકીના 6 માસમાં વધુ પ્રમાણમાં જથ્થો હશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer