કોરોનાના કપરા કાળમાં ‘હારુન’ ‘િહ-મેન’ બનીને સેવારત રહ્યાં!

કોરોનાના કપરા કાળમાં ‘હારુન’ ‘િહ-મેન’ બનીને સેવારત રહ્યાં!
જંગલેશ્વરમાં સતત અઢી માસ કાર્યરત રહેવાની સાથોસાથ આજી નદીમાં ઘોડાપૂરમાં વિસ્થાપિતોને સલામત સ્થળે ખસેડવામાં યોદ્ધાની ભૂમિકા ભજવનારા નગરસેવકના નિધનથી શોક
જનકસિંહ ઝાલા
રાજકોટ તા.21 : કોરોનાની મહામારી વચ્ચે એવા કેટલાયે યોદ્ધાઓ પોતાના જીવનના અંત સુધી લોકસેવા અર્થે ખડેપગે રહ્યાં હતાં જેમાનું એક નામ હારુનભાઈ ડાકોરાનું છે. વોર્ડ નં.16ના કોંગ્રેસના કોર્પોરેટરનું આજે કોરોનાના કારણે મ્ત્યુ નિપજતા માત્ર વિપક્ષ નહીં પરંતુ શાસકના નગરસેવકો તેમજ મનપાના અધિકારી વર્તુળોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
હારુનભાઈ ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ હતાં. ગત માર્ચ માસમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ જંગલેશ્વર વિસ્તારમાંથી આવ્યો હતો ત્યારથી લઈને આજદિન સુધી હારુનભાઈ પોતાના વિસ્તારમાં સેવારત રહ્યાં. પોલીસ કર્મચારીઓ, મીડિયાથી લઈને મનપાના આરોગ્ય વિભાગની ટીમ સાથે તેમનું સંકલન રહ્યું. એક તરફ કોરોનાનો કપરો કાળ તેમજ બીજી તરફ આજી નદીમાં 3-4 વખત આવેલા ઘોડાપૂરમાં સતત વરસતા વરસાદમાં પલળીને પણ તેઓ વિસ્થાપિત પરિવારોને શાળા નં.70માં સ્થળાંતરિત કરવામાં પોતાની ફરજ ન ચૂક્યાં, અને કદાચ એ જ અરસામાં તેમને કોરોનાનું સંક્રમણ લાગ્યું.
પોતાના જીવનની પરવા કર્યા વગર લોકસેવાને જ પોતાનું ધ્યેય માનનારા હારુનભાઈની ફરજનિષ્ઠાની ખુદ મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે પ્રશંસા કરી હતી. કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી રહિમભાઈ સોરાના જણાવ્યાનુસાર હાઉનભાઈ ખરેખર એક યોદ્ધા હતાં, કોરોનાકાળમાં આશરે અઢી માસ સુધી જંગલેશ્વર વિસ્તાર બંધ રહ્યો ત્યારે અહીના તવકલ ચોકમાં 24 કલાક તેઓ અમારી સાથે સેવારત રહ્યાં.
હારુનભાઈની રાજકીય કારકિર્દી અંગે તેઓએ જણાવ્યું હતું કે, તેમનો પરિવાર મૂળ કોંગ્રેસી વિચારધારાને માનનારો પરિવાર છે. હારુનભાઈના નાનાભાઈ રહેમાનભાઈ કોંગ્રેસ તરીકે કામ કરતાં હતાં તેઓ તેમની જમાતના પ્રમુખ રહી ચૂક્યાં છે. આ ઉપરાંત જ્યારે મસ્જિદે ગોસિયાનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે પણ તેઓ સક્રિય હતાં રહેમાનભાઈની સક્રિયતાને ધ્યાનમાં લઈ અમે આ પરિવારને ટિકિટ આપવાનું નક્કી કર્યુ અને અંતે હારુનભાઈ ચૂંટણી લડયાં અને કોંગ્રેસના કોર્પોરેટરપદે ચૂંટાઈ આવ્યાં. આજે તેમની અણધારી વિદાયથી માત્ર મુસ્લિમ સમાજમાં જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.  વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ  તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer