વરસાદથી હવે વાજ આવ્યા, કિસાનો ચિંતામાં ગરકાવ

વરસાદથી હવે વાજ આવ્યા, કિસાનો ચિંતામાં ગરકાવ
હવે ઓછા સમયમાં ધડાધડ ત્રણ ઈંચ ખાબકે છે : ઠેરઠેર પાક, પાથરા અને ઘાસચારા પલળી ગયા
 
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા.21: વરસાદ હવે કહેરરૂપે વરસી રહ્યો છે. સર્વત્ર ખેડૂતો ચિંતાતુર છે. પાથરા પલળી ગયા, ઘાસચારો બગડી ગયો અને ખેતરમાં પડેલા પાક પણ હવે ભગવાન ભરોસે છે તેવી વ્યાપક લાગણી છે. ખેતરમાં પાણી સુકાતા નથી અને જ્યાં વરસે ત્યાં ઓછા સમયમાં ધોધમાર પડી જાય છે. જો કે, સેટેલાઈટ ઈમેજ વાદળા વિખરાતા હોવાનું દર્શાવે છે જે આશારૂપ છે. પરંતુ લોકો અને કિસાનો હવે ત્રાહિમામ છે. આજે પણ સૌરાષ્ટ્રમાં ત્રણ ઈંચ જેટલો હતો.
તાલાલા: આંકોલવાડીમાં બપોર પછી અડધો ઈંચ પડયો હતો. તાલુકાના ધાવા ગીરમાં એક ઈંચ પડયો હતો. ગીર જંગલમાં સરહદી ગામોમાં પણ વરસાદ હતો.
ચોરવાડ: ચોરવાડમાં 1 ઈંચ હતો.
માણાવદર: ગાજવીજ સાથે રૌદ્રરૂપે 1 ઈંચ પાણી વરસ્યું હતું.
મોટી કુંકાવાવ: બપોરે 30 મિનિટમાં 2 ઈંચ વરસાદ પડી ગયો હતો. તલનો પાક પૂરેપૂરો નાશ પામ્યો છે. મગફળીનો પાક પણ મુશ્કેલ છે. મુખ્યમંત્રીએ જાહેર કરેલ કૃષિ સહાયમાં કુંકાવાવ વડિયા તાલુકાને આવરી લેવામાં આવે તેવી ખેડૂતોની લાગણી અને માગણી છે.
ઉમરાળા: રવિવારે રાત્રે 48 મી.મી. વરસાદ નોંધાયો હતો. સીઝનનો કુલ વરસાદ 36 ઈંચ (895 મીમી) થયો હતો. ખેતીવાડી ક્ષેત્રે લીલા દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ છે. તાલુકામાં તલ, બાજરી, જુવાર, કઠોળના પાકોને ગત ઓગસ્ટ સુધીમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન તથા કપાસના ફાલ ખરી ગયા પછી હવે સપ્ટેમ્બરમાં પણ વરસાદ ચાલુ રહેતા કપાસનો પાક પણ નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો વ્યકત કરી રહ્યાં છે.
ઢાંક: ઉપલેટા તાલુકાના ઢાંક ગામે રાત્રે 2 ઈંચ વરસાદ પડયો હતો. ઢાંકનો મોસમનો કુલ વરસાદ 100 ઈંચની આસપાસ પહોંચી ગયો છે.
ડોળાસા: ડોળાસા વિસ્તારમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. મૌસમનો કુલ વરસાદ 1309 મીમી થયો છે.
ભાવનગર: ભાવનગર શહેર-જિલ્લામાં ગઈરાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડયો હતો. જિલ્લામાં અડધાથી બે ઈંચ વરસાદ પડયો હતો. ભાવનગર શહેરમાં વીજળી પડી હતી.  સરદાર વિસ્તારમાં સિંધી સ્કૂલની પાછળના ભાગે વીજળી પડી હતી. જેના કારણે વીજ મીટર બંધ થઈ જતા આજુબાજુના વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી. આજે તડકો નીકળતા હાશકારો થયો હતો.
ઉના: ઉનામાં બે  કલાકમાં 1 થી 3 ઇંચ વરસાદ વરસ્યા બાદ ચારે તરફ પાણી વહેતા જોવા મળે છે. સનવાવ, સીમાસી, આંબાવાડ, રેવદ, કાણકિયા, કરેણી વિસ્તારમાં 2 થી 3 ઇંચ વરસાદ હતો. જરગલી, સામતેર, કાણકબરડા, નાના સમઢીયાળા તેમજ આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારમાં 1 ઇંચ ઉના, ગીરગઢડા, ઉમેજ, સનખડા, ગાંગડા, ઉટવાળા, ખત્રીવાડા, દેલવાડા સહિત ગામોમાં ઝાંપટા હતા.
ધોરાજી: ગાજવીજ સાથે એક ઇંચ ધોધમાર હતો. કુંભારવાડા વિસ્તારમાં રહેણાંક મકાનમાં વીજળી પડતા ઇલેકટ્રીક વાયરીંગને નુકસાન થયું મકાનમાં તિરાડો પડી હતી. મકાનમાં રહેતા લોકોનો ચમત્કારીક બચાવ થયો હતો.
પોરબંદર:  રાણાવાવ તેમજ કુતિયાણા પંથકમાં 60 ઇંચ જેટલો રેકોર્ડબ્રેક વરસાદ વર્ષો બાદ નોંધાયો છે. સોમવારે માત્ર બે  કલાકમાં કુતિયાણામાં વધુ અઢી ઇંચ અને રાણાવાવમાં 1 ઇંચ નોંધાયો હતો.
વિસાવદર પંથકમાં અઢી માણાવદર માળિયા દોઢ, કેશોદમાં એક ઇંચ
વિસાવદર પંથકમાં અઢી, માણાવદર અને માળિયામાં દોઢ, કેશોદમાં એક ઇંચ તથા અન્યત્ર અડધા  ઇંચ જેવો વરસાદ હતો. કેશોદના બાબુભાઇ સોરઠિયાના મકાન ઉપર આકાશી વીજળી ત્રાટકતા, ઇલેકટ્રીક ઉપકરણો બળી ગયા હતા. સદ્નસીબે કોઇ જાનહાની થવા પામી નથી.
ચાચાપર : મોરબીના ચાચાપર, ખાનપર, થોરાળા વિગેરે ગામડાઓમાં સોમવારે અડધી કલાકમાં ધોધમાર એકાદ ઈંચ વરસાદ ગાજવીજ સાથે પડી ગયો હતો. ગામની ડેમી નદીમાં ઉપરવાસના ડેમોના પાણી છોડાતા બે કાંઠે વહી હતી. વરસાદથી ખેડૂતોની મોલાતને મોટી નુકશાનીની ખેડૂતોમાં ફરિયાદો ઉઠી હતી.
વડિયા : પશુ માટે ચારો બચી શકે તેમ હતો પણ બે દિવસથી વરસતા વરસાદથી હવે લીલા દુકાળ જેવી સ્થિતિ થઈ ગઈ છે. ખેતરોમાં પડેલી ઉપાડેલી મગફળીને ભારે નુકશાન થયુ છે.
સરા : વરસાદથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ઠેરઠેર ખેતરોમાં પડેલા પાકને વ્યાપક નુકશાન થયાની ખેડૂતોની રાવ છે.
દેવચડી-બાંદરા : ત્રણ દિવસથી ઓછા વધતા વરસાદે ખેડૂતો માટે વિનાશ વેર્યો છે. ગોંડલના દેવચડી અને બાંદરામાં ખેડૂતોને કાળી મહેનત પાણીમાં ગઈ હોવાનો અહેસાસ થાય છે.
બાબરા : સતત વરસાદથી કઠોળ, તલના પાકોને ખેડૂતો હવે પશુઓને ખવડાવવા લાગ્યા છે. સર્વે કરીને ખેડૂતોને નુકશાની ચૂકવાય તેવી માગ થઈ છે.
લાઠી-મતિરાળા : ખેડૂતોના મગફળીના પાથરા વરસાદી પાણીમાં તણાઈ ગયા છે. અત્યાર સુધીમાં 64 ઈંચ વરસાદ પડયો છે. સરકાર ખેડૂતોને મદદ કરે તે જરૂરી છે. 
મોટીમારડ : ધોરાજીના મોટીમારડ, પીપળિયા, વાડોદર, ઉદકીયા, ભાદાજાળીયા વિગેરે ગામમાં બે દિવસથી વરસાદથી ખેડૂતોનો મગફળી જેવો ખેતરોમાં પડેલો પાક નાશ પામ્યો છે.
જેતપુર: સાંજે ગાજવીજ સાથે 1 ઇંચ વરસાદ પડયો હતો. ભાદર 1 ડેમના 4 પાટિયા 3 ફૂટ ખોલવા પડયા હતા. 5172 કયુસેક ઓવરફલો થયું હતું.
 
મધ્યગીરમાં પાંચ ઇંચ
ઉના: મધ્ય ગીર વિસ્તારમાં બપોરના સમયે અચાનક મેઘરાજાએ દે ધનાધન એન્ટ્રી મારી ભારે વરસાદ વરસતા ગીર વિસ્તાર પાણીથી છલકાઇ ગયો હતો. 5 ઇંચ વરસાદ પડતા આ પાણી રાવલ ડેમમાં આવતા રાવલ ડેમના 5 દરવાજા 2 ફૂટ ખોલતા જંગલ વિસ્તારની બોર્ડરના જશાધાર, ધોકડવા સહિતના રાવલ નદી કાંઠા વિસ્તારમાં પાણી વહેતા થઇ ગયા હતા. નદી-નાળાઓ છલકાતા લોકોની અવર-જવર ન કરવા તંત્ર દ્વારા સૂચના અપાઇ હતી. જ્યારે ગીરગઢડાના મચ્છુન્દ્રી નદી ડેમ પર 3 ઇંચ વરસાદ પડતા 20 સે.મી. પાણી ઓવર ફલો થતાં મચ્છુન્દ્રી નદીમાં પણ પાણીની આવક વધતા ગામોને સાવચેત કરાયા હતા.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer