સોમાની ચૂંટણીમાં સમીર શાહની હાર : કિશોર વિરડીયા નવા પ્રમુખ

સોમાની ચૂંટણીમાં સમીર શાહની હાર : કિશોર વિરડીયા નવા પ્રમુખ
તેલ ઉદ્યોગની સૌથી જૂની સંસ્થામાં સત્તા પલટો, 98 મત અનામત: પરિણામને હાઇકોર્ટમાં પડકારવા તૈયારી

(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા.21: સૌરાષ્ટ્ર ઓઇલ મિલ્સ એસોસીએશનમાં પ્રમુખ પદની ચૂંટણીમાં દિર્ઘ કાળ સુધી શાસન કરી ચૂકેલા પીઢ પ્રમુખ સમીર શાહનો ગોંડલના તેલ મિલર કિશોર વિરડીયા સામે કારમો પરાજય થયો છે. આમ લગભગ નવ વર્ષ પછી સોમામાં સત્તાનું સૂકાન બદલાયું છે. હવે નવા પ્રમુખ કિશોર વીરડિયા બન્યા છે.
ચૂંટણીમાં ભારે અપસેટ સર્જાતા સમીરભાઇને 130માંથી ફક્ત 22 મતો મળ્યા હતા. બીજી તરફ સમીરભાઇએ પરિણામ અંગે શંકા દર્શાવીને કેટલાક મતપત્રકો સ્કેન થયા હોવાની શંકા વ્યક્ત કરી હતી શંકાને આધારે હાઇકોર્ટમાં પરિણામને પડકારવાની વાત કરી હતી.
પોસ્ટલ બેલેટ પેપર મારફત સતત દસ દિવસ સુધી ચાલેલી મતદાનની પ્રક્રિયા આજે 11 વાગ્યે પૂરી થઇ હતી. એ પછી મત ગણતરી કરવામાં આવી હતી. હાઇકોર્ટે મંજૂર કરેલા 130 સભ્યોના પોસ્ટલ બેલેટ ગણવામાં આવતા કિશોર વિરડીયાને 100 મત મળ્યા હતા. 22 મત સમીર શાહને પ્રાપ્ત થયા હતા જ્યારે 8 મતો રદ્દ કરવામાં આવ્યા હતા.  બીજી તરફ હાઇકોર્ટના આદેશ પ્રમાણે અગાઉ ઉમેરવામાં આવેલા 73 અને 25 એમ કુલ 98 સભ્યોમાંથી 73ના મત લઇ લેવામાં આવ્યા છે. બાકીના 25ના મતપત્રકો પહોંચાડાયા છે. પરંતુ તેનું પરિણામ નવા ચુકાદા પછી જાહેર કરવાનું કહેવામાં આવ્યું છે. આમ આ મત સસ્પેન્સ જ રહ્યા છે. આમ કિશોરભાઇની જીત છતાં આખરી પરિણામ હજુ હાઇકોર્ટના ચુકાદાને આધિન રહેશે.
કિશોર વિરડીયાએ કહ્યું કે, તેલ મિલરોની આ જીત છે. સોમાની સભ્ય સંખ્યામાં મોટો ઘટાડો આવ્યો છે ત્યારે પહેલું કાર્ય સભ્યો વધારવાનું કરીશ. સૌરાષ્ટ્રમાં 700થી 800 તેલ મિલો, પ્લાન્ટ અને રિફાઇનરીઓ છે. તેમને સોમામાં જોડવા છે. નવી સીઝન શરું થઇ ચૂકી છે ત્યારે લોકોને શુધ્ધ સીંગતેલ મળે અને ભેળસેળ અટકે તે માટે કામકાજ કરીશ. કિશોરભાઇ ગોંડલમાં સૌરાષ્ટ્ર ફૂડ પ્રોટીન્સ નામની મિલ ધરાવે છે.
બીજી તરફ સમીર શાહે જણાવ્યું કે, ચૂંટણી પરિણામ અંગે મને શંકા છે. કારણ કે આવડી દિર્ઘ કારકિર્દી પછી મને ફક્ત 22 સભ્યોનું સમર્થન મળે તે શક્ય નથી. કેટલાક બેલેટ પેપર સ્કેન થયેલા આવ્યા હોવાનું માલૂમ પડયું છે. તેમણે પરિણામને હાઇકોર્ટમાં પડકારવાની વાત ઉચ્ચારી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer