જંકશન પ્લોટ વેપારી મંડળ પ્રમુખ સહિત 3નો કોરોનાએ ભોગ લીધો

જંકશન પ્લોટ વેપારી મંડળ પ્રમુખ સહિત 3નો કોરોનાએ ભોગ લીધો
અર્ધો દિવસ ધંધા-રોજગાર બંધ રાખી શ્રદ્ધાંજલી આપી
રાજકોટ, તા.21 : રાજકોટ શહેરમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે જંક્શન પ્લોટ વિસ્તારમાં વેપારી એસોસિયેશનના પ્રમુખ જ્યકિશનભાઈ આહુજા સહીત 3 વેપારીઓના કોરોનાથી મૃત્યુ થતા આજે તમામ વેપારીઓએ અર્ધો દિવસ સુધી ધંધા-રોજગાર બંધ રાખી સદ્દગતની આત્માને શાંતિ પ્રાપ્ત થાય તે હેતુસર શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
રાજકોટમાં દરરોજ કોરોનાના 100 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે અને સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ રાજકોટ દાખલ થઇ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં મૃત્યુઆંક પણ વધી રહ્યો છે ત્યારે શહેરના જંક્શન પ્લોટ વિસ્તારમાં વેપાર ધંધો કરતા અને આ જ વિસ્તારમાં રહેતા ત્રણ-ત્રણ વેપારીઓના એક જ સપ્તાહમાં કોરોનાથી મૃત્યુ થઇ જતા વેપારી આલમમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. પહેલા વેપારી ઠાકુમલભાઈ લોકવાણી પછી ગુલાબભાઇ આંસુદાણી અને આજે આહુજા પરિવારના મોભી અને જંક્શન પ્લોટ વેપારી એસોસિયેશનના પ્રમુખ જ્યકિશનભાઈ ગોધુમલભાઈ આહૂજાનું પણ કોરોનાથી મૃત્યુ થયું હતુ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer